‘ઈન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ-૨૦૨૩’ના ભાગરૂપે રાજ્યના ખેતીવાડી વિભાગ દ્વારા તા.૧૨ થી ૧૬ માર્ચ સુધી સુરત શહેરના દયાળજી અનાવિલ કેળવણી મંડળ, મજુરાગેટ ખાતે મિલેટ્સ પાકોની પ્રાકૃતિક ખેત પેદાશોનો વેચાણમેળો યોજાયો હતો, જેને સુરતવાસીઓનો ભવ્ય પ્રતિસાદ સાંપડ્યો હતો. સુરતીઓએ પાંચ દિવસો દરમિયાન જુવાર, બાજરી, રાગી સહિતના ખેતપેદાશોની રૂ.૨૮ લાખથી વધુની ખરીદી કરી હતી. ખાસ કરીને અહીં લાઈવ મિલેટ્સ વાનગીઓમાં નાગલીમાંથી બનતા ઢોકળા, ખીચું, શીરો, વડા અને બાજરીના ગોટાના સ્વાદનો સુરતીઓને ચસ્કો લાગ્યો હતો.
૧૦૦ ટકા ડાંગ ઓર્ગેનિક યોજના હેઠળ આયોજિત આ વેચાણમેળામાં ડાંગ, વલસાડ, નવસારી અને સુરત જિલ્લાના ખેડૂતો, મહિલા સ્વસહાયજૂથો જોડાયા હતા.
મેળામાં મિલેટ્સની વાનગીઓનો સ્વાદ માણીને આનંદ વ્યક્ત કરતા મુલાકાતી નિકેતાબેન રાજે કહ્યું કે, વર્ષોથી સુરતમાં રહીએ છીએ એટલે સ્વાભાવિક છે કે સુરતીઓ ખાવાપીવાના શોખીન તો હોય જ. અમે પ્રાકૃતિક કૃષિ ખેતપેદાશોના ફાયદાઓ અંગે સુપરિચિત છીએ. મેં બે વાર નાગલીમાંથી બનતા ખીચું, નાગલીનો શીરો, નાગલીના ઢોકળા અને નાગલીના વડા જેવી દેશી વાનગીઓનો સ્વાદ માણ્યો જેનો ચટાકો યાદ રહી જાય તેવો છે. પ્રાકૃતિક કૃષિથી પાકતા મિલેટ્સમાં અન્ય અનાજની તુલનામાં પુષ્કળ પ્રમાણમાં પોષકતત્વો હોય છે.
વધુમાં નિકેતાબેને કહ્યું કે, આપણા વડીલોનો દૈનિક આહાર સર્વશ્રેષ્ઠ અને સંપૂર્ણ પોષક આહાર હતો, જેનો અનુભવ મિલેટ્સની વાનગીઓ આરોગીને થયો છે. મિલેટ્સ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, એટલે દરેક ખેડૂતે પ્રાકૃતિક ખેતીથી વિવિધ ધાન્યપાકોનું વાવેતર કરવું જોઈએ. સરકાર આવા મેળાઓનું આયોજન સમયાંતરે કરતી રહે તે જરૂરી છે, જેથી ખેડૂતોને પણ કૃષિઉપજોનું વેચાણ કરવા માટે પ્લેટફોર્મ મળી રહેશે.
મિલેટ્સમાં જુવાર, બાજરી, રાગી અને નાની મિલેટ્સ એટલે કે કાંગણી, ચીનો, કોડો, સનવા, કુટકી મિલેટ્સનો પ્રચાર-પ્રસાર, પ્રદર્શન- નિદર્શનથી મિલેટ્સ તથા દેશી વાનગીઓ તરફ સુરતીઓનો જોક વધ્યો છે એમ અન્ય એક મુલાકાતી દર્શનભાઈ પટેલે જણાવ્યું હતું.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"