ડ્રાઇવરને ઝોકું આવતાં ઇકો કાર પલ્ટી : ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત

0
22

જામનગર,તા.૨૭
ધ્રોલના ધ્રાંગા ગામના પાટીયા પાસે ઉંડ-૧ ડેમની કેનાલ પસાર થઇ રહી છે. આજે વહેલી સવારે ઇકો કારના ડ્રાઇવરને ઝોકું આવી જતા સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને કાર પલ્ટી મારી કેનાલમાં ખાબકી હતી. જેમાં ડ્રાઇવર હરેશ અરજણભાઇ કરથીયા (ઉ.વ.૩૫), રસીક ભીમાભાઇ કદાવાલા (ઉ.વ.૩૫), નારણ કરશન ચૌહાણ અને ટપુ કાના કારેણાના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે ધીરૂભાઇ ભીમાભાઇ કદાવરાને ગંભીર હાલતમાં સારવાર માટે ધ્રોલ હોસ્પિટલ ખસેડાયા છે. ઘટનાને લઇને ગામના લોકો દોડી ગયા હતા અને પોલીસને જાણ કરતા ટીમ દોડી હતી. પોલીસે તમામના મૃતદેહ પીએમ માટે હોસ્પિટલ ખસેડયા હતા. જો કે હાલ આ કેનાલમાં પાણી છોડવામાં આવ્યું નથી એટલે ખાલી હતી.
ધ્રોલથી-જામનગર જતા ધ્રોલથી ૧૦ કિ.મી. દૂર ઉંડ-૧ ડેમની કેનાલ પસાર થાય છે. આ કેનાલમાં આજે વહેલી સવારે ૫.૩૦થી ૬.૩૦ વાગ્યાની આસપાસ એક ઇકો કાર જે જામજોધપુરના જીણાવાડી ગામથી નીકળી જામનગરથી રાજકોટ તરફ આવી રહી હતી. પરંતુ ડ્રાઇવરને ઝોકું આવી જતા કાર કેનાલમાં પલ્ટી મારી ખાબકી હતી. જેમાં ઇકો કારમાં સવાર ચાર મુસાફરોનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ઇકો કારમાં ડ્રાઇવર તરીકે હરેશભાઇ ડ્રાઇવીંગ કરતા હોવાનું જાણવા મળ્યું છે.
આ અકસ્માત અંગે ધ્રોલ પોલીસ દ્વારા ઘટના સ્થળે તપાસની કામગીરી ચાલી રહી છે. મૃતકોના પરિવારજનોને બનાવની જાણ કરીને બોલાવાવમાં આવ્યા હતા. બે મૃતકો એક કુટુંબના હોવાનું તેમજ એક મૃતકની સાથે સારવાર માટે બાટલો પણ ફીટ કર્યો હોય તેઓ રાજકોટ હોસ્પિટલે સારવાર માટે આવતા હોવાનું જાણવા મળ્યું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY