અંતિમ મેચમાં ભારતનો બે રને પરાજ્ય
હૈમિલ્ટન,તા.૧૦
ઓપનર સ્મૃતિ મંધાના (૮૬)ની દમદાર ઈનિંગ છતાં ભારતીય મહિલા ટીમ રવિવારે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ત્રીજી ટી૨૦ મેચમાં ૨ રનથી હારી ગઈ હતી. ડેમિલ્ટનમાં સિરીઝના અંતિમ મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ૭ વિકેટે ૧૬૧ રન બનાવ્યા હતા. ભારતીય મહિલા ટીમ અત્યંત રોમાંચક આ મેચમાં ૨૦ ઓવરમાં ૪ વિકેટ પર ૧૫૯ રન બનાવી શકી હતી. આ સાથે ભારતીય ટીમે ૩-૦થી ટી૨૦ સિરીઝ ગુમાવી દીધી છે. મહત્વનું છે કે, ભારતીય મહિલા ટીમે ૨-૧થી વનડે સિરીઝ પોતાના નામે કરી હતી. ન્યૂઝીલેન્ડની ઓપનર સોફી ડિવાઇનને શાનદાર પ્રદર્શન કરવા માટે મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરી રહેલી ૨૨ વર્ષીય મંધાનાએ આ મેચમાં પણ જારદાર બેટિંગ કરી હતી. તેણે ટી૨૦ આંતરરાષ્ટ્રીય કરિયરની ૮મી અડધી સદી ૩૩ બોલમાં પૂરી કરી હતી. તે સદી તરફ આગળ વધી રહી હતી, પરંતુ ટીમના ૧૨૩ના સ્તોર પર સોફી ડિવાઇનના બોલ પર તાહુહુએ કેચ કરીને તેને પેવેલિયન પરત મોકલી આપી હતી. તેણે ૬૨ બોલમાં ૧૨ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. તેના આઉટ થયા બાદ ભારતની આશા મિતાલી રાજ (૨૪*) પાસે હતી પરંતુ તે ટીમને જીત અપાવી ન શકી. દીપ્તિ શર્મા ૨૧ રન બનાવી અણનમ રહી હતી.
અંતિમ ઓવરમાં ભારતને જીત માટે ૧૬ રનની જરૂર હતી. બોલ કાસપેરેકના હાથમાં હતો, જ્યારે બેટિંગમાં મિતાલી રાજ અને દીપ્તિ શર્મા હતી. પ્રથમ બોલ પર મિતાલીએ બાઉન્ડ્રી ફટકારી અને ત્યારબાગ ૧ રન લીધો. ત્યારબાદ ત્રીજા બોલ પર દીપ્તિએ ચોગ્ગો ફટકાર્યો. ચોથા બોલ પર બે રન લીધા અને પાંચમાં બોલ પર એક રન. અંતિમ બોલે ભારતને ચાર રનની જરૂ હતી અને ભારતની આશા મિતાલી રાજ પર હતી. આ બોલ મિતાલીએ મીડવિકેટ તરફ રમ્યો પરંતુ માત્ર એક રન બનાવી શકી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




