પરમ કૃપાળુ સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજીના અંતધ્યાન બાદ અનાદિ મૂળ અક્ષરમૂર્તિ યોગીવર્ય સ.ગુ.શ્રી ગોપાળાનંદ સ્વામીએ સંવત ૧૯૦૫ના આસો વદ પાંચમના દિવસે સાળંગપુર ગામમાં સંતો-વિદ્વાનો- વિદ્વાન બ્રાહ્મણો અને હરિભકતોને આમંત્રિત કર્યા. ભવ્ય મહોત્સવમાં વેદોકતવિધિથી શ્રી કષ્ટભંજન-હનુમાનજી મહારાજની આ મૂર્તિની સ્થાપના કરી. નૈષ્ઠિક વ્રતધારી શુકમુનિ તથા ગોવિંદાનંદ સ્વામી પાસે પ્રતિષ્ઠાની આરતી ઊતરાવી.
આરતી સમયે સ.ગુ.શ્રી ગોપાળાનંદ સ્વામી એક લાકડીને પોતાની દાઢી સાથે ટેકવીને મૂર્તિ સામે ત્રાટક વિધિ
કરતાં થકા ઊભા છે.પોતે સંકલ્પ કરે છે કે આ મૂર્તિમાં હનુમાનજી મહારાજ આવિર્ભાવ થાઓ !
ત્યારે શાસ્ત્રો- પુરાણોમાં વર્ણવેલ હનુમાનજી નામે બાવન વીરો આ મૂર્તિમાં પ્રવેશ કરવા તૈયાર થયા. દિવ્ય દૃષ્ટિવાળા સ્વામીએ સમાધિયોગમાં શ્રીજીના સંકેત દ્વારા વીરોને જોઈને ઉદ્બોધન સાથે વિવેકપૂર્ણ વાણી આપ્રમાણે ઉચ્ચારી કે, હે વીરો ! દિવ્ય શકિતવાળા આપ સૌમાંથી જેમણે ત્રેતાયુગમાં શ્રીરામચંદ્ર ભગવાનની તથા હાલ કળીકાળમાં પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુની સેવા જે નિષ્કામ ભાવનાથી કરી છે એવા હે હનુમંત મહાવીર ! આપ પધારો અને આ મૂર્તિમાં સદા પ્રગટ બિરાજો. ગુરુ ગોપાળાનંદ સ્વામીની આજ્ઞામૃતપિપાસુ શ્રી રામદૂત હનુમાનજી મહારાજે તત્કાળ મૂર્તિમાં આવિર્ભાવ પામતાની સાથે જ આ મૂર્તિ થર થર થર ધ્રૂજવા લાગી. સ્વામીશ્રીએ આપેલા અપાર સામર્થ્યને જાણે પોતાનામાં સમાવતા થકા મારૂતિનંદન હસવા લાગ્યા. સર્વસુખદાતા ગોપાળ સ્વામીએ શ્રી હનુમાનજી મહારાજને વિનંતી કરી કે, આપના ચરણે આવેલ હરકોઈ મનુષ્યોનાં દુઃખ દૂર કરજો, મૂઠ-ચોટ-ડાંકણ-શાકણ-મલીન મંત્ર-તંત્ર-ભૂત-પ્રેત-ભૈરવ-બ્રહ્મરાક્ષસ-ચૂડેલ-પિશાચ વગેરેના પાશથી પીડીતોને સર્વ પ્રકાર મુકત કરી એ સર્વનો ઉદ્ઘાર કરજો. મૂર્તિ તો હજુ સુધી ધ્રૂજે છે. ભકતોએ સ્વામીને પ્રાર્થના કરી કે સ્વામી ! બાજુમાં ગઢપુરપતિ શ્રી ગોપીનાથજી મહારાજ તથા ધોલેરાના શ્રી મદનમોહનજી મહારાજનું માહાત્મ્ય ઘટી જશે, માટે પ્રગટ સામર્થ્યથી ધ્રૂજતી બંધ કરો.
સર્વના કષ્ટને હરનાર દેવ પધરાવ્યા છે, તેથી જ સ્વામીએ કષ્ટભંજન દેવ એવું શુભ નામ આપ્યું.
સ્વામી કહે, વાઘાખાચર ! હવે તમારે ધનનો દુષ્કાળ મટી ગયો. નિત્ય સંતસમાગમનો લાભ મળશે.
આમ, ભગવાન શ્રી સ્વામિનારાયણની અસીમ કૃપા તથા સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીના આશીર્વાદથી સાળંગપુરમાં તજાધિરાજપણે પ્રગટ બિરાજતા શ્રી કષ્ટભંજન દેવના દર્શન-સેવા-માનતા રાખનારનાં કષ્ટો દૂર કરે છે. કોઈ હઠીલા ભૂત-બ્રહ્મરાક્ષાસ ન માને તો સ.ગુ.શ્રી ગોપાળાનંદ સ્વામીની લાકડીનો છેડો જળમાં બોળીને કરેલ પ્રસાદીભૂત જળ છાંટવાથી ગમે તેવા બલિષ્ઠ પ્રેતાદિક બળવા લાગે છે અને સદાને માટે ભાગી જાય છે એટલું જ નહીં, તે ભૂતપ્રેતનો પણ ઉદ્ઘાર કરે છે.
અહીં નાતજાત જોયા વગર, ભેદભાવ ટાળીને દાદા સૌ પ્રત્યે એક સમાન પ્રેમ વરસાવી સુખિયા કરે છે.મેલી વિદ્યા વગેરેના ત્રાસથી લાખો રૂપિયાના ખોટા ખર્ચા કરતાં જીવોને જયારે સાળંગપુરના દાદાનો આશ્રય મળે ત્યારે નિષ્કામ સેવાધર્મ બજાવતા દાદાનો પ્રગટ અમાપ પ્રતાપ પામીને જીવ પોતાને ધન્યભાગી માની સદા દાદાના ઉપાસક બની સાચા ભકતો બને છે અને આર્થિક-દૈહિક સર્વ દુઃખોથી મુકત બને છે.
જમવા માટે દાદાનો દરબાર નાતજાત જોયા વગર સદાને માટે ખુલ્લો રહે છે. એ જ પ્રમાણે સૌને ઉતારા-પાણીની યોગ્ય વ્યવસ્થા આપવામાં આવે છે.
અરે, વિશિષ્ટતા તો એ છે કે પશુ-પંખી પણ પ્રેતયોનિને પામેલાં હોય છે, જે માનવોને વળગે છે. દાદા કષ્ટભંજન દેવ એને મનુષ્યની વાચા આપે છે.તેની વાત સમજીને યથાયોગ્ય મુકિત આપે છે.
દાદા આગળ બેસીને મનની જે કાંઈ મૂંઝવણ હોય તે રજૂ કરે અને દાદાની શણાગતિ સ્વીકારે તો દાદા ખુદ
દૂત દ્વારા બોલે છે કે મારે શરણે આવેલ હરકોઈ જીવને હું સદ્ગતિ આપું છું આમ, આધિ- વ્યાધિ -ઉપાધિથી જીવ આ લોક-પરલોકમાં પરમ સુખના ભોકતા બને છે.
તા.ક.ઃ હંમેશા સવારે ૮ થી ૧૦ અને સાંજે ૪ થી ૬ વાગ્યા સુધી પાઠ ચાલે છે,જેને જે કાંઈ મુશ્કેલી હોય તે આ સમયે
હનુમાનજી દાદા આગળ રજૂ કરવાથી દુઃખી જીવોને અહીં પાઠપૂજા આપવામાં આવે છે. શ્રદ્ઘાપૂર્વક આપેલ
પાઠપૂજા કરે તેનું સર્વથા સર્વપ્રકારે સુખશ્રેય થાય છે.
જય શ્રી રામ .જયશ્રી હનુમાનજી મહારાજ
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"