ગાંધીનગર,તા.૨૪
લોકસભાનાં ચૂંટણી પરિણામોમાં ભાજપે કેન્દ્રમાં મેળવેલી જંગી જીતને પગલે હવે નવી સરકાર બનાવવા જઈ રહેલી ભાજપ સરકારમાં ગુજરાતમાંથી કયા નવા ચહેરાનો કેન્દ્રીય પ્રધાનમંડળમાં સમાવેશ થશે અને ક્યાં પ્રધાનો રિપીટ થશે. તે અંગે હવે અટકળો તેજ બની છે.
અત્યારે ગુજરાતના રાજકારણમાં ચર્ચાનો એક માત્ર વિષય છે કે કેન્દ્રીય પ્રધાનમંડળમાં કોનો સમાવેશ થશે.જાકે હાલમાં એક વાત નિશ્ચિત છે કે દેશના કેન્દ્રીય પ્રધાનમંડળમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગાંધીનગર બેઠકમાં જંગી બહુમતીથી ચૂંટાઈ આવેલા સાંસદ અમિત શાહને કેબિનેટ કક્ષાના પ્રધાન બનાવવામાં આવશે અને તેમને ગૃહ ખાતું અપાય તેવું મનાઇ રહ્યું છે.
પ્રદેશ ભાજપમાં અનેક અટકળો કે ચર્ચાઓ ચાલતી હોય પરંતુ નરેન્દ્ર મોદી કોના ઉપર પસંદગીનો કળશ ઢોળશે કે પ્રધાનમંડળમાં કોનો સમાવેશ કરશે એ તો ત્યારે જ ખબર પડશે કે જયારે પ્રધાન મંડળની શપથવિધિનો કાર્યક્રમ યોજાશે. એક અનુમાન મુજબ નવી સરકારમાં મનસુખ માંડવિયા અને પરષોતમ રૂપાલા રિપીટ થઇ શકે છે.
બીજી બાજુ સૌરારાષ્ટ્રમાંથી મોહનભાઈ કુંડારિયા અને નારણભાઈ કાછડિયાને પણ તક મળી શકે છે. કોળી સમાજમાંથી પ્રતિનિધિત્વ આપવાનું થાય તો ભાવનગરથી બીજી વખત ચૂંટાયેલા સાંસદ ભારતીબહેન શિયાળ અથવા જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાને પણ તક મળી શકે છે. મધ્ય ગુજરાતમાંથી એક આદિવાસી સાંસદને મંત્રી મંડળમાં સ્થાન અપાશે. જેમાં મનસુખ વસવાનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે.
ગત પ્રધાનમંડળમાં રાજ્યસભાના સાંસદ મનસુખભાઇ માંડવિયા, પુરષોતમ રૂપાલા, હરિભાઈ ચૌધરી અને જશવંતસિંહ ભાભોર રાજ્યકક્ષાના પ્રધાન હતા. જેમાં હવે હરિભાઈ ચૌધરીની બાદબાકી થઈ છે. આ ઉપરાંત જામનગરના સાંસદ પૂનમ માડમ બનાસકાંઠા બેઠક પર થરાદનું પ્રતિનિધિત્વ કરતા પરબતભાઇ પટેલ કે જેઓ રાજ્યના પ્રધાનમંડળમાં એકથી વધુ વખત રહી ચુક્યા છે. તેમને રાજ્યકક્ષાનું પ્રધાનપદ મળવાની શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાંથી રાજ્યસભાનું પ્રતિનિધિત્વ કરતા સ્મૃતિ ઇરાની અમેઠીથી ચૂંટાતાં તેઓ કેબિનેટમાં હવે ઉત્તરપ્રદેશનું પ્રતિનિધિત્વ કરશે. બીજી બાજુ ગુજરાતમાંથી જ રાજ્યસભામાં ગયેલા નાણાપ્રધાન અરુણ જેટલી નાદુરસ્ત તબિયતના કારણે કેબિનેટમાં સામેલ ન થાય તેવી પણ શક્યતા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




