ભરૂચના દેરોલ નજીક લક્ઝરી બસ ટેન્કર સાથે અથડાઈ: બે મુસાફરોના મોત, 30થી વધુ ઘાયલ

0
11

ભરૂચ જિલ્લાના દેરોલ નજીકથી પસાર થતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ગતરોજ વહેલી સવારે આશરે 5:30 વાગ્યે લક્ઝરી બસ અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ધોરાજીથી સુરત લગ્નપ્રસંગમાં જઈ રહેલી જાનૈયાઓની બસ ટેન્કર સાથે ધડાકાભેર અથડાતાં બે મુસાફરોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં હતાં, જ્યારે 30થી 35 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ જિલ્લાના ધોરાજીથી પરિવારજનો અને સગાસંબંધીઓ ખાનગી લક્ઝરી બસમાં સવાર થઈ સુરત લગ્નપ્રસંગમાં જઈ રહ્યા હતા. દરમિયાન દેરોલ નજીક બસ આગળ જઈ રહેલા ટેન્કર સાથે અથડાઈ હતી. ટક્કર એટલી ભીષણ હતી કે બસના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. બસમાં સવાર 6થી 7 વર્ષનાં બાળકો સહિત અનેક મુસાફરોને ઈજાઓ પહોંચી હતી.

અકસમાતને પગલે હાઈવે પર ચીસાચીસ અને અફરાતફરી મચી ગઈ હતી. જાણ થતાં જ 108ની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. ઈજાગ્રસ્તોની સંખ્યા વધુ હોવાથી આસપાસની 7થી 8 એમ્બ્યુલન્સની મદદ લેવામાં આવી હતી. 108નાં ઈ.એમ.ટી. અસ્મા મલેકના જણાવ્યા અનુસાર, ઈજાગ્રસ્તોને તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

અકસમાતને પગલે એક્સપ્રેસ હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો. પોલીસે ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનોને રસ્તા પરથી હટાવી વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતકોની ઓળખ અને અકસ્માતનાં કારણો જાણવા વધુ તપાસ હાથ ધરી છે. લગ્નપ્રસંગની ખુશીઓ વચ્ચે સર્જાયેલી આ દુર્ઘટનાથી પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY