સંધિ સમાજનો પરિચય

0
1320

સૌરાષ્ટ્ર-ગુજરાતની સંધિ કોમ મૂળ સિંધના સમા રાજપૂત

સંધિ લોકોએ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં સમા-સુમરા-જાડેજાઓ સાથે પોતાનો સંબંધ જાળવી રાખ્યો હતો. તેમના બારોટ-ચારણ પણ હિંદુ હતા. ખોડિયાર, સિકોતર અને મેલડી માતાને માનતા. હિંદુ દેવ-દેવીઓને માનતા. મુસ્લિમ સંસ્કૃતિ અપનાવ્યા પછી ધીમે-ધીમે તેમના જીવન અને રહેણી-કરણીમાં પડેલા હિંદુ સંસ્કૃતિના ચિહ્નો ભૂંસતા ગયા. તો એ ગામડાઓમાં રહેતા સંધિઓ અને જુનવાણી સ્ત્રીઓ હજુએ હિંદુ સંસ્કૃતિની રહેણી-કરણી અપનાવતા જોવા મળે છે.

અવાર-નવાર અખબારના પાનાઓમાં સંધિ ફલાણા-ફલાણાના સમાચારો છપાતા ઘણીવાર ગેરસમજ પણ ઉદ્ભવતી હોય છે. સંધિને બદલે સિંધી છપાઈ જાય છે ત્યારે ઇસમોના નામ વાંચીએ તે પછી સંધિ હોવાનો ખ્યાલ આવી જાય છે. આમતો વાન એક જ છે, સંધિ કે સિંધી છપાઈ જાય છે ત્યારે સંધિ કે સિંધી બંને મૂળતો સિંધના જ છે. ફરક એટલો કે સિંધી લોકો વિભાજન પછી અત્રે આવ્યા છે અને તેઓ હિંદુઓ છે. સંધિ લોકો તો સદીઓ પહેલા સિંધમાંથી અત્રે આવ્યા છે અને તેઓ મુસ્લિમ ધર્મ પાળે છે.

ભાષા બંનેની સરખી. અલબત સંધિઓની ભાષામાં કચ્છી-ગુજરાતી છાંટ. ધર્મ ઉપરાંત તફાવતમાં રહેણી-કરણી સિંધીઓ મોટાભાગે વેપાર-વ્યવસાય કરે છે, જયારે સંધિઓ અન્ય ધંધાઓમાં પરોવાયેલા છે. સૌરાષ્ટ્ર-પછાત વર્ગ બોર્ડ દ્વારા ૧૯૫૭માં સૌરાષ્ટ્રની પછાત કોમોનો બે ભાગમાં એક ગ્રંથ પ્રગટ કરવામાં આવ્યો હતો. તેમાં સંધિ કોમનો સૌરાષ્ટ્રમાં આગમનનો ઈતિહાસ આપવાની સાથે તેમની ખાસિયતોનો પણ પરિચય આપવામાં આવેલ છે. તે અંગે સંધિ લોકો ધીંગાણા કરવામાં, ધાડ પાડવામાં, ઢોર ચોરી અને લૂંટ ફાટ કરવામાં જાણીતા હતા. રાજાશાહી વખતમાં ધીંગાણા કરવામાં, ઠાકોરો અને દરબારોને મદદ કરવામાં તેમનો સહકાર રહેતો. આ લોકો મુખ્યત્વે માલધારી કોમ છે. કેટલાક ખેતી પણ કરે છે. હવે આજે તેઓ ગામડા અને શહેરમાં સ્થાયી થઈને પશુપાલન અને ખેતી પણ કરે છે. કેટલાક સરકારી કે ખાનગી નોકરીઓમાં મુકાદમ ય પહેરગીર તરીકે નોકરી કરે છે. તેમજ સરકારમાં પોલીસ ખાતામાં ભરતી થવા લાગ્યા છે. વળી ઘોડાગાડી હાંકવાનો ધંધો કરે છે. (હવે રિક્ષાઓ પણ ચલાવે છે.) સૌરાષ્ટ્રના લગભગ બધા ભાગોમાં આ કોમની વસ્તી જોવા મળે છે. કેટલાકની જાગીરો પણ જોવા મળે છે. ઉત્તર-ગુજરાતમાં પણ સંધિઓ જોવા મળે છે. આ સંધિ લોકો ૧૩ થી ૧૭મી સદી સુધી સિંધમાંથી સૌરાષ્ટ્રમાં આવેલ છે, તેવું અનુમાન છે. તેમનું સૌરાષ્ટ્રમાં આગમન અને સિંધમાં હિંદુ શાસનનો અંત થઈને મુસ્લિમ શાસનના પ્રારંભની સાથે ઐતિહાસિક ઘટનાઓ વણાયેલી છે. આ સંધિ કોમ મૂળ સિંધમાંથી કચ્છમાં થઈને સૌરાષ્ટ્રમાં આવી તેઓ સૌ પ્રથમ ગીર વિસ્તારમાં આવ્યા હતા. ધર્મે મુસ્લિમ છે. જો કે મૂળે રાજપૂત છે. આ કોમને જાડેજા રાજપૂતો સાથે સંબંધ છે. જાડેજાઓ સિંધના સમા હતા. આ સંધિ લોકો સિંધમાં સમ્મા રાજપૂતો હતા.

ઈ.સ. ૧૨૦૬ની વાત છે. દિલ્હીના તખ્ત પર શાહબુદ્દીનનો પુત્ર આરામ ગાદીએ આવ્યો. તે તેના નામ પ્રમાણે એશ આરામી હતો. આથી તેના બનેવી અલ્તમસે ગાદી કબ્જે કરી ૧૨૧૧માં તેણે બંગાળ-બિહારની સાથે સિંધના હિંદુ સુબાઓને ખંડણી ભરતા કરી દીધા. તે વખતે સિંધના પાટનગર નગરસમામાં જામ રાયધણનું શાસન હતું. તેને બે પુત્રો હતા. હાલો અને જેહો. રાયધણના મૃત્યુ બાદ બંને ભાઈઓ સત્તા માટે લડી પડ્યા. નાનો ભાઈ જેહો કચ્છમાં રહેતો હતો. તે તેના પિતરાઈ ભાઈ પાસે રહ્યો. મોટોભાઈ રાણો-હાલો સિંધનો શાસક બની રહ્યો. કચ્છમાં જેહાનો પુત્ર થયો. તેનું નામ અબડો. તે મોટો થતા સિંધની ગાદી માટે હક્ક માંગ્યો. સિંધમાં તે વખતે હાલાના પુત્ર જામ ધારા લાખાણીનું રાજ હતું. સિંધ નગરસમામાં પંચાયત મળી પંચે ભેગા થઈને બંને પક્ષને દિલ્હીના બાદશાહ પાસે જઈને ન્યાય માંગવાનું સૂચવ્યું. દિલ્હીના બાદશાહો મુસ્લિમ ધર્મ પાળતા અને પ્રચાર માટે પણ સક્રિય રહેતા. બાદશાહે એવો ન્યાય કર્યો કે બે માંથી જે મુસ્લિમ ધર્મ સ્વીકાર કરે તે સિંધની ગાદી પામશે.

અબડો સ્વમાની હતો. ધર્મ પરિવર્તનનો ઇનકાર કરીને તે દિલ્હી થી પરત રવાના થઇ ગયો. જયારે સિંધમાં જેનું રાજ હતું તે જામ ધારાએ શરત મંજૂર રાખીને પોતાની ગાદી જાળવી રાખી. ત્યાં સુધી સિંધમાં સમા રાજપૂતો નું શાસન હતું અને હવે સમા મુસ્લિમોના શાસનનો પ્રારંભ થયો. તે સમયે વહાઉદ્દીન નામનો એક સૈયદ ઉલેમા મુસ્લિમ ધર્મનો પ્રચારક હતો. કેટલાક સમ્મા, સુમરા, સોઢા, સમેધા, હિંગોડા, મોતિયાર, જાડેજા વગેરે રાજપૂતો સત્તા લોભને કારણે મુસ્લિમ બની ગયા. જામ અબડો ધર્મ પરિવર્તનનો ઇનકાર કરી દિલ્હી થી કચ્છ જવા લાગ્યો. કચ્છના રણમાં પાણી ન મળતા તે તરસથી વિહવળ બની ગયો અને તેમની સાથેના સાથીદારો લોથપોથ થઇ ગયા હતા. આગળ વધવાની હિંમત હારી બેઠા હતા. જોગાનુજોગ અનાયાસે સૈયદ વહાઉદ્દીનનો તેને ભેટો થઇ ગયો. સૈયદ સાથે પણ તેના સાથીદાર માણસો હતા. તેઓની પાસે તેમણે ઝડપી કૂવો ખોદાવી પાણી કાઢ્યું અને અબડા જામ તથા તેમના માણસોને પાણી પીને તરસ છીપાવી. તરત સૈયદે મુસ્લિમોએ આપેલા પાણી પીવાને કારણે તે સૌ સર્વ મુસ્લિમ બન્યાનું જાહેર કર્યું અને જામ અબડો અને તેના માણસોએ પણ ઈમાન લાવી મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો. આ વખતે અબડા જામની પત્નીને ઓધાન હોય સૈયદે કહ્યું કે તેનો પુત્ર મોટો થઈને પીર બનશે. અબડો કચ્છમાંજ રહ્યો. તેનો પુત્ર મોટો થઈને “ખોડપીર” નામે ઓળખાયો. કચ્છમાં દુષ્કાળ પડતા ખોડપીર તેના સાથીઓ સાથે સૌરાષ્ટ્રમાં આવ્યા. તેઓ માલધારી હતા. ગીર પ્રદેશમાં ઢોર-ઢાંખર સાથે વસતા. તે વખતે સૌરાષ્ટ્રમાં અંધાધુંધી – અવ્યવસ્થા હતી. રજવાડાઓ વચ્ચે સત્તાની સાઠમારી ચાલતી હતી. તે લાભ લઈને આ લોકોએ લૂંટફાટ શરુ કરી અને સૌરાષ્ટ્રમાં જ વસી ગયા. મૂળે સિંધમાંથી આવ્યા હોવાને કારણે તેઓ સિંધી કહેવાયા, અપભ્રંશ બનીને તે શબ્દ સંધિ (સંધી) બની ગયો છે. મૂળ તેઓ સમા જાડેજા કૂળના હિંદુ રાજપૂત હતા અને સંજોગોએ ઈમાન લાવી મુસ્લિમો બન્યા હતા.

ત્યારથી મોટી સંખ્યામાં સંધિઓ ઈ.સ. ૧૬૦૬માં સૌરાષ્ટ્રમાં આવ્યા તે સમયે સરધારમાં વાઘેલા રાજપૂતોની આણ’ હતી. સિંધમાંથી કચ્છ થઈને આ સંધિ ઢોર ઢાંખરોની સાથે સરધાર આવ્યા. તેમાં રાજુ નામનો સંધિ બહુ બાહોશ હતો. તેણે આજી નદીના કાંઠે વસવાટ કર્યો. તેની નેસ હતી. અને તેના નામ ઉપરથી રાજકોટ થયું. તે ઈતિહાસ વિવાદિત છે.

સંધિ લોકોમાં આશરે ૧૦૪ શાખ છે. મુખ્યત્વે ઠેબા, ધીહા, શારમાણ, ઝ્ખર, સમા, હિંગોરા, દલ, રાઉમા વગેરે છે. સમા અને રાઉમા પોતાને ઊંચા માને છે. રાઉમાની પેટા શાખામાં લાખાણી, જુણા, મામૈયા, અલવશિયા, ચાણક્યા, મસક વગેરે છે. આ સંધિ લોકોએ સૌરાષ્ટ્રમાં પણ સમા, સુમરા, જાડેજા હિન્દુઓની સાથે પોતાનો સંબંધ જાળવી રાખ્યો હતો. તેમના બારોટ-ચારણ પણ હિંદુ હતા. ખોડિયાર, સિકોતર, મેલડી માતા અને હિંદુ દેવ-દેવીઓને માનતા. મુસ્લિમ સંસ્કૃતિમાં આવતા ધીમે-ધીમે તેમના જીવન રહેણી-કરણીમાં હિંદુ સંસ્કૃતિના ચિહ્નો ભુંસાતા ગયા અને ગામડાઓમાં રહેતા સંધિઓની જુનવાણી સ્ત્રીઓમાં હજુએ હિંદુ સંસ્કૃતિના ચિહ્નો જણાય છે. તે લોકો નાગની પૂજા કરતા અને શ્રાવણ માસના તહેવારો પણ ઉજવતા. સીમંત પ્રસંગે સ્ત્રીને કંકુનો ચાંદલો કરીને ખોળામાં નાળિયેર અપાતા. તેમની સાથે નમાઝ પઢે છે અને પીર-ઓલિયાને મને છે. તેઓ રાસ-રાસડા અને ભજનો પણ ગાતા. પંથે તેઓ સુન્ની છે. આમ મુસ્લિમ ધર્મ અપનાવવાની સાથે તેઓ હિંદુ રહેણી-કરણી ના સંસ્કારો ધરાવતા હતા. ક્રમશ: પારંપરિક સંસ્કૃતિના બદલે ઇસ્લામ ધર્મ તરફ વધુ સભાન બનેલ છે.

ઈ.સ. ૧૦૧૪ થી ૧૬ અરબસ્તાનમાંથી મહમદ બિન કાસીમ સિંધ પર ઇસ્લામ ની તબલીગ માટે આવ્યા ત્યારે સિંધમાં રાજા દહીર રાજ્ય કરતો હતો. મહમદ બિન કાસીમ થોડા માણસો સાથે લાવેલા. ઇસ્લામનાં કાનૂન અને શિસ્ત-પ્રિયતા જોઇને ઇસ્લામના ફેલાવામાં સિંધે ફાળો આપ્યો. અને ઘણા લોકોએ ઇસ્લામ સ્વીકાર્યો. આ વખતે કચ્છમાં જે રાજપૂતોએ ઇસ્લામ સ્વીકાર્યો તેઓ સંધિ મુસ્લિમ કહેવાયા. જામ અને જાડેજામાંથી ઇસ્લામમાં ગયાને સમાત્રી કહેવાયા અને બીજા બીન સમાત્રી કહેવાયા. આમ સંધિ મુસ્લિમોનો જુનો ઈતિહાસ છે.

સંદર્ભ:
(૧) સિંધુ ગુજરી – જયંત રેલવાણી (સૌરાષ્ટ્રની પછાત કોમો ઓ.પ.વ. બોર્ડ દ્વારા ૧૯૫૭માં બે ભાગમાં ધારો)
(૨) લાઈબ્રેરી રાજકોટ રાજ્યના ઈતિહાસમાંથી
સંગ્રાહક: ઈસ્માઈલભાઈ બુધિયા (માસ્તર) – રાજકોટ
સંપાદક: ઈબ્રાહીમભાઈ ઈસ્માઈલભાઈ હોથી – રાજકોટ

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY