ડાંગ જિલ્લા આરોગ્ય કર્મચારીઓનું માસ સીએલ પર ઉતરી વિરોધ પ્રદર્શન

0
10

રામધુન બોલાવી રક્તદાન શિબિર પણ યોજી
આહવા, તા.૮

રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લાના પાયાના આરોગ્ય કર્મચારીઓ તેમની વિવિધ પડતર માંગણીઓના સંદર્ભે માસ સી.એલ. ઉપર ઉતરી ગયા હતા.
ડાંગ જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ શ્રી ભરતભાઇ કુંવર તરફથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંધ, ગાંધીનગર તરફથી જિલ્લા પંચાયત હસ્તક ફરજ બજાવતા વિવિધ સંવર્ગના પંચાયત સેવા હેઠળના આરોગ્ય કર્મચારીઓએ તા.૬/ર/ર૦૧૮નાં રોજ એક દિવસની માસ સી.એલ. મુકી તેમની વિવિધ પડતર માંગણીઓ સંદર્ભે અવાજ બુલંદ કર્યો હતો. આ સાથે ડાંગ જિલ્લા પંચાયતની સામે માસ સી.એલ. ઉપર બેઠેલા કર્મચારીઓએ રામધૂન બોલાવવાની સાથે, સ્વચ્છતા અભિયાન અને રક્તદાન શિબિરનું આયોજન કરીને હકારાત્મક અભિગમ દાખવ્યો હતો. શ્રી કુંવરના જણાવ્યા અનુસાર રક્તદાન કેમ્પના આયોજનથી એકત્ર થનારા રક્તનો ઉપયોગ ડાંગની સગર્ભા માતાઓ, અને ગરીબ દર્દીઓ માટે કરવામાં આવનાર છે.
ડાંગ જિલ્લાના ગાઢવી, સાપુતારા, ગલકુંડ, પીંપરી, સાકરપાતળ, કાલીબેલ, ઝાવડા, પીપલદહાડ, ગારખડી, શિંગાણાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ઉપરાંત આહવા અને વધઇ તાલુકા આરોગ્ય કચેરીઓ, અને જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાના કર્મચારીઓ પૈકી કુલ ૫૯ કર્મચારીઓએ માસ સી.એલ. મુકી છે, જ્યારે ૯૨ કર્મચારીઓ કેજ્યુઅલ લીવ મુકીને આ કાર્યક્રમમાં જોડાયા છે. આમ ડાંગ જિલ્લામાં ફાર્માસીસ્ટ, લેબ ટેકનિશિયન, એમ.પી.એચ.ડબ્લ્યુ., એફ.એચ.ડબ્લ્યુ જેવી જુદી જુદી સંવર્ગના કુલ-૧૫૧ કર્મચારીઓ આ કાર્યક્રમમાં જોડાયા છે. ઉલ્લેખનિય છે કે, રાજ્ય સરકાર સામે આરોગ્ય વિભાગના આ કર્મચારીઓની જુદી જુદી પડતર માંગણીઓ જેવી કે (૧) પંચાયત સેવાના આરોગ્ય કર્મચારીઓને ટેકનિકલ કર્મચારી ગણવા, (ર) રાજ્ય સેવાની જેમ ત્રિસ્તરીય માળખાનો પંચાયત સેવામાં અમલ કરવા, (૩) આરોગ્ય કર્મચારીઓને ૦ કિલોમીટરે પી.ટી.એ. આપવા, (૪) તાલુકા અને જિલ્લા કક્ષાએ સુપરવાઇઝરની જગ્યાઓ અપગ્રેડ કરવા, (પ) જિલ્લા મેલેરીયા અધિકારી (વર્ગ-ર)માં મેલેરીયા તથા સુપરવાઈઝર અને લેબ ટેકનિશિયન (પેથોલોજી)ને જિલ્લા મેલેરીયા અધિકારી (વર્ગ-ર) તરીકે બઢતી આપવા, (૬) નવા મંજુર થયેલા જિલ્લાઓમાં જિલ્લા કક્ષાનું મહેકમ મંજુર કરી જગ્યાઓ ભરવા, (૭) જિલ્લા કક્ષાની સુપરવાઇઝરની ખાલી જગ્યાઓ બઢતી આપી ભરવા, (૮) પંચાયત સેવાના કમ્પાઉન્ડરોનું નામાભિધાન બદલી ફાર્માસીસ્ટ કરવા, (૯) ગ્રામ્ય કક્ષાએ ફિમેલ હેલ્થ વર્કરના પેટા કેન્દ્રો ઉપર મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની જગ્યા મંજુર કરવા તથા (૧૦) તાલુકા આરોગ્ય કચેરીઓ ખાતે ફાર્માસીસ્ટની નવી જગ્યાઓ ઊભી કરવા જેવી બાબતો રાજ્યકક્ષાએ પડતર રહેવા પામી છે.
દરમિયાન ડાંગના જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.કે.વઢવાણિયાએ, ગ્રામીણ આરોગ્ય કર્મચારીઓના માસ સી.એલ.ના કારણે જરૂરિયાતમંદ દર્દીઓને કોઇ અગવડ કે મુશ્કેલી ન પડે તે માટે ગ્રામ્ય સ્તરે ફરજ બજાવતા આર.બી.એસ.કે. ના કર્મચારીઓ સહિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામુહિક આરોગ્ય કેન્દ્રોના માસ સી.એલ. ના કાર્યક્રમમાં જોડાયેલા કર્મચારીઓ સિવાયના કર્મચારીઓની સેવાઓ સતત કાર્યરત છે તેમ એક મુલાકાતમાં જણાવ્યું હતું. ગ્રામીણ દર્દીઓની આરોગ્ય સુશ્રૃષા જેવી સેવાઓ ખોરંભે ન પડે તે માટે તકેદારીના તમામ પગલાઓ લેવા સાથે, જે કર્મચારીઓ માસ સી.એલ. માં જોડાયા છે, તેમની રજા મંજુર નહીં કરવાની પણ સંબંધિતોને સૂચના આપવામાં આવી છે, તેમ જણાવી શ્રી વઢવાણિયાએ આગામી દિવસોમાં આવા કર્મચારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે તેમ એક મુલાકાતમાં વધુમાં જણાવ્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY