૨૦૧૪ની વાત છે, તે દિવસે હું અમદાવાદના ખોખરા પોલીસ સ્ટેશનમાંથી મારી નોકરી પુરી કરી ઘર તરફ જઈ રહી હતી. મેં જોયુ તો બસ સ્ટેન્ડ ઉપર લોકોનું ટોળુ ઊભુ હતું, એક તરફ કુતુહલ પણ હતું, સાથે પોલીસ તરીકે પણ મારે ત્યાં શું થઈ રહ્યું છે તે જોવાની જવાબદારી હતી. હું લોકોનું ટોળુ પાર કરી ત્યાં પહોંચી તો મેં જોયુ તો બસ સ્ટેન્ડ ઉપર એક પ્લાસ્ટીકની થેલી પડી હતી, લોકોની નજર થેલી તરફ હતી, કારણ થેલીમાં કઈક હલનચલન થઈ રહી હતી. મેં સાવચેતી સાથે થેલી ખોલી જોયું અને થેલીના અંદર નજર કરતા હું પોલીસ હોવા છતાં મારી શરિરમાંથી લખલખુ પસાર થઈ ગયું, થેલીમાં એક નવજાત બાળકી હતી. આ શબ્દો હાલમાં ઈસનપુર પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સટેબલ તરીકે ફરજ બજાવતા શકુંતલા પરિહારના છે.
હેડ કોન્સટેબલ શકુંતલા પોતાની વાત આગળ વધારતા કહે છે. મેં તરત વિચાર કર્યો કે આ નવજાત બાળકી કોની છે અને કયાંથી આવી તેનો તપાસ કરવાનો સમય નથી પહેલા આ બાળકી હોસ્પિટલ પહોંચે તે જરૂરી છે. મેં ૧૦૮ એબ્યૂલન્સને ફોન કર્યો અને મિનિટોમાં એબ્મયૂલન્સ આવી ગઈ, બાળકીને મેં મારા પોલીસ યુનિફોર્મના દુપ્પટા પકડી રાખી હતી. મને ખબર નથી બાળકી એમ્બ્યૂલન્સ સ્ટાફને સોંપવાને બદલે હું પોતે જ કેમ બાળકીને લઈ એમ્બ્યૂલન્સમાં બેસી ગઈ અમે અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા. ડાકટરે સારવાર શરૂ કરી, બાળકીની તબીયત નાજુક હતી કારણ એકદમ તાજી જન્મેલી હતી. મને લાગ્યુ કે આ મારી જ બાળકી છે. ડાકટર મને બહારથી દવાઓ લખી આપતા અને હું દોડીને દવાઓ લઈ આવતી હતી, પોલીસ તરીકે મારી ફરજ પુરી થઈ ગઈ હતી, પણ જાણે મારૂ એક માતા તરીકેનું મન મને ત્યાંથી ખસવા દેતુ ન્હોતું, હું પંદર દિવસ સિવિલ હોસ્પિટલમાં તેની સાથે રહી મારે તેની સાથે કોઈ સંબંધ ન્હોતો છતાં મને લાગતુ હતે તે મારી જ છે.
મારી ધરે પણ મારી એક દીકરી હતી, છતાં મને આ બાળકી સાથે લગાવ થઈ ગયો હતો. પંદર દિવસ પછી બાળકીની તબીયત સારી થતાં હોસ્પિટલે બાળકીને નારી સ્વરક્ષણ ગૃહમાં મોકલવાનો નિર્ણય કર્યો કારણ કે અમે પંદર દિવસ સુધી બાળકીને માતા કોણ છે તેને શોધી શકયા ન્હોતા. હું બાળકને નિયમ પ્રમાણે સ્વરક્ષણ ગૃહમાં મુકવા ગઈ, જ્યારે હું નારી સ્વરક્ષણ ગૃહમાં બાળકીને સોંપી રહી હતી ત્યારે બાળકીએ તેની નાનકડી આંગળીઓથી મારો ડ્રેસ પકડી રાખ્યો હતો. જાણે તે મને કહી રહી હતી કે હું તેને છોડીને ના જાઉ, મારી આંખોમાં આંસુઓ વહેવા લાગ્યા. હું મારી જ દીકરીને છોડી જઈ રહી હોઉ તેવું મને લાગી રહ્યું હતું, તે દિવસે ઘરે ગઈ પણ રાતભર બાળકીનો ચહેરો મારી સામે આવી રહ્યો હતો, હું સુઈ શકી નહીં, બીજા દિવસે હું ફરી નારી સ્વરક્ષણ ગૃહ પહોંચી મેં કહ્યું હું બાળકીને દત્તક લેવા માગુ છું, તેમણે મને સવાલ કર્યો કે તમારે તો એક દીકરી છે, તમારે કેમ આ દીકરી જોઈએ છે.
મેં કહ્યું આ પણ મારી જ દીકરી છે, હું તેના વગર રહી શકુ નહીં, તેમણે મારી પાસે દત્તક આપવા માટેના ફોર્મ ભરાવ્યા, સરકારી નિયમ પ્રમાણે સરકારી અધિકારીઓએ મને દત્તક આપતા પહેલા બોલાવી, તેમને પણ આશ્ચર્ય હતું કે એક દીકરીની માતા હોવા છતાં હું કેમ તેને દત્તક લઈ રહી છું, તેમને ડર એવો પણ હતો કે જો મને ફરી બીજુ કોઈ સંતાન થાય તો હું આ દીકરીને સંભાળ રાખીશ નહીં, મેં ખાતરી આપી કે હવે હું બાળકને જન્મ આપીશ નહીં, છતાં સરકારી અધિકારીઓને મારી વાતનો સંતોષ થયો નહીં, તેમણે મને મારી આર્થિક સ્થિતિ પુછી મેં કહ્યું પોલીસને નોકરી સિવાય મારી પાસે કઈ નથી બસ એક ઘર છે. સરકારી અધિકારીએ કહ્યું તમે આ બાળકીના નામે તમારૂ ઘર કરી શકો, મેં હા પાડી અને મેં દીકરીના નામે ઘર કરી દીધુ, આખરે સરકારી નિયમોને આધીન મને દીકરી મળી.
આજે દીકરી છ વર્ષની છે તેને અમે અનામીકા નામ આપ્યુ છે. મારી મોટી દિકરી અને અનામીકા ખાસ સહેલી થઈ ગયા છે. પોલીસની નોકરી દરમિયાન અનેક ગુંડાઓને પકડવાનું કામ કર્યુ છે. સરકારે મારી બહાદુરી ભર્યા કામના ઈનામ પણ આપ્યા છે પણ મને લાગે છે તેમાં સૌથી મોટુ મારા જીવનમાં કઈ હોય તો અનામીકાનું આગમન છે. અનામીકા મારા અને મારા પરિવારનો અતુલ્ય હિસ્સો છે.
હેડ કોન્સટેબલ શકુંતલા પરિહારની વાત સાંભળી મને લાગ્યુ કે બહાદુરો માત્ર સરહદ ઉપર હોય છે તેવું નથી આપણી આસપાસ પણ શકુંતલા જેવા બહાદુરો હોય છે. આ બહાદુરોની ઠંડી તાકાત જ સમાજને જીવતો રાખે છે. બધુ જ ખાડે ગયું છે તેવું લાગે ત્યારે શકુંતલા અને અનામીકાની કહાની આપણને જીવવાનું બળ આપ છે. અમે શકુંતલાને સલામ કરી છીએ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




