જંબુસર,
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના પ્રખ્યાત કાવી કાંબોઈ દરિયાકિનારે અનોખી જેલી ફિશ જોવા મળતાં સ્થાનિકો અને સહેલાણીઓમાં ભારે કુતૂહલ સર્જાયું હતું. દરિયાના પાણીમાં જોવા મળેલી આ જળચર જીવની અજીબોગરીબ રચના અને હિલચાલ જોઈ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ અનોખા જીવનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
કાવી કાંબોઈ દરિયાકિનારો ધાર્મિક અને પ્રાકૃતિક સૌંદર્ય માટે જાણીતો છે. જોકે, આ વખતે દરિયાકિનારે જોવા મળેલી જેલી ફિશને કારણે લોકોમાં તેને નજીકથી નિહાળવા માટે ઉત્સુકતા જોવા મળી હતી. સ્થાનિકો અને સહેલાણીઓમાં આ જીવની પ્રજાતિ અને તેની વિશેષતાઓ અંગે વિવિધ ચર્ચાઓ શરૂ થઈ હતી.
જેલી ફિશ દરિયામાં વસવાટ કરતો જળચર જીવ છે. તેનું શરીર જેલી જેવું નરમ, પારદર્શક અને છત્રી આકારનું હોય છે. તેના શરીરમાં હાડકાં, મગજ અને હૃદય હોતાં નથી. શરીરના નીચેના ભાગમાં આવેલા તાંતણા જેવા સ્પર્શકોમાં ડંખ મારતા કોષો હોય છે, જેની મદદથી તે નાના દરિયાઈ જીવોનો શિકાર કરે છે અને પોતાનું રક્ષણ કરે છે.
જેલી ફિશની કેટલીક પ્રજાતિઓનો ડંખ મનુષ્ય માટે પીડાદાયક તો કેટલીકનો જોખમી પણ બની શકે છે. તેથી આવી જેલી ફિશ દરિયાકિનારે જોવા મળે તો તેને હાથ લગાવવાનું કે સ્પર્શ કરવાનું ટાળવું જોઈએ. આ જીવની પ્રજાતિ અને વિશેષતાઓ અંગે વન વિભાગ તથા મત્સ્યઉદ્યોગ વિભાગ દ્વારા તપાસ કરી યોગ્ય માહિતી જાહેર કરવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઊઠી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


