સાંપ્રત સમયની અશાંતિ ની સમસ્યાનો ઉકેલ માત્ર ધર્મ અને સ્વધર્મને યોગ્ય રીતે સમજવાથી જ આવશે!

0
8

સમાજની દરેક વ્યક્તિએ પોતપોતાની હેસિયત મુજબ તહેવાર ઉજવ્યાં, અને થોડેઘણે અંશે ખુશી પણ મેળવી, પરંતુ તરત જ બીજા એ તો આવી મોટી ગાડી લીધી, સોનું લીધું, અને ગયાં વર્ષે તો હજી ફ્લેટ લીધો એમ દેખાદેખીમાં દુઃખી થાય! અને આ રીતે આજનાં સમયમાં પ્રત્યેક વ્યક્તિને બીજી વ્યક્તિથી કોઈ ને કોઈ રીતે ફરિયાદ છે! અને મોટેભાગે દરેક વ્યક્તિ સમાજમાં પડઘાતી અશાંતિનું કારણ અન્યને સમજે છે, અને એટલે સમાજમાં સુધારો જોવા મળતો નથી. દાખલા તરીકે ડોક્ટર પાસે જઈએ તો ડોક્ટર આપણાં રોગનું નિદાન કરીને આપણને દવા આપે! પરંતુ આપણને શું શું તકલીફ છે એ તો આપણે જ જણાવવું પડે! અને ડોક્ટર દવા આપે એ પણ આપણે જ લેવી પડે! ડોક્ટર કે અન્ય ફેમિલી મેમ્બર દવા લે અને આપણને સારું થાય એવું બનતું નથી! એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે સમાજમાં અશાંતિ છે, તો સમાજનાં અભિન્ન અંગ તરીકે એની માટે પ્રતયેક વ્યક્તિ જવાબદાર છે, અને એટલે જ દરેક એ થોડું ઘણું સુધરવું પડે! જેમાં સમાજની કોઈ વ્યક્તિને રસ નથી! કારણ કે માનવી માંથી ત્યાગ બલિદાનની ભાવના ઓછી થતી જાય છે! પરંતુ જો‌ સુંદર સ્વસ્થ અને શાંત યુગનું નિર્માણ કરવું હશે તો પ્રત્યેક વ્યક્તિ એ ચિંતન કરવું પડશે અને પોતાની ભૂલ સુધારવી પડશે. અન્ય સંસ્કૃતિ કે ધર્મની ખબર નથી, પરંતુ આપણી પાસે ડોક્ટર તરીકે ભગવાન શ્રીકૃષ્ણ અને દવા તરીકે ભગવત ગીતા ઉપલબ્ધ છે જ!

દવાનાં ઉપયોગ માટે દવાને અને કંઈ રીતે લેવી એ સમજવું પડે છે, અને એટલે જ ધર્મ અને સ્વધર્મ ની પરિભાષા પણ જાણવી પડે છે! બહુ ટૂંકમાં કહીએ તો સ્વધર્મ વ્યક્તિગત છે, જ્યારે ધર્મ એ સામુહિક ભાવના સાથે જોડાયેલ છે! ધર્મ એટલે જીવનને યોગ્ય દિશામાં ચલાવનારા સર્વસામાન્ય સિદ્ધાંતો અને કર્તવ્યો. જેમ કે સત્ય બોલવું, અહિંસા, દયા, ન્યાય, પ્રામાણિકતા, પરોપકાર વગેરે. આ મૂલ્યો સામાન્ય રીતે બધાં માટે લાગુ પડે છે. સ્વધર્મ એટલે વ્યક્તિના પોતાનાં સ્વભાવ, ક્ષમતા, જવાબદારી, જીવનની સ્થિતિ અને ભૂમિકા અનુસારનું કર્તવ્ય. એટલે કે “મારે, મારી પરિસ્થિતિમાં, શું કરવું યોગ્ય છે?” તેનો જવાબ સ્વધર્મ આપે છે. જેમ કે એક ડૉક્ટરનો સ્વધર્મ દર્દીની સારવાર કરવો છે.એક શિક્ષકનો સ્વધર્મ જ્ઞાન આપવો છે. એક માતા પિતાનો સ્વધર્મ સંતાનની સંભાળ અને સંસ્કાર આપવાનો છે. એક સૈનિકનો સ્વધર્મ દેશની રક્ષા કરવો છે, ભલે તેમાં જોખમ હોય. આમ બધાનાં સ્વધર્મ અલગ હોઈ શકે, પરંતુ તેઓએ સત્ય, પ્રામાણિકતા અને ન્યાય જેવા ધર્મના મૂળ સિદ્ધાંતોનું પાલન કરવું જોઈએ.

પરંતું ધર્મ અને સ્વધર્મ બંને જીવન પદ્ધતિને સરળ, સહજ, અને સ્વાર્થ રહિત બનાવવાં માટે ઉપયોગી છે. સ્વધર્મ અનુસાર અહીં કોઈ જ શ્રેષ્ઠ નથી, અને કોઈ તુચ્છ નથી! દરેક એનાં સત્વ રજસ અને તમસ ગુણોથી બનતાં વર્ણ મુજબ જીવન વ્યવસાય કરે છે, અને એમાં કોઈ ગુણ દોષ જોવાતાં નથી! દાખલા તારીખે કોઈ બ્રાહ્મણ હોય તો સમાજમાં શિક્ષણ અને વૈચારિક ક્રાંતિનુ એનું કાર્ય છે! એ જ રીતે ક્ષત્રિય ને માથે ધર્મ સંસ્કૃતિનાં રક્ષણની જવાબદારી છે. વૈશ્ય એટલે કે વેપારીનુ ધંધામાં નિતી પ્રમાણિકતા ને મુખ્ય સ્થાને રાખી નફા ખોટનું આયોજન કરવું, મોચી હોય તો એનું કાર્ય ચામડું સીવીને ચપ્પલ બનાવવાનું છે, અને એ એનો સ્વધર્મ છે! પરંતુ એને હિંસાની છૂટ નથી! એટલે કોઈ પ્રાણીને મારવું એ તેના સ્વધર્મ વિરુદ્ધ છે. સ્વધર્મ એટલે પોતાનાં સ્વભાવ અને અસ્તિત્વને અનુરૂપ સહજ કર્મ. તેમાં પ્રથમ પ્રશ્ન ગુણ-દોષનો નથી, પરંતુ પ્રકૃતિ અને કર્તવ્યનો છે. આ વાત ભગવાન શ્રીકૃષ્ણ ગીતાનાં સારરૂપ 18 માં અધ્યાયમાં કહે છે. સ્વધર્મનો સંબંધ કર્તવ્ય, જવાબદારી અને પોતાના સ્વભાવને અનુરૂપ આચરણ કરવું એવો કરી શકાય! જ્યારે ધર્મ એટલે આપણી સનાતની સંસ્કૃતિ એ મનુષ્ય નામના સામાજિક પ્રાણી માટે અનુસરવાનું એક માળખું બનાવ્યું છે, એ મુજબ જીવવાનું પ્રણ છે.

ઘણીવાર વિચાર આવે કે આપણે આધુનિક બનવામાં પોતાની અસલ સંસ્કૃતિ અને સંસ્કાર ખોઈ બેઠાં! અને જે ખરેખર સદીઓ પહેલાં પણ આધુનિક વિચાર અને વિજ્ઞાન પર આધારિત જ હતી. ઇન્સ્ટન્ટ નો યુગ છે, પરંતુ ચરિત્ર એકાએક બનતું નથી, એની માટે સમય અને મહેનત લાગે છે! જેમ એકડો‌ આવડે એટલે તરત જ ગ્રેજ્યુએટ નથી કહેવાતું, એની માટે વર્ષો લાગે છે, અને કેટલીય પરીક્ષા આપવી પડે છે! પણ આપણે શોર્ટકર્ટ્સને નામે પરીક્ષા એવોઈડ કરીએ ઉપરથી આધુનિકનું સ્ટેટસ ચીપકાવવા ઓવર‌ બર્ડન લઈ દોડે‌ જઈએ છીએ, જેમાં કોઈ ને કોઈ રીતે એક્સિડન્ટ થાય છે એટલે કે દુઃખ આવે છે, અને રહીસહી જીવન શાંતિ હણાઇ જાય છે. જીવનમાં એક એક ગુણોનો સરવાળો કરવાથી જ જીવન ગુણવત્તા ભર્યું થશે, અને આ વાત આપણને ભગવત ગીતા શીખવે છે, પણ આપણે આપણા મતલબનો અર્થ કરી ધર્મ અને સ્વ ધર્મનો ગૂંચવાડો કરી મૂક્યો, અને હવે દિશાહીન થઈ બરાબર ના મૂંઝાયા. આધુનિક બનવાનાં ચક્કરમાં પરિસ્થિતિ એવી થઈ છે કે અન્ય લોકો આપણી સંસ્કૃતિ તરફ ઢળી રહ્યાં છે, અને હવે આપણે થૂંકેલું પાછું ગળવા જેવું થયું છે!

આવનારો સમય આનાથી પણ ભયંકર હશે એવી સંભાવનાને ધ્યાનમાં રાખીને જ ભગવાન શ્રીકૃષ્ણે ભગવત ગીતામાં સ્વધર્મની વાત કરી છે!: અને નરસિંહ મહેતા પણ પોતાની રચનામાં “આપણે આપણાં ધર્મ સંભાળવા”! એવું કોટ કરે છે, એટલે કે આ વાતને દોહરાવે છે. પરંતુ માનવી ધર્મ અને સ્વધર્મને સમજવામાં ભૂલ કરી ગયો! આ ઉપરાંત સ્વાર્થ માટે સ્વ કેન્દ્રિત અને સુધારા માટે અન્ય સામે નિર્દેશ કરી આસાનીથી છટકી જવા લાગ્યો! આપણે લાખ ચતુર હોઈએ,પણ એને આપણે છેતરી શકતાં નથી! એટલે કે આપણી અંદર રહેલો એનો અંશ આવાં સમયે બિલકુલ સંમત થતો નથી! પણ આપણે એને અણદેખ્યુ કરીને જીવીએ છીએ! ઉપરાંત આપણાં મૂળ સ્વભાવ પર આવાં આડંબરનાં કેટલાંય આવરણ આવી જવાથી આત્મ વિશ્વાસ, આત્મબળ કે આત્મ પ્રકાશથી આપણે દૂર જતાં જઈએ છીએ! અને સૌથી છેલ્લી છટકબારી તરીકે આપણે એમપણ બોલતાં હોઈએ છીએ કે મારાં એકનાં સુધરવાથી સમાજ થોડો સુધરશે? અને આમ દરેક સુધરવાની બાબતે પીછેહટ કરે છે, એટલે યુગ પરિવર્તન થતું નથી. તો નવાં વર્ષના પ્રારંભે કંઈક એવું કરીએ જે આપણને મનુષ્ય તરીકે જીવ્યાનો સંતોષ અપાવે! આ માટે બીજું કંઈ જ કરવાનું નથી,માત્ર ભગવત ગીતા મુજબ ધર્મ અને સ્વધર્મને સમજી વિચારીને જીવવાનું નક્કી કરી એક સુંદર યુગનું નિર્માણ કરીએ. જય સીયારામ.

લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY