બોટાદના લાઠીદડ ખાતે જિલ્લા પોલીસ વિભાગ અને સુરક્ષા સેતુના ઉપક્રમે મહિલા કાનુની જાગૃતિ દિવસ ઉજવણી કાર્યક્રમ યોજાયો

0
13

દિકરીઓ કારકિર્દીના તમામ ક્ષેત્રોમાં દિકરાઓની બરોબરી કરી શકે તે માટેના વાતાવરણનું રાજય સરકારે નિર્માણ કર્યું છે
– મંત્રી સૌરભભાઈ પટેલ

બોટાદ જિલ્લામાં મહિલા સશક્તિકરણ પખવાડીયાની ઉજવણી અંતર્ગત લાઠીદડ ખાતે ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલના અધ્યક્ષસ્થાને મહિલા કાનુની જાગૃતિ દિવસની ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે મંત્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું હતુ કે, ગુજરાતમાં છેલ્લા ૨૦ વર્ષમાં સકારાત્મક બદલાવ આવ્યો છે. રાજ્યમાં મહિલાઓની જાગૃતિ માટેની યોજનાઓ અને અભિયાનો દ્વારા આ સરકારે મહિલા સશક્તિકરણનું ઉમદા કાર્ય કર્યું છે. જેના પરિણામે આજે અનેકવિધ ક્ષેત્રોમાં મહિલાઓ આગળ આવી છે.
મહિલા સશક્તિકરણ માટે સરકારે હાથ ધરેલા કાર્યોનો ઉલ્લેખ કરતાં મંત્રીએ કહયું હતુ કે, મહિલા સશક્તિકરણ પખવાડીયાની ઉજવણીની સાથે મહિલાઓને સ્પર્શતા તમામ ક્ષેત્રોને આવરી મહિલાઓને જાગૃત કરવાનું અભિયાન સરકારે ઉપાડયું છે, સાથો સાથ મહિલાઓ સામાજિક-આર્થિક રીતે આગળ આવે તે માટે અનેકવિધ મહિલાલક્ષી નિર્ણયો પણ કર્યા છે.
કન્યા કેળવણીના કારણે ગુજરાતની દિકરીઓ માટે ભણવાની તકો ઉપલબ્ધ બની છે. તેમ જણાવતાં મંત્રીએ ઉમેર્યું હતુ કે, આજે રાજયની દિકરીઓ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં દિકરાઓની બરાબરી કરી આગળ વધી રહી છે. દિકરીઓ કારકિર્દીના તમામ ક્ષેત્રોમાં દિકરાઓની સાથે કદમ થી કદમ મિલાવી આગળ વધી શકે તેવા વાતાવરણનું આ સરકારે નિર્માણ કર્યું છે.
તેમણે શ્રી ઉમિયા કોલેજ સંકુલની વિદ્યાર્થીનીઓ દ્વારા આત્મરક્ષા માટે રજુ કરવામાં આવેલ જુડો – કરાટે નિદર્શનનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતુ કે, આજની દિકરીઓ પોતાની સુરક્ષા જાતે કરી શકે તે માટે સક્ષમ બની રહી છે. જે આપણા સૌ માટે ગૌરવની વાત છે. મંત્રીએ આ તકે બોટાદ પોલીસ વિભાગ દ્વારા સમાજમાં બનતા ગુનાઓ બાબતે લોકોમાં જાગૃતી આવે તે માટે હાથ ધરાયેલ અભિયાનને બિરદાવ્યું હતુ.
આ પ્રસંગે જિલ્લા કલેકટર આશીષ કુમારે મહિલાઓના સર્વાંગી વિકાસ માટે રાજય સરકારે હાથ ધરેલા અભિનવ અભિયાનો અને કાર્યક્રમોનો ઉલ્લેખ કરી આ બાબતે સમાજમાં પણ જાગૃતતા આવે તે જરૂરી હોવાનું જણાવ્યું હતુ. તેમણે આ તકે રાજય સરકારની મહિલાલક્ષી વિવિધ યોજનાઓની વિસ્તૃત માહિતી આપી તેનો લાભધ લેવા અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમના પ્રારંભમાં જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાએ સ્વાગત પ્રવચનમાં જિલ્લા પોલીસ વિભાગની કામગીરીની વિસ્તૃત રૂપરેખા આપતા જણાવ્યું હતુ કે, પ્રજા અને પોલીસ વચ્ચે વિશ્વાસનું વાતારવણ સ્થપાય અને તેના થકી સમાજમાં બનતા ગુનાખોરીના બનાવો બાબતે લોકોમાં જાગૃતતા આવે અને ગુનાઓનું પ્રમાણ ઘટે તે માટે પોલીસ વિભાગ દ્વારા કટીબધ્ધતા સાથે કાર્ય કરવામાં આવી રહયું છે.
આ કાર્યક્રમમાં સુલભા પરાંજપેએ મહિલાલક્ષી કાયદાઓ અંગે વિસ્તૃત સમજણ આપી હતી. આ પ્રસંગે ‘‘સંવેદના એક અભિયાન’’ કાર્યક્રમ તેમજ ‘‘સાવધાન બોટાદ’’ અભિયાનની ટુંકી ફિલ્મ ઉપસ્થિત સૌએ નિહાળી હતી, મંત્રી અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ‘‘સાવધાન બોટાદ’’ અંતર્ગત લાઠીદડ કોલેજના એન.એસ.એસ. યુનિટને કિટ વિતરણ કરવામાં આવી હતી. તેમજ અલગ અલગ ક્ષેત્રમાં વિશિષ્ટ સિધ્ધી મેળવનાર જિલ્લાની વિદ્યાર્થીનીઓને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવી હતી. આ તકે ‘‘સાવધાન બોટાદ’’ એક સુરક્ષા અભિયાનની ટીમ – રેલીને લીલી ઝંડી આપી મંત્રીએ જિલ્લામાં અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો.
જિલ્લા પોલીસ વિભાગ અને સુરક્ષા સેતુ સોસાયટીના સંયુકત ઉપક્રમે યોજાયેલ આ મહિલા કાનુની જાગૃતિ દિવસની ઉજવણી કાર્યક્રમમાં નાયબ પોલીસ અધિક્ષક જી. પી. ચૌહાણ, અગ્રણીઓ સર્વશ્રી અમોહ શાહ, સુરેશ ગોધાણી, ટ્રસ્ટના પ્રમુખ કાનજીભાઈ, સરકારી વકીલો, ઉમિયા કોલેજના પ્રિન્સીપાલ, અધ્યાપકો, પોલીસ વિભાગના અધિકારી – કર્મચારીઓ, એન.એસ.એસ. યુનિટના સ્વયંસેવકો, કોલેજની વિદ્યાર્થીનીઓ તથા તેમના વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

તસવીર:વિપુલ લુહાર

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY