ઉના અને ગિરગઢડા જળબંબાકારઃ ૬ કલાકમાં ૧૦ ઇંચ વરસાદ, ૩૦ ગામો સંપર્ક વિહોણા

0
92

ખાંભા અને જાફરાબાદમાં ૪ ઇંચ વરસાદ, સ્કૂલો-કોલેજમાં રજા જાહેર
ઉના,તા.૧૬
સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અને ગિર સોમનાથ જિલ્લાને મેઘરાજાએ બાનમાં લીધા હોય તેમ છેલ્લા છ દિવસથી રોજ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જૂનાગઢમાં સીઝનનો ૫૦ ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે. ત્યારે સોમવારે સવારથી જ ઉના તાલુકામાં અનરાધાર વરસાદ પડી રહ્યો છે. ઉનાના ગુદાળા ગામમાં ૬ કલાકમાં ૧૦ ઇંચ વરસાદ પડતા બેટમાં ફેરવાયું છે. તેમજ ઉનામાં શહેરમાં પણ સવારના ૫થી ૧૨ વાગ્યા સુધીમાં ૧૪ ઇંચ વરસાદ પડ્યો છે. ઉનાના ૩૦ ગામો સંપર્ક વિહોણા બન્યા છે. ગિરગઢડામાં આભ ફાટ્યું હોય તેમ ૧૫ ઇંચ વરસાદ વરસ્યો હતો.
ભારે વરસાદ અને ઉપવાસમાંથી આવતા પાણીના મોટા પ્રવાહને કારણે ગિરસોમનાથ જિલ્લાના મુખ્ય હિરણ-૨ ડેમના બે દરવાજા અડધા ફૂટ સુધી ખોલવામાં આવતા નીચાણવાળા ગામડાઓને સાવચેત કરાયા છે. ઉના તાલુકો બેટમાં ફેરવાયાના સમાચાર મળી રહ્યા છે. ગિરગઢડા તાલુકાનું હરમાડીયા ગામમાં પાણી ફરી વળ્યાં છે. તંત્રની લાપરવાહીથી ઝાંખિયા ડેમનું પાણી જામવાળા રોડ પર આવી ગયું છે. ગિરગઢડા તાલુકાના હરમડિયા, નવાગામ, જામવાળા, ફાટસર, ઇટવાય, કોદીયા, સનવાવ, ધ્રાબાવડ, કાણકીયા, કારેણી, આંબાવાડ, ફૂલકા, ખિલાવડ બાબરીયા, વેલાકોટ ઝાંઝરીયા, નવા ઉગલા ગામોમાં પાણી ફરી વળ્યાં છે. ઉનાના વાવરડા ગામમાં ૩૦૦ લોકો પાણીમાં ફસાયા છે. દેલવાડા ગામના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા ખાલી કરવામાં આવી રહ્યા છે. ઉનામાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ છે. શહેરી વિસ્તારમાં પણ પાણી ભરાયા છે. રામનગરના ખારા વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ભરાયા છે. દેલવાડા ગામના તરણેશ્વર મહાદેવને મછુન્દ્રી નદીએ જળાભિષેક કર્યો છે.
ઉનાના ઉમેજ ગામે આજરોજ વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. બપોરના ૧૨ વાગ્યા સુધીમાં ૧૫ ઇંચ વરસાદ નોંધાયો છે. ગામના નીચાણવાળા વિસ્તારમાંથી ૨૦થી વધુનું લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. તાલાલાથી દેલવાડા આવતી ટ્રેન બંધ પડી જતા એનડીઆરએફની ટીમ અને ગામલોકોએ રેસ્ક્યુ કરી મુસાફરોને બચાવ્યા હતા. તેમજ અનેક જગ્યાએ રેલવે ટ્રેકનું ધોવાણ થતા રેલવે સેવા ખોરવાઇ છે. વેરાવળ-કોડિનાર નેશનલ હાઇવે પર સોમત નદીનું પાણી ફરી વળતા રસ્તો બ્લોક થયો છે. એક ટ્રક પાણીમાં ફસાયો છે.
ગિરગઢડાનું કાનકીયા ગામ બેટમાં ફેરવાયું છે અને ગામમાં એક મકાન ધરાશાયી થયું છે. પરંતુ જાનહાનિના કોઇ સમાચાર નથી. ગામમાંથી અનેક પશુઓ તણાયાના સમાચાર મળી રહ્યા છે. જામવાળા ગિરનો શીંગોડા ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવાયા છે. ગિરગઢડાનું હરમડીયા ગામ પાણીમાં ડૂબ્યું છે, ગામમાં ૧૨ ફૂટ સુધી પાણી ભરાયા છે. હરમડીયા ગામમાં પણ બે મકાન ધરાશાયી થયાનું જાણવા મળી રહ્યુ છે. તેમજ સિલોજ ગામ પણ બેટમાં ફેરવાતા લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે.
ખાંભા અને જાફરાબાદમાં પણ સવારથી અનરાધાર વરસાદ પડતા ૪ ઇંચ વરસાદ નોંધાયો હતો. તેમજ સાવરકુંડલાના પીપરડીમાં ધોધમાર વરસાદથી ગામ બેટમાં ફેરવાયું છે. આ સિવાય મેકડા ગામે અનરાધાર વરસાદ પડતા સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. મેકડા ગામમાં પૂરના પાણી પાળો તોડી ગામમાં ઘૂસે તે પહેલા ગ્રામજનોએ જાતે જ પાળો રિપેર કર્યો હતો.
રાજકોટ પંથકમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ભારે વરસાદ વરસી રહ્યો છે. શહેરમાં સવારથી અલગ અલગ વિસ્તારોમાં ક્યાંક અમીછાંટણા તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. પરંતુ છેલ્લા ચાર દિવસથી ગોંડલ, શાપર વેરાવળ વિસ્તારમાં મેઘરાજા સતત વરસી રહ્યા છે. જા કે, પણ એક કલાકમાં અઢી ઇંચ વરસાદ પડી ગયો હતો. ગોંડલમાં સતત ચાર દિવસથી વરસાદ આવતા ખેતરોમાં પાણી ભરાઇ ગયા છે, જેને લઇ ખેડૂતો ચિંતામાં આવી ગયા છે. કોટડાસાંગાણીના રામોદ ગામમાં અઢી ઇંચ વરસાદ નોંધાયો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY