પલામુ,તા.૨૭
ભાજપ અધ્યક્ષ અમિત શાહે શનિવારે જણાવ્યું કે કેન્દ્રમાં જો ભાજપ સરકાર ફરી સત્તામાં આવશે તો જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવામાં આવશે. ઝારખંડના પલામુ જિલ્લામાં જાહેરસભાને સંબોધતા શાહે જણાવ્યું કે, ‘જો તમે નરેન્દ્ર મોદીને ફરી વડાપ્રધાન બનાવશો તો અમે કલમ ૩૭૦ નાબૂદ કરીશું.’ શાહે કોંગ્રેસ પર શાબ્દિક પ્રહારો કરતા જણાવ્યું કે કોંગ્રેસના નેતૃત્વ હેઠળની યુપીએ સરકારના શાસનમાં પાકિસ્તાન સતત ભારતને નિશાન બનાવતું હતું. આતંકીઓ દ્વારા લશ્કરના જવાનોના માથા વાઢવામાં આવતા હતા. આપણે દેશની સુરક્ષા સાથે સમાધાન કરી શકીએ નહીં. પાકિસ્તાન કાશ્મીરને ભારતથી અલગ પાડવા ઈચ્છે છે.
જાહેસભાને સંબોધતા શાહે વધુમાં જણાવ્યું કે, પાકિસ્તાનથી હવે ગોળી આવશે તો અહીંથી ગોળો ફેંકાશે. કાશ્મીર માટે અલગ વડાપ્રધાનની માંગ બદલ નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લા પર પ્રહાર કરતા ભાજપ અધ્યક્ષે જણાવ્યું કે, કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ છે. તેમણે જનમેદનીને પ્રશ્ન પૂછતા જણાવ્યું કે શું તમે દેશમાં બે વડાપ્રધાન ઈચ્છો છો? ભાજપે મોદીને વડાપ્રધાન પદ સોંપ્યું ત્યારથી દેશમાં લોખંડી સુરક્ષા જાવા મળે છે. ૨૬ ફેબ્રુઆરીએ દેશ બાલાકોટ હુમલાના બદલાની ખુશી મનાવતો હતો અને મીઠાઈ વહેંચાતી હતી ત્યારે કોંગ્રેસ અને પાકિસ્તાન આઘાતમાં ડૂબી ગયા હતા, તેમ શાહે રેલીમાં જણાવ્યું હતું.
આ ઉપરાંત શાહે કોંગ્રેસના નેતા સામ પિત્રોડાની બાલાકોટ મુદ્દે તેમણે કરેલા નિવેદન બદલ ટિકા કરી હતી. પિત્રોડાએ અગાઉ જણાવ્યું હતું કે જૂજ લોકોની સજા સમગ્ર દેશને ના આપવી જોઈએ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



