લાભ પાંચમને જ્ઞાન પંચમી, નવલખી પંચમી, ઉપરાંત પાંડવ પંચમી પણ કહેવામાં આવે છે.

0
6

સૌને નવા વર્ષના જય સીયારામ અને ભાઈબીજનાં પ્રણામ. પૂજ્ય બાપુનાં દર્શનથી નવા વર્ષની શરૂઆત કરી, ગુરુચરણનો મહિમા પણ અનન્ય અને અનેરો છે, એ વાસ્તવિકતા પણ એની જગ્યાએ મહામુલી છે, અને એટલે જ જ્યારે મોકો મળે ત્યારે એ ચરણના આચરણનો મહિમા ગાવા પહોંચી જાઉં છું. મારી જેમ સૌ આ દિવસોમાં સંબંધોનો મેળાવડો માણ્યો હશે! અને ફરી એકવાર નક્કી કર્યું હશે કે હળીમળીને રહેવાથી ખુશી મળે પ્રસન્નતા વધે! અને એમાં પણ આપવાનો તો આનંદ જ અનેરો છે! છાપાંની સાથે સાથે ચિંતન એ પણ નવાં વર્ષ પછી રજા ભોગવી દિવાળીનો તહેવાર મનાવી જીવ પાછો યથાવત સ્થાને એટલે કે ચિંતનની ક્ષણેમાં આવીને ગોઠવાઈ ગયો છે, જ્યાં ખુદનાં અસ્તિત્વનું વજૂદ હોય, અને સ્વતંત્રતા પણ ખરી. મારી માટે ચિંતનની ક્ષણે એ અલખનો ઓટલો છે, અને આ સ્થળ અને તેની સાથે જોડાયેલા મારા સ્વજનો પ્રત્યે હું અપાર મમતા તેમજ ઉજ્જવળ ભવિષ્યની શ્રદ્ધા ધરાવું છું, થાકને કારણે હમણાં બહુ વહેલું ઉઠાતું નથી, અને આ વખતે તો ઘણી માન્યતાઓ તૂટી! ઘરમાં આંખો દિવસ અવાજ રહે છે, એને સૂર તાલ સાથે જોડવું એ જ તો જીવન છે, એમ મન મક્કમ કરીને ચિંતનમાં જીવ પરોવવા કોશિશ કરું છું. કર્કશતામાં પણ મધુર અને કોમળતા લાવવાનો આ નવા વર્ષથી, આપણે શુભ સંકલ્પ કરવાનો છે. સદા લાભને જોનારી આ દ્રષ્ટિમાં હવે શુભનું મહત્વ સમજી સમતાના અંજન કરવાના છે. ભારતીય પંચાંગ મુજબ આજે લાભ પાંચમનો દિવસ છે, તો આજે આપણે તેનાં વિશે વાત કરીશું.

      આસો વદ અગિયારસથી શરૂ કરી રમા એકાદશી, વાઘબારસ, ધનતેરસ, કાળીચૌદશ, દિવાળી, બેસતું વર્ષ, અને ભાઈબીજ, આમ તહેવારોની હારમાળામાં, આ લાભ પાંચમનો દિવસ એટલે કે દિવાળીનું વેકેશન પુરુ કરીને સૌ પોતાના ધંધા વ્યવસાય પર પાછા ફરે એ દિવસ છે. ગુજરાતમાં આ દિવસને ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવે છે, એટલે કે કોઈને નવો વ્યવસાય શરૂ કરવો હોય તો, લાભ પાંચમ મુહૂર્ત વણ પૂછ્યું ગણવામાં આવે છે. લાભ પાચમને જ્ઞાનપંચમી પણ કહેવામાં આવે છે, આ દિવસે ગણેશની અનોખી પૂજા કરીને ધન સાથે જ્ઞાન પણ પ્રાપ્ત કરવામાં આવે છે. જે લોકોને દિવાળીને દિવસે ચોપડા પૂજન કરવાનું કોઈ કારણસર રહી ગયું હોય, તો તે આજે લાભ પાંચમનાં દિવસે પણ તે કરી શકે છે. લાભ પાચમ તેના નામ મુજબ વ્યક્તિગત છે, એટલે કે જે આ દિવસે આ પ્રકારનું પૂજન કરે, તેને લાભ થાય એવો સીધો અર્થ આનો નીકળે છે, અને દરેક ધંધાદારી પોતાના ધંધામાં લાભ ઈચ્છતો હોવાથી આ પૂજન કરીને પોતાના ધંધાની શરૂઆત કરે છે, અથવા નવો ધંધો શરૂ કરે છે. પછી આ દિવસથી રાબેતા મુજબ પહેલાની જેમ જ કાર્ય શરૂ થાય છે, એટલે કે તહેવારોની રજા સમાપ્ત થાય છે.

  લાભ પાંચમને જ્ઞાન પંચમી ઉપરાંત પાંડવ પંચમી પણ કહેવામાં આવે છે અને એની સાથે મહાભારત સમયની એક દંતકથા પણ જોડાયેલી છે. કૌરવો સાથે કુરુક્ષેત્રમાં થયેલ યુદ્ધમાં પાંડવોનો વિજય થયો અને ત્યાર બાદ આ સ્વજનો સાથેનાં યુદ્ધનું કલંક ભૂંસવા માટે ધર્મરાજ યુધિષ્ઠિરે કેટલીય પ્રકારના યજ્ઞો કર્યા અશ્વમેઘ યજ્ઞ પણ કર્યો અને આ ઉપરાંત વારંવાર ગામના લોકોને જમાડ્યા ગાય કૂતરાને રોટી અને પક્ષીને ચણ નાખ્યું ચબૂતરા બંધાવ્યાં, અને આ બધું કરીને એને એમ થયું કે હું સૌથી શ્રેષ્ઠ દાનવીર છું, અને આ વાત ભગવાન શ્રી કૃષ્ણ તોડવા માંગતાં હતાં. એકવાર આવાં જ એક બહુ મોટાં જમણવાર બાદ એક નોળિયો એમાં આળોટતો હતો, અને પછી પોતાના શરીર ને જોઈને દુઃખી થઈ જતો હતો. એનું અડધું શરીર સોનેરી હતું. યુધિષ્ઠિર ને આ દ્રશ્ય જોઈ બહુ આશ્ચર્ય થયું, અને એણે નોળિયાને બોલાવ્યો અને આમ કરવાનું રહસ્ય પૂછ્યું ભગવાન શ્રીકૃષ્ણની કૃપાથી એને વાચા મળી અને એણે એક કથા કહી જેમાં એક દરિદ્ર બ્રાહ્મણ હતો, અને જેનો પરિવાર ચાર દિવસથી ભૂખ્યો હતો, અને ભીક્ષામા થોડો લોટ મળતા આજે હવે ભોજન મળશે એવી આશા બંધાઈ. એ લોટમાંથી ફક્ત ચાર રોટલી બની પરિવારમા પણ ચાર જણા હતા, પોતે પત્ની પુત્ર અને પુત્રવધુ. ભોજન તૈયાર થયું અને જમવાની તૈયારી કરી ત્યાં જ આંગણે એક અતિશય કમજોર ભીક્ષુક ભોજન માંગવા આવ્યો અને એની કૃશ કાયા જોઈ આવેલ અતિથીને બ્રાહ્મણે પોતાનો અતિથી દેવો ભવનો ગૃહસ્થ ધર્મ નિભાવવા પોતાના ભાગની રોટલી આપી અને આમ એક પછી એક એમ ચારેચાર રોટલી એ ભીક્ષુક ખાઈ ગયો. નોળિયા એ કહ્યું આ વખતે હું ત્યાં હાજર હતો અને રોટલી બની એ જગ્યાએ જે લોટ ઢોળાયો હતો ત્યાં હું આળોટ્યો અને મારું અડધું શરીર સોનેરી થયું! બસ ત્યારથી હું મારા આખા શરીરને સોનેરી કરવા હું જ્યાં પણ જમણવાર કે થતો હોય ત્યાં પહોંચી જાઉં છું પણ હજી સુધી આખું શરીર સોનેરી થયું નથી! યુધિષ્ઠિર ભગવાન શ્રીકૃષ્ણનાં ગર્ભિત ઈશારાને સમજી ગયાં અને એને થયું કે મેં દાન ધર્મ ચોક્કસ કર્યો પણ મારો ભાગ રાખીને જ્યારે આ બ્રાહ્મણ એ તો પોતાનું સર્વસ્વ આપી દીધું. આમ એ દિવસે પાંચે પાંડવો એ આવું અમુલ્ય જ્ઞાન પ્રાપ્ત કર્યું, એટલે એને પાંડવ પંચમી પણ કહેવાય છે.

      જીવન નિર્વાહ માટે ધન એ બહુજ જરૂરી છે, અને તે કમાવવું પડે તે વાતમાં પણ કોઈ શંકા નથી. પરંતુ ધંધામાં નીતિ રાખવી, એ પણ એટલું જ મહત્વનું છે. ઉપરાંત આજકાલ તો મનુષ્ય દરેક વાતમાં લાભ જોવે છે, તે ખોટી વાત છે.તપી ગયેલી તાવડી પર દરેકને પોતાના જ રોટલા શેકવા હોય છે, એટલે કે વાત ગમે તે હોય પરંતુ પોતાનો સિક્કો ખરો કરી લેવો, એ આજની જાણે કે પરંપરા બની ગઈ હોય, તેમ બધાના જીવન થઈ ગયા છે. વાતવાતમાં કરવામાં આવતી કોઈની ખુશામત, કે પછી લાગવગ લગાડવી, બેઈમાની કરવી, અનીતિનું આચરણ કરવું, ભ્રષ્ટાચારને બઢાવો દેવો, આ બધું જ સૌ પોતાના અંગત લાભ માટે જ તો કરતા હોય છે.શુભ ને પહેલા રાખી પછી લાભ જોવામાં આવે તો એ એટલું ખરાબ પરિણામ આપતું નથી. શુભ એ સર્વત્ર માટે અંકિત થયેલો શબ્દ છે, જ્યારે લાભ વ્યક્તિગત છે. તો સૃષ્ટિનું શુભ જોવું એ આજના સમયની માંગ છે, પ્રકૃતિ આપણને આ સૂત્ર પર સૌને એક સરખો સ્નેહ આપે છે, એ ક્યારેય ભેદભાવ નથી કરતી, તેમ આપણે પણ દરેક વસ્તુમાં લાભ ને જોવાની વૃત્તિ છોડી દઈએ, તો સમાજ સુધરી શકે. પરંતુ આ કોઈ એકલદોકલ ના કરવાથી પરિણામ આપશે નથી, માટે આપણે આ લાભ પંચમી એ પોતાના વ્યક્તિગત લાભ ને ભૂલીને સૃષ્ટિમાં સર્વત્ર શુભની ઘોષણા કરી, અને જીવન જીવવાનો સંકલ્પ કરીએ, અને સર્વત્રના શુભનું વિચારીને જીવન જીવવું પડશે, તો જ આવતી કાલનો ઝળહળતો સૂર્ય આપણે જોઈ શકીશું એ વાત પાક્કી છે. અત્યાર સુધીનું જીવન દિશાહીન હતું, પરંતુ નિશ્ચિત ધ્યેયને પ્રાપ્ત કરવા માટે બધું જ ભૂલીને નવેસરથી શરૂઆત કરીએ, અને સૌ કોઈ પોતાનાં અંગત લાભને ભૂલીને શુભ તરફ દૃષ્ટિ કરીએ. જય શ્રી રામ.

     લી. ફાલ્ગુની વસાવડા. (ભાવનગર)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY