વૈશ્વિક સ્તરે વ્યાપેલો ભૂખમરો આપણા સુધી પહોંચે એ પહેલાં ભૂખ્યા ને ભોજન આપવાનું પ્રણ લઈએ!

0
7

આપણી દિવાળી પૂરી થઈ અને હવે દેવની દિવાળી શરૂ થશે! આવી તો કેટલીય દિવાળી અને દેવ દિવાળી ગઈ પણ વિશ્વમાં ક્યાંય શાંતિ નથી. વૈશ્વિક સ્તરે સૌથી મોટી કોઈ સમસ્યા હોય તો એ ભૂખમરો છે! વારંવાર સાંભળવા મળે છે કે શ્રીલંકામાં ભૂખમરો વ્યાપ્યો, પાકિસ્તાનમાં તો છે જ! આફ્રિકાના અમુક વિસ્તારમાં અમુક વર્ગના લોકો દાણાં દાણા માટે તરસે છે, અને હિંસા કરતાં પણ અચકાતા નથી! આપણાં દેશની વાત કરીએ તો 140/45 કરોડની વસ્તીમાં બધાને બે ટંકનુ ભોજન આજે પણ મળતું નથી! એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે વસ્તી વધતી જ જાય છે, અને પ્રદૂષણને કારણે જમીનનું ધોવાણ થઈ ગયું, હોવાથી પાક એટલો ઉતરતો નથી. જોકે સમાજમાં અસમાનતા હોય આ સમસ્યા થોડાં ઘણાં અંશે ઘણા વખતથી છે! અને એટલે જ આપણાં સૌરાષ્ટ્રમાં કેટલાંય અન્નક્ષેત્ર છે, કે જ્યાં કોઈપણ ભોજન લઈ શકે છે! સૌરાષ્ટ્રનું જ આવું એક જગ પ્રખ્યાત અન્નક્ષેત્ર, કે જેનું નામ આજે પણ બહુ આદરથી લેવાય છે, અને એ છે વીરપુરનું જલારામ બાપાનું અન્નક્ષેત્ર, જેમાં નાત જાતનાં કોઈ ભેદભાવ વગર સૌને ભોજન‌ આપવામાં આવે છે. આજે કારતક સુદ સાતમ એટલે રઘુવંશી ઓનાં પ્રેરણા સ્ત્રોત જલારામ બાપાની જન્મ જયંતી છે. આ અન્નક્ષેત્રમાં હવે કેટલાંય વર્ષોથી દાન કે ભેટ સ્વીકારવામાં આવતી નથી, છતાં પણ એ જ રીતે યથાવત ચાલુ છે. આ વાત બતાવે છે કે સત નો કેટલો મહિમા છે. જે તે સમયગાળા દરમિયાન જ્યારે તેમણે સેવાનો સંકલ્પ કે ભેખ લીધો, ત્યારે તેમની પાસે એવી કોઈ સમૃદ્ધિ હતી નહીં. પરંતુ તેમનું ભજન અને ઈશ્વર પ્રત્યેનો ભરોસો આ બંને અતુટ હોવાથી આ કાર્ય આજે પણ તેમની ઇચ્છા અનુસાર ચાલી રહ્યું છે. તો આજે આપણે સૌરાષ્ટ્રમાં આવેલા વીરપુર તાલુકાનાં જલારામ બાપા વિશે થોડીક વાત કરીશું.

       સંત શ્રી જલારામબાપાનો જન્મ ઇ.સ. વિક્રમ સંવત ૧૮૫૬ની કારતક સુદ સાતમે લોહાણા સમાજના ઠક્કર કુળમાં થયો હતો. તે ભગવાન રામનાં ભક્ત હતા. નાનપણથી જ તેમને ગૃહસ્થ જીવન કે પિતાના વ્યવસાયમાં કોઈ જ પ્રકારનો રસ હતો નહીં. તેઓ હંમેશા સાધુ સંતોની સેવા કરવામાં પ્રવૃત રહેતા, અને તેમણે તેવું વિચારીને ઘર પણ છોડી દીધું હતું. તેમનાં કાકાએ તેમને રહેવાં એક ઘર આપ્યું અને ત્યાં તેમની માતા સાથે રહેવાનું સૂચન કર્યું. 16 વર્ષની આયુમાં તેમના લગ્ન આટકોટની વીરબાઈ સાથે થયાં. વીરબાઇ પણ ભગત આત્મા હતી, આથી તેમણે પતિની આ પ્રવૃત્તિમાં તેનો સાથ આપ્યો. અઢાર વર્ષની આયુમાં તેઓને સંસારમાં વૈરાગ્ય આવી ગયો, આથી તેમણે કાશીની યાત્રાએ જવાનું નક્કી કર્યું, તેમાં પણ વીરબાઈ મા એ તેનો સાથ આપ્યો, અને તેની સાથે જોડાયા. ફતેપુરના ભોજાભગતે જલારામની ઈશ્વર પ્રત્યેની અનન્ય શ્રદ્ધા જોઈને, રામની મૂર્તિ, માળા, અને રામનામનો મંત્ર આપ્યો, અને આ રીતે તેમને એક ધ્યેય પ્રાપ્ત થયું. આજે પણ જલારામ મંદિર ખાતે કાચની પેટીમાં આ વસ્તુ સાચવવામાં આવી છે. તેઓએ તે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી, અને વીરપુરમાં રામનું મંદિર બનાવ્યું. ઇતિહાસની વધુ એક દંતકથા એવું કહે છે કે, એક સંત મહાત્માં ત્યાં આવ્યાં અને તેમણે કહ્યું કે આ જગ્યાએ ખોદકામ કરવાથી હનુમાનજીની મૂર્તિ નીકળશે, અને તેવું થયું, પછી રામની સાથે લક્ષ્મણ અને સીતાની પણ સ્થાપના કરવામાં આવી. તે દિવસથી જલારામ ખાતે સદાવ્રત ચાલે છે, અહીં કોઈપણ જાતના જ્ઞાતિભેદ વગર દરેકને ભોજન પીરસવામાં આવે છે. સાધુ સંતોની ત્યાં નિત્ય આવન-જાવન રહેતી હતી. પતિ-પત્ની બંને આ રીતે દિન દુખીયા અને સાધુસંતોની સેવા કરતાં હતાં. સમાજમાં રોગથી પીડિત કે પછી કોઈ અન્ય કારણોથી પીડિત લોકો જલારામ બાપા પાસે અનન્ય શ્રદ્ધા લઈને પહોંચતા, અને તેઓ ભગવાન રામ પાસે પ્રાર્થના કરતા. આ રીતે આવનાર વ્યક્તિની સમસ્યાનું શમન થતું હોવાથી, આ રીતે પણ જલારામ બાપા પ્રખ્યાત થયા, અને લોક સેવાના પ્રકલ્પને પણ સારું એવું ઈશ્વરીય પીઠબળ રહ્યું. લોકોએ આ કિસ્સાઓને એકત્ર કરી અને તેમના પરચાનું જલારામ જ્યોત એવું પુસ્તક પણ છપાવ્યું છે, પરંતુ આપણે તેમાં નહીં જઈએ.

     પતિ-પત્ની બંને સમાજની તથા સાધુ-સંતોની ખૂબ જ સેવા કરતા હતા, એવામાં એક દિવસ એક અપંગ સાધુ આવે છે, અને વીરબાઈની માંગણી કરે છે, જલારામ બાપા વીરબાઇ મા સાથે મસલત કરે છે, અને એ સાધુને હા પાડે છે, અને કોઈપણ પ્રકારની આનાકાની કે ઉદ્વેગ વગર વીરબાઇ મા તે સંતની સેવા માટે તેની સાથે ચાલે છે. થોડેક દૂર આગળ જંગલમાં હમણાં આવું છું, કહીને એ સાધુ વીરબાઈ મા ને એક સ્થાને બેસાડી અને ચાલ્યા જાય છે, ઘણી પ્રતીક્ષા કર્યા બાદ પણ તે આવતા નથી, અને આકાશવાણી થાય છે, કે સ્વયં ભગવાન આ પતિ પત્નીની પરીક્ષા કરવા આવ્યા હતા. તે જ્યારે ગયા ત્યારે એક દંડ અને ઝોળી આપતા ગયા હતાં, જે લઈ અને વીરબાઈ મા ઘરે પાછા ફરે છે, અને કહેવાય છે કે આ ઝોળી એ અક્ષય પાત્રનું કાર્ય કરે છે, અને આજ સુધી આ સદાવ્રત અખંડ રીતે ચાલે છે. તત્વતઃ આ વાત એ સિદ્ધ કરે છે, કે શુદ્ધ ભાવનાથી કરેલો સંકલ્પ ઈશ્વર અવશ્ય પૂરો કરે છે.

     ગુજરાતનાં સૌરાષ્ટ્ર પંથકમાં રહેણાક હોવાથી જલારામ મંદિરના બે-ત્રણ વાર દર્શન પણ કર્યા છે, અને પ્રસાદ પણ ગ્રહણ કર્યો છે. આમ તો તેના વિશેની જાણકારી, અને શ્રદ્ધા મોરારીબાપુની કથા સાંભળવાથી વધી છે. બાપુની તો પહેલેથી જ ભજન, ભોજન, અને ભાવનાની ત્રિવેણીમાં રુચિ રહેલી છે.ભૂખ્યાને ભોજન કરાવવું, તેનાથી મોટું કોઈ ભજન નથી. આ શીખ તેમની પાસેથી પ્રાપ્ત થઈ છે, અને એ સત્ય પણ છે. જીવ આવા નાના-મોટા પ્રયોગો કરીને, જીવનમાં સત્ય પ્રેમને કરુણાને પ્રાપ્ત કરવાં સતત પ્રયત્નશીલ રહે છે. કોઈપણ જાતનું તપ ન કરી શકનાર પણ આવા નનાં નાનાં નિયમ લઈને જીવનમાં શુદ્ધ ભાવના મેળવી શકે છે. કંઈ જ કરવાનું નથી, માત્ર આપણામાંથી થોડોક ભાગ પાડવાની ટેવ પાડવાની છે, જે કંઈ હોય તેમાં પ્રકૃતિના અન્ય જીવનો પણ હક છે, એમ સમજી અને તે આપવું, અને એ મારી ફરજ પણ છે. આ બે વાતને કેન્દ્રમાં રાખીને જીવન જીવવાની શરૂઆત, આ નવા વર્ષથી કરીએ તો ખરેખર આવતીકાલ ઘણી ઉજ્જવળ છે. આપણે સંસારીઓ આખો આખો દિવસ તપ કે હરિ સ્મરણ કરી શકવાના નથી, પરંતુ આ રીતે કોઈને ભોજન કરાવી એ કે તેના દુઃખદર્દને ઓછા કરીએ, તો કાળનો પ્રભાવ ઘટશે, અને કળિયુગથી સતયુગ સુધીનું અંતર પણ આ જ રીતે ઓછું થશે. કીડીને કણથી શરુઆત કરી શકાય,અને સારું લાગે તો આ પ્રયોગ વધુ સફળ બનાવવા માટે સંકલિત થવું, અને આવાં કોઈ બુદ્ધ પુરુષને યાદ કરીને નાની-મોટી સેવાનો સંકલ્પ લઇને દરેક જણ જીવે, અને પોતાનાં જીવનમાં ધર્મની સદભાવના કેળવીને જીવન સુરક્ષિત કરે! અથવા તો ગુણોથી સમૃદ્ધ કરે. જય જલારામ.

     લી. ફાલ્ગુની વસાવડા. ( ભાવનગર)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY