પુણે,તા.૧૪
મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો ચહેરો ગણાતા અને એનસીપીના દિગ્ગજ નેતા ઉદયનરાજે ભોસલે ભાજપમાં સામેલ થઈ ગયા છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહની હાજરીમાં ઉદયનરાજે ભાજપમાં જોડાયા. આ અવસરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર હતાં. સતારામાં એનસીપીથી ૩વાર સાંસદ રહી ચૂકેલા ઉદયનરાજે ભોસલે છત્રપતિ શિવાજી મહારાજના વંશજ છે. તેમણે ૨૦૦૯, ૨૦૧૪ અને ૨૦૧૯ લોકસભા ચૂંટણી સતારાથી જીતી હતી. રાજેના ભાજપમાં સામેલ થવાની મરાઠા વોટ બેંકને પોતાની તરફ ખેંચવાની પાર્ટીની કોશિશો સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે.
અત્રે જણાવવાનું કે મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને એનસીપીના નેતાઓનું પાર્ટી છોડીને ભાજપ અને શિવસેનામાં જવાનો સિલસિલો સતત ચાલુ છે. બુધવારે પશ્ચિમ મહારાષ્ટ્રના નેતા હર્ષવર્ધન પાટીલ અને શરદ પવારના ખુબ નીકટ ગણાતા પૂર્વ મંત્રી ગણેશ નાઈકે પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા હતાં.
કોંગ્રેસના નેતા પૂર્વ મંત્રી કૃપાશંકર સિંહ અને ઉર્મિલા માર્તોંડકર પણ કોંગ્રેસને અલવિદા કહી ચૂક્યા છે. પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માથે છે અને કોંગ્રેસ અને એનસીપી જેવા પક્ષોમાંથી પાર્ટી છોડવાની લાઈન લાગી છે. સત્તાધારી પક્ષનો દાવો છે કે વિપક્ષના પચાસથી વધુ ધારાસભ્યો ચૂંટણી પહેલા સત્તાધારી પક્ષોમાં જોડાઈ જશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


