મોરબી,તા.૧૭
મોરબીના આમરણ પાસે પુલ ધરાશાયી થવાની એક ઘટના બની છે. ગુજરાતમાં ભ્રષ્ટાચારનો વિકાસ હવે લોકોને આંખે ઉડીને વળગી રહ્યો હોય તેમ મોરબીના આમરણ પાસે ખારચિયા ગામ પાસે પુલ ધડાકાભેર તૂટી પડયો હતો. મોરબીના આ પુલ તૂટી પડતા વાહનવ્યવહાર ખોરવાયો હતો.
આ ઘટના બાદ ગ્રામજનોએ જણાવ્યું હતું કે, અમે જર્જરિત પુલ અંગે અનેક વખત રજૂઆતો કરી હતી. પરંતુ અમારું કોઈ સાંભળતું નથી, જેના કારણે આ દિવસ જોવાનો વારો આવ્યો છે. ત્યારે હવે પ્રશ્ન ઉદ્દભવે છે કે, સરકારી કામોમાં ટેન્ડર પાસ કરાવવા માટે આપવા પડતા ઉપરના પૈસાને જોરે કોન્ટ્રાક્ટર મનફાવે તેવી ગેરરીતિ આચરીને પુલ બાંધી દે છે જેનું નુકસાન જાહેર જનતાએ ભોગવવું પડે છે. આ પુલ તુટવા માટે જવાબાદર કોણ? ગુજરાતમાં થઈ રહેલો ભ્રષ્ટાચારનો વિકાસ કેટલાના જીવ લઈને અટકશે? જેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે.
જામનગરથી કચ્છ જતા રસ્તા પર પુલ તૂટવાની ઘટના સામે આવી છે. આમરણ અને ખારચિયા વચ્ચે આવેલ પુલ તૂટયો છે. પુલ તૂટતા વાહન વ્યવહારને અસર થઈ છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.
પુલ તૂટતા એક ગામથી બીજા ગામમાં જવાનો રસ્તો બંધ થયો છે. આ પુલ તુટતા વાહન વ્યવહારને માઠી અસર થઈ છે. આ પુલ ધરાશાયી ભોંયભેગો થઈ જતા પુલ બનાવતી વખતે થયેલા ભ્રષ્ટાચારનો બોલતો પુરાવો સાબિત થઈ રહ્યો છે ત્યારે તંત્ર આ મામલે શું પગલા લે છે તે જોવું રહ્યું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




