ભાજપ માટે હમણાં બહુ સારો માહોલ નથી ને ભાજપ પોતાની ધાક પાછી જમાવવા ફાંફાં મારી રહ્યો છે ત્યાં તેના માટે મંગળવારે રાત્રે એક બહુ સારા સમાચાર આવી ગયા. કાંગ્રેસના શાસન વખતે કૌભાંડોની હારમાળા સર્જાયેલી ને બહુ ગાજેલાં કૌભાંડોમાં એક અગસ્ટાવેસ્ટલેન્ડ કૌભાંડ હતું. ભારતમાં વીવીઆઈપીઓને હરવાફરવા માટે અગસ્ટાવેસ્ટલેન્ડ કંપની પાસેથી હેલિકોપ્ટર્સ ખરીદવા માટે રૂપિયા ૩૬૦૦ કરોડનો કોન્ટ્રાક્ટ કરેલો. આ પ્રકારનાં હેલિકોપ્ટર્સ ભારતને ભટકાડી દેવા બહુ સ્પર્ધા હતી ને તેમાં અગસ્ટાવેસ્ટલેન્ડ ફાવી ગયેલી કેમ કે કંપનીએ છૂટે હાથે નાણાં વેરેલાં. કંપનીએ મિશેલ ક્રિશ્રિ્ચયન નામના દલાલને સાધેલો ને તેણે કાંગ્રેસની સરકારમાં બેઠેલા તોપચીઓને અને લશ્કરી અધિકારીઓને પણ ભરપેટ નૈવેદ ધરાવ્યું તેમાં આ કંપનીને કોન્ટ્રાક્ટ મળેલો.
આ મામલે છેલ્લાં ચાર વરસથી ધમાસાણ ચાલે છે. કાંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી, તેમના રાજકીય સલાહકાર અહમદ પટેલ ને બીજા કાંગ્રેસીઓએ કટકી ખાધી હોવાના આક્ષેપો ભાજપ કર્યા કરે છે પણ વાત આક્ષેપોથી આગળ વધતી નહોતી. દરમિયાનમાં અગસ્ટાનો દલાલ મિશેલ દુબઈમાં પકડાઈ ગયેલો ને તેને કાંઠલો ઝાલીને અહીં લઈ આવવા ભારતે કાનૂની કવાયત શરૂ કરેલી. આ કવાયત ફળી છે ને મંગળવારે રાત્રે મિશેલને ભારત પાર્સલ કરી દેવાયો. બુધવારે સવારના પહોરમાં તો આ પાર્સલ અહીં આવી પણ ગયું ને સીબીઆઈએ તેની પૂછપરછ પણ શરૂ કરી દીધી. નરેન્દ્ર મોદીએ રાજસ્થાન ને તેલંગણામાં વિધાનસભાની ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે આ મુદ્દો પણ ઉઠાવી દીધો.
મિશેલને ભારત લવાયો એ ભાજપ માટે બહુ મોટા સમાચાર છે. સીબીઆઈ મિશેલ પાસેથી સત્ય ઓકાવી શકે તો એ ભાજપ માટે લોકસભાની ચૂંટણીમાં તારણહાર પણ બની જાય. તેનું કારણ એ કે આ કૌભાંડનો રેલો કાંગ્રેસ પ્રમુખ સોનિયાના પગ તળે પહોંચી જ ગયેલો છે. કાંગ્રેસના બીજા નેતાઓ પણ તેમાં લપટાયેલા છે એ જાતાં કાંગ્રેસ માટે આ કૌભાંડ એવો જીવતો બોમ્બ છે કે જેના પર આખી કાંગ્રેસ બેઠેલી છે. મિશેલ હાથ લાગ્યો એટલે ભાજપને હાથ એ બોમ્બ ફોડવાનું રિમોટ કંટ્રોલ જ આવી ગયું છે. ભાજપે હવે એ રિમોટને એકિટવ કરવાનો કાડ જ શોધવાનો છે ને એ કાડ મિશેલ પાસે છે. સીબીઆઈ મિશેલ પાસેથી એ કાડ ઓકાવી શકે તો ભાજપ કાંગ્રેસના ભુક્કા બોલાવી દઈ શકે.
ભાજપને માટે કાંગ્રેસના ભુક્કા બોલાવી દેવાનો અડધોપડધો તખ્તો આમ તો ઈટલીની એક કોર્ટના ચુકાદાના કારણે અઢી વર્ષ પહેલાં જ ઘડાઈ ગયેલો. ઈટલીની કોર્ટે એપ્રિલ ૨૦૧૬માં આપેલા ચુકાદામાં અગસ્ટાવેસ્ટલેન્ડ કંપનીના કર્તાહર્તા ગુલેપ ઓરસીને ભ્રષ્ટાચારના કેસમાં દોષિત ઠેરવેલો. આ કેસમાં કોર્ટે અગસ્ટાવેસ્ટલેન્ડની કલંકકથા કઈ રીતે લખાઈ તેનું અથથીઈતિ સમજાવેલું. ભાજપ માટે આ મુદ્દો કેમ મોટો ને ફાયદાકારક છે તે જાણવા ઈટલીની કોર્ટે જે ઘટનાક્રમ વર્ણવેલો તે જાણવો જરૂરી છે.
અગસ્ટાવેસ્ટલેન્ડ કૌભાંડ કેન્દ્રની મનમોહન સિંહ સરકારની સંખ્યાબંધ કલંકકથાઓમાંથી એક છે. કાંગ્રેસના શાસનમાં અબજાનાં મસમોટાં કૌભાંડો થયાં એ બધાં કૌભાંડોની સરખામણીમાં અગસ્ટાવેસ્ટલેન્ડ હેલિકોપ્ટર કૌભાંડ સાવ નાનું ને ચણામામરા જેવું ગણાય. ભારત સરકારે ફેબ્રુઆરી ૨૦૧૦માં અગસ્ટાવેસ્ટલેન્ડ સાથે રાષ્ટ્રપતિ, વડા પ્રધાન અને બીજા વીવીઆઈપીઓને લઈ જવા માટેનાં ૧૨ હેલિકોપ્ટર ખરીદવાનો ૩૬૦૦ કરોડ રૂપિયાનો કરાર કરેલો. અગસ્ટા બ્રિટનની કંપની છે પણ તેનાં મૂળિયાં ઈટલીમાં છે. ઈટલીની ફિનમેકાનિકા નામની કંપની અગસ્ટાવેસ્ટલેન્ડની માલિકી ધરાવે છે. આ હેલિકોપ્ટર ઈન્ડિયન એરફોર્સને મળવાનાં હતાં કેમ કે ભારતમાં વીવીઆઈપીઓની સલામતીની જવાબદારી એરફોર્સના માથે છે.
એરફોર્સ જે હેલિકોપ્ટર ખરીદવા માગતું હતું તે હેલિકોપ્ટર પૂરાં પાડવાની અગસ્ટાની લાયકાત નહોતી. અગસ્ટા ઈન્ડિયન એરફોર્સને જે એડબલ્યુ ૧૦૧ હેલિકોપ્ટર આપવાનું હતું. આ હેલિકોપ્ટર સાવ રદ્દી હતાં તેના કારણે આ હેલિકોપ્ટર ખરીદવા એરફોર્સ તૈયાર નહોતું. કંપનીને ખબર હશે કે ભારતમાં સત્તા પર બેઠેલા લોકોના હાથની ખૂજલી દૂર કરો એટલે બધું થઈ જાય તેથી કંપનીએ લાંચની લહાણી કરીને એવું ચક્કર ચલાવ્યું કે અચાનક બધું ગોઠવાઈ ગયું. એરફોર્સે નક્કી કરેલાં ધારાધોરણો બદલી નખાયાં ને રાતોરાત નિયમોમાં ફેરફાર કરી દેવાયો. બધી ગોઠવણ થઈ ગઈ ને રાતોરાત કંપનીને કોન્ટ્રાક્ટ આપી દેવાયો. કાંગ્રેસ સરકારે અગસ્ટાવેસ્ટલેન્ડના લાભાર્થે આખો ખેલ ગોઠવી દીધો ને સોદો પાર પણ પડી ગયો.
આ કૌભાંડની કોઈને ગંધ પણ નહોતી આવી પણ આ કંપનીએ છત્તીસગઢ સરકારને એ-૧૦૯ વીવીઆઈપી હેલિકોપ્ટર આપેલું તેમાં કેગ દ્વારા તપાસ કરાઈ. તેના પરથી ખબર પડી કે છત્તીસગઢ સરકારે હેલિકોપ્ટર માટે ૬૫ લાખ રૂપિયા વધારે આપી દીધા છે. તેના પગલે તપાસ શરૂ થઈ ને રેલો ભારત સરકારે કરેલા સોદા લગી પહોંચ્યો તેમાં ખબર પડી કે સાવ રદ્દી હેલિકોપ્ટરો પધરાવીને કંપનીને વધારે ચૂકવણું કરવાનો ખેલ પાર પડી ગયો છે. આ રેલો છેક ઈટલી સુધી પહોંચ્યો ને ખબર પડી કે ભારત સરકારે તો ૩૬૦ કરોડ રૂપિયા કટકી પેટે ચૂકવેલા.
આ વાત બહાર આવી ત્યારે કાંગ્રેસ સરકાર નામક્કર ગયેલી ને અમે કશું ખોટું કર્યું જ નથી તેવી રેકર્ડ જ વગાડેલી. ભાજપે વિરોધ પક્ષ તરીકે આક્રમક વલણ અપનાવ્યું એટલે સરકારે સીબીઆઇને તપાસ સોંપવી પડી. સીબીઆઈએ ઈટલીની સરકારને ફિનમેકાનિકાની તપાસ કરવા કહ્યું. ઈટાલીની પોલીસે તરત ફિનમેકાનિકા સીઈઓ ગુલેપ ઓરસીને ઉઠાવીને જેલમાં પૂરી દીધો. વિદેશી કંપનીઓના સીઈઓ સુંવાળી ચામડીના હોય એટલે પોલીસનો તાપ સહન ના કરી શકે. ગુલેપના કિસ્સામાં પણ એવું થયું ને તે પઢાવેલા પોપટની જેમ બધું બકી ગયો. કઈ રીતે કંપનીએ ભારતના ટોચના અધિકારીઓને લાંચ આપીને કોન્ટ્રાક્ટ મેળવેલો તેની બધી વિગતો તેણે આપી દીધી. આ સોદામાં કોણે દલાલી કરી છે તેની વિગતો પણ તેણે આપી. તેના આધારે પોલીસે પીટર Ìšલેટ નામના દલાલને પકડ્યો પછી આખો કેસ સ્પષ્ટ થઈ ગયો.
સીબીઆઈએ આ બધી વિગતો સામે મૂકી પછી મનમોહન સરકારના સંરક્ષણ પ્રધાન એ.કે. એન્ટનીએ સંસદમાં કબૂલવું પડ્યું કે કૌભાંડ થયું છે ને ૩૬૦ કરોડ રૂપિયા લાંચ ચૂકવાઈ છે. સંસદીય તપાસ સમિતિની રચના પણ કરવી પડી. સીબીઆઈએ પહેલી એફઆઈઆર ૨૦૧૩ના ફેબ્રુઆરીમાં નોંધી. તેમાં એરફોર્સના ભૂતપૂર્વ વડા એસ.પી. ત્યાગી અને તેમના ત્રણ ભાઈ જુલી, ડોકસ તથા સંદીપ ઉપરાંત કાંગ્રેસના ભૂતપૂર્વ પ્રધાન સંતોષ બાગરોડિયાના ભાઈ સતિષ બાગરોડિયા, પ્રતાપ અગ્રવાલ તથા બીજી ચાર કંપનીઓને આરોપી તરીકે બતાવ્યા હતા. એ બધી નાની માછલીઓ હતી અને આ કૌભાંડમાં કટકી ખાનારા અસલી મોટાં માથાંને તો કશું થયું જ નહીં.
સીબીઆઈએ એક એફઆઈઆર દાખલ કરીને સંતોષ માન્યો ને વાત આગળ વધી જ નહીં. બીજી તરફ ઈટલીમાં કેસ ધમધોકાર ચાલતો હતો. ઈટલીમાં પ્રોસિકિયુંશને આ કૌભાંડમાં સૌથી પહેલું નામ સોનિયા મેડમનું લીધું હતું. ઈટલીની સરકારને ૨૦૦૮માં તેની એજન્સીઓએ નોંધ મોકલેલી કે ફિનમેકાનિકા સાથેના ભારત સરકારના હેલિકોપ્ટર સોદામાં સોનિયા મેડમ વધારે પડતો રસ લઈ રહ્યાં છે. અહમદ પટેલને કટકી અપાઈ હતી તેવું ઈટલીમાં પ્રોસિકિયુંશને કોર્ટમાં કહ્યું હતું. કોને કેટલી કટકી અપાઈ તેની વિગતો પણ એક નોટમાં અપાઈ હતી. આ નોટ પ્રમાણે એપીને ૩૦ લાખ યુરો, પીઓએલને ૬૦ લાખ યુરો, એએફને ૬૦ લાખ યુરો અને બીયુઆરને ૮૪ લાખ યુરો અપાયા હતા. એપી એટલે અહમદ પટેલ, પીઓએલ એટલે પોલિટિશિયન્સ, એએફ એટલે એરફોર્સ અને બીયુઆર એટલે બ્યૂરોક્રેટ્સ એવી શક્્યતા એ વખતે વ્યક્ત થઈ હતી. પછી કેસ આગળ ચાલ્યો તેમાં ગુલેપ ઓરસી દોષિત ઠર્યો પણ આપણે ત્યાં કશું થયું નહોતું.
હવે મિશેલ હાથ લાગ્યો છે ત્યારે આ વાત આગળ વધી શકે ને ખરેખર બીજા કોણે કોણે કટકી ખાઈને દેશ સાથે ગદ્દારી કરી તેનો ભાંડો ફોડી શકાય તેમ છે. અત્યાર લગી આ મામલે આક્ષેપો બહુ થયા છે ને ઠોકાઠોક કરીને નામો ઉછાળાયાં છે. હવે સીબીઆઈ પાસે મિશેલ છે ને સીબીઆઈ તેની ધારે એટલી પૂછપરછ કરી શકે છે ત્યારે આ બધી ઠોકાઠોકના બદલે દેશ સાથે ગદ્દારી કરનારા લોકોને ખુલ્લા કરવાની ભાજપ સરકાર પાસે તક છે. મિશેલ પાસે સત્ય ઓકાવીને પુરાવા સાથે સત્ય લોકો સામે મુકાવું જાઈએ. ભાજપ સરકાર માટે તેના બધાં પાપ ધોવાની આ મોટી તક બગાસું ખાતાં પતાસું મળે એ રીતે આવી ગઈ છે. આ તક ભાજપ માટે રાજકીય રીતે તો ફાયદો કરાવનારી છે જ પણ દેશનું હિત સાચવનારી પણ છે. ભાજપ આ તક વેડફી દેશે તો સાબિત થશે કે ભાજપમાં કોઈ વેતો નથી ને તેના નેતાઓ ખાલી થૂંક ઉડાડવામાં જ માહિર છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





