આયુશ મંત્રાલય, ભારત સરકાર દ્વારા પ્રેરિત અને રમત ગમત, યુવા અને સાંસકૃ્તિક પ્રવૃતિઓ, ગુજરાત રાજય, ગાંધીનગર તથા જિલ્લા વહીવટીતંત્ર, તાપીના સંયુકત ઉપક્રમે તાપી જિલ્લાના વડામથક વ્યારા ખાતે આવેલા સયાજી ગ્રાઉન્ડમાં રાજયના સામાજીક ન્યાય અને અધિકારિતા મંત્રી ઇશ્વરભાઇ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી.
કાર્યક્રમના પ્રારંભે ઉત્તરાખંડ ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ઉપસ્થિતિમાં યોજાયેલા યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. બાદમાં આયુશ મંત્રાલય ભારત સરકારની માર્ગદર્શક સૂચનાઓ અનુસાર યોગ કરી યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લાના વડામથક વ્યારા ખાતે જિલ્લા કક્ષાની ઉજવણીની સાથો સાથ જિલ્લાના તમામ તાલુકા મથકો, તમામ પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, કોલેજો, સહકારી સંસ્થાઓ, ઐતિહાસિક વિરાસત, પર્યટન સ્થળ, જિલ્લાની બે નગરપાલિકાઓ મળી જિલ્લામાં કુલ ૧૦૪૨ સ્થળોએ ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપલક્ષમાં યોગ કરવામાં આવ્યા હતા.
યોગ દિવસના ઉપલક્ષમાં મીડીયા સાથે વાત કરતા મંત્રી ઇશ્વરભાઇ પરમારે જણાવ્યું હતું કે, યોગ એ ભારતે દુનિયાને આપેલી ઐતિહાસિક વિરાસત છે. માણસની શારિરીક અને માનસિક તંદુરસ્તી જાળવવા માટે યોગ ખૂબ ઉપયોગી છે. તાપી જિલ્લામાં યોગ દિવસની ઉજવણીમાં ભાગ લેનાર સૌ નાગરિકોને તેમણે શુભેચ્છા પાઠવી, યોગ નહિં કરતા વ્યક્તિઓ પણ યોગ સાથે જોડાય એવી અભ્યર્થના તેમણે વ્યકત કરી હતી.
તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં ૨૫૦૦૦, ડૉલવણ તાલુકામાં ૧૬૫૦૦, વાલોડ તાલુકામાં ૧૮૪૦૦, ઉચ્છલ તાલુકામાં ૨૦૦૦૦, નિઝર તાલુકામાં ૧૪૬૦૦, કુકરમુન્ડા તાલુકામાં ૧૨૧૦૦, સોનગઢ તાલુકામાં ૨૨૦૦૦, વ્યારા નગરપાલિકામાં ૪૦૦૦ અને સોનગઢ નગરપાલિકામાં ૪૦૦૦ મળી જિલ્લામાં ૧,૩૬,૬૦૦ લોકોએ ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો.
કાર્યક્રમ દરમિયાન હેરિટેજ ફાઉન્ડેશન, વડોદરા દ્વારા મંત્રી ઇશ્વરભાઇ પરમારને યોગ અને નેચરોપથી વિષયક પુસ્તક ભેટ આપવામાં આવ્યું હતું. હેરિટેજ ફાઉન્ડેશન, વડોદરા દ્વારા યોગ પ્રશિક્ષકોને મંત્રીના હસ્તે પ્રમાણપત્ર આપી નવાજવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સૌએ યોગ દ્વારા તન અને મનની તંદુરસ્તીને જાળવવા માટે સંકલ્પ પણ લીધો હતો.
વ્યારા નગરપાલિકાના પ્રમુખ મહેરનોશભાઇ જોખી, જિલ્લા કલેકટર એન.કે. ડામોર, જિલ્લા વિકાસ અધિકારી જે.બી.પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક એન.એન.ચૌધરી અને જિલ્લાના અન્ય વરિષ્ઠ અધિકારીઓ, શાળા-મહાશાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, સામાજીક અગ્રણીઓએ યોગ દિવસની ઉજવણીને અનુલક્ષીને યોગ કર્યા હતા.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



