એકતા નગર ખાતે સુરક્ષા જવાનો અને અધિકારીઓની પ્રમાણિકતા અને સતર્કતા થી મહિલા પ્રવાસીનું પર્સ પરત કરાયું

0
18

  • ડેમ વ્યુ પોઇન્ટ-3 પરથી એકતા નગર SRP જવાનોને પર્સ મળ્યું, DYSP સરવૈયાએ પર્સમાંથી મળેલ ડેબિટ કાર્ડ પરથી બેંક મેનેજરની મદદથી માલિકને શોધી પર્સ પરત કર્યું

હ્યુમન ઇન્ટેલીજન્સ અને ટેક્નોલોજીની મદદથી પ્રવાસીના મુખ પર ખુશી છવાઈ

(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે વિશ્વભરના પ્રવાસીઓની પહેલી પસંદ બન્યુ છે અને એકતાનગર ખાતે ફરજ બજાવતા પ્રમાણિક કર્મયોગીઓના નિઃસંદેહ સિંહફાળો રહ્યો છે.અત્રે આવતા પ્રવાસીઓ ઘણી વખતે પોતાની કિંમતી વસ્તુઓ પ્રવાસના સ્થળોએ ભુલી જતાં હોય છે અથવા પડી જતી હોય છે પરંતુ અત્રે ફરજ બજાવતા કર્મયોગીઓએ હંમેશા પ્રમાણિકતા સાબિત કરી છે. અંકલેશ્વરથી પોતાના પરિવાર સાથે દિવાળીમાં પ્રવાસે આવેલ સ્મૃતિબેન શાહ પર્સ પરત કરતા ભાવવિભોર થયા હતા.
સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલ સરદાર સરોવર નર્મદા ડેમ વ્યુ પોઈન્ટ-3 ખાતે પ્રવાસી સ્મૃતિબેન શાહ પરિવાર સાથે ડેમનો નજરો માણી રહયા હતા, અને ત્યારબાદ ઉતાવળે અન્ય સ્થળોએ જવા માટે નીકળ્યા ત્યારે પોતાની પાસે રહેલ પર્સ ત્યાં ભૂલી ગયા હતા. દરમ્યાન પર્સ ભુલાઈ ગયું હોવાનું તેમણે માલુમ પડેલ હતું. જંગલ સફારી પહોંચેલા મહિલા પ્રવાસીએ ત્યાં ફરજ પર હાજર સુરક્ષા જવાનોને સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી. આ અંગેની જાણકારી સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના નાયબ પોલીસ અધીક્ષક રિયાઝ સરવૈયાને થઇ હતી, જેથી સત્તામંડળના
આંતરિક સૂત્રોને તેઓએ સચેત કરી પર્સની શોધખોળ માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી.
દરમ્યાન ડેમ વ્યુ પોઇન્ટ -3 પર હાજર ફરજ પરસ્ત એકતા નગર SRP હેડ કોન્સ્ટેબલ જગદીશકુમાર ખાંટ અને કોન્સ્ટેબલ કમલેશભાઈ વસાવાએ શોધખોળ કરતા પ્રવાસી દ્વારા ભૂલી જવાયેલ પર્સને શોધીને એકતા નગર SRP ના નાયબ પોલીસ અધિક્ષક એલ.પી.ઝાલાને જાણ કરીને તેમના માર્ગદર્શનમાં પર્સ સત્તામંડળના નાયબ પોલીસ અધીક્ષક રિયાઝ સરવૈયાને જમા કરાવેલ. જે બાદ પર્સ ચેક કરતા તેમાંથી બેન્ક ઓફ બરોડાનું ડેબિટ કાર્ડ મળી આવેલ જેમાં સ્મૃતિબેન શાહનું નામ લખેલ હતું.
જે આધારે સરવૈયાએ બેન્ક ઓફ બરોડાના બ્રાન્ચ મેનેજર રવિકુમારનો સંપર્ક કરીને સ્મૃતિબેન શાહની શોધખોળ ચલાવી હતી, જે બાદ બેન્ક મેનેજર પાસેથી મળેલ માહિતી પ્રમાણે પ્રવાસીનું નામ સ્મૃતિબેન શાહ હતું જે અંકલેશ્વરના રહેવાસી હતા. જેઓનો ટેલીફોનીક સંપર્ક કરીને જાણ કરી હતી અને પર્સ યોગ્ય ખરાઈ કરીને પરત લેવા જણાવ્યું હતું.
દરમ્યાન આજરોજ પ્રવાસી સ્મૃતિબેન શાહ પોતાના પરીવાર સાથે વહીવટી કાર્યાલય ખાતે આવી અને નાયબ પોલીસ અધિક્ષક રિયાઝ સરવૈયાની રૂબરૂમાં SRP હેડ કોન્સ્ટેબલ જગદીશકુમાર ખાંટ અને કોન્સ્ટેબલ કમલેશભાઈ વસાવાએ મહિલા પ્રવાસી સ્મૃતિબેનને પર્સ પરત સોંપ્યું હતું. પ્રવાસી મહિલાને પાકીટ પરત કરવામાં આવતા પરીવારજનો ભાવવિભોર થયા હતા.

આ અંગે સ્મૃતિબેન શાહના જણાવ્યા મુજબ પર્સ ભૂલી ગયા બાદ ઘણી શોધખોળ કરી હતી, અને એકતા નગર વહીવટીતંત્રને જાણ પણ કરી હતી, આખરે થાકીને આશા છોડી ઘરે પરત જવા નીકળ્યા હતા, અને અડધે રસ્તે નાયબ પોલીસ અધિક્ષક સરવૈયાનો ફોન આવતા આજે પર્સ પરત લેવા આવેલ છે અને પર્સમાં રહેલ તમામ વસ્તુઓ સહી સલામત પરત મળેલ છે.

આ અંગે નાયબ પોલીસ અધિક્ષક રિયાઝ સરવૈયાએ જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ નાં ચેરમેન મુકેશ પૂરી અને મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલ ની પ્રેરણાથી અને અધિક કલેક્ટર ગોપાલ બામણીયાના માર્ગદર્શનમાં અત્રે લોસ્ટ એન્ડ ફાઉન્ડ વિભાગ ખુબ જ સુંદર કામગીરી કરી રહ્યું છે અને અત્રે કામ કરતા તમામ સરકારી વિભાગ ના કર્મયોગીઓ હંમેશા પોતાની પ્રામાણિકતાથી પ્રવાસીઓના ચહેરા પર ખુશી લાવી રહયા છે.
સુરક્ષા જવાનોની પ્રમાણીકતાને સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલ અને એકતા નગર SRP સેનાપતિ એન્ડ્રયુ મેકવાને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY