આદિવાસી અને પછાત વિસ્તારોના વિકાસ માટે સરકાર સતત પ્રયત્નશીલ છે ત્યારે અધિકારી-પદાધિકારીઓ પરસ્પર અને વ્યવહારૂ અભિગમ અપનાવી પાયાના પ્રશ્નો ઉકેલે તે જરૂરી

0
45

રાજયના મહેસૂલ મંત્રી અને તાપી જિલ્લાના પ્રભારી મંત્રી કૌશિકભાઇ પટેલની ઉપસ્થિતિમાં  તાપી જિલ્લાના વડામથક વ્યારા ખાતે આવેલી કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલમાં જિલ્લા સંકલન સમિતિ, જિલ્લા આયોજન સમિતિ, વિકેન્દ્રિત જિલ્લા આયોજન સમિતિ અને એટીવીટી યોજનાની સમીક્ષા બેઠક યોજાઇ હતી.

જિલ્લાના પ્રભારી મંત્રી કૌશિકભાઇ પટેલે જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓ સાથે વિચાર વિમર્શ કરતા જણાવ્યું હતું કે, જિલ્લાના તમામ અધિકારીઓ પદાધિકારીઓને  પરસ્પર સંકલન અને વ્યવહારૂ અભિગમ અપનાવી જિલ્લાને વિકાસની નવી ઉંચાઇએ લઇ જાય એવી કામગીરી કરવા અંગે જરૂરી રચનાત્મક સૂચનો કર્યા હતા. તેમણે વધુમાં આદિવાસી અને પછાત વિસ્તારોના વિકાસ માટે સરકાર સતત પ્રયત્નશીલ છે ત્યારે અધિકારી-પદાધિકારીઓ પરસ્પર અને વ્યવહારૂ અભિગમ અપનાવી પાયાના પ્રશ્નો ઉકેલવા વિકાસ કામો કરે તે જરૂરી છે.

જીલ્લા આયોજન સમિતિમાં ઉપસ્થિત પદાધિકારીઓ સાથે ચર્ચા કરતા પ્રભારી મંત્રી પટેલે જિલ્લા આયોજન સમિતિનો આશય સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, જિલ્લાના વિકાસને સ્પર્શતી તમામ બાબતો જિલ્લા આયોજન સમિતિ દ્વારા હાથ ધરવામાં આવે છે. જિલ્લાના વિકાસકીય યોજનાઓ સાથે સંકળાયેલા અધિકારીઓ દ્વારા જિલ્લાના વિકાસ માટે જરૂરી બાબતો અંગે ગહન વિચાર વિમર્શ કરી આયોજન તૈયાર કરીને સરકારને મોકલવામાં આવતું હોય છે. સમિતિની બેઠકમાં સમિતિના સભ્યોએ કયા ક્ષેત્રમાં કેટલું અનુદાન મળવું જોઇએ એ બાબતે સૂચનો કરવા માટે બેઠક બોલાવવામાં આવતી હોય છે. જિલ્લા આયોજન સમિતિની બેઠકમાં સાંસદ, ધારાસભ્યો અને અન્ય સભ્યોએ તેમના સૂચનો રજૂ કર્યા હતા.  મંત્રીએ તેમના સૂચનો આવકાર્યા હતા. સમિતિના સભ્યોએ ખાસ કરીને આદિજાતિ બહુલ તાપી જિલ્લામાં માળખાકીય સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય, પાીવાનું પાણી, રોજગાર, સિંચાઇ વગેરે બાબતોને પ્રાધાન્ય આપી વધુ નાણાકીય જોગવાઇ કરવાની રજૂઆત કરી હતી. જેને મંત્રીએ સ્વીકારી વધુ નાણકીય જોગવાઇ કરવાની હૈયાધારણ આપી હતી.

વિકેન્દ્રિત જિલ્લા આયોજન અને એટીવીટીની સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓને સંબોધતા પ્રભારી મંત્રીએ સરકારની આ બે મહત્વપૂર્ણ યોજનાઓ અંગે અમલીકરણ અધિકારીઓને ગંભીરતાપૂર્વક કામગીરી કરવા તથા ચુંટાયેલા સભ્યો દ્વારા કરવામાં આવતી રજૂઆતોને પ્રાધાન્ય આપી તાત્કાલિક ઉકેલ લાવવા સંબંધિત અધિકારીઓને તાકીદ કરી હતી. વધુમાં મંત્રી પટેલે જિલ્લામાં થતા વિકાસના કામો બાબતે દરેક અમલીકરણ અધિકારી ખાસ મોનીટરિંગ કરે એવી અપેક્ષા વ્યકત કરી કોઇ પણ કામનું આયોજન કરતી વખતે આયોજન સંપૂર્ણ થાય, કામોમાં ગુણવત્તા જળવાય તથા સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ થાય એનું વિશેષ ધ્યાન રાખવા સૌ અમલીકરણ અધિકારીઓને સૂચના આપી હતી.

બેઠકમાં જિલ્લા કલેકટર એન.કે ડામોર અને જિલ્લા વિકાસ અધિકારી જે.બી.પટેલે પણ જિલ્લાના વિકાસ માટે સૌ સાથે મળી સંપૂર્ણ નિષ્ઠાથી, સંપૂર્ણ ગુણવત્તાયુકત અને સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ થાય એ અંગે સૌને હાકલ કરી હતી.

બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ગજરાબેન ચૌધરી, સાંસદ પ્રભુભાઇ વસાવા, વ્યારાના ધારાસભ્ય પુનાજીભાઇ ગામીત, નિઝરના ધારાસભ્ય સુનિલભાઇ ગામીત, જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના ચેરમેનો, નાયબ વન સંરક્ષક આનંદકુમાર, જીલ્લા પોલીસ અધિક્ષક એન.એન.ચૌધરી, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.બી.વહોનિયા, પ્રાયોજના વહીવટદાર વિજયભાઇ પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.જે.નિનામા, ઉકાઇના અધિક્ષક ઇજનેર આર.એમ. પટેલ, માર્ગ અને મકાન(સ્ટેટ)ના કાર્યપાલક ઇજનેર એ.જી.વસાવા, પંચાયતના કાર્યપાલક ઇજનેર ચૌધરી, અન્ય કાર્યપાલક ઇજનેરો, વ્યારાના પ્રાંત તુષારભાઇ જાની, નિઝરના પ્રાંત યુ.એન.જાડેજા, જિલ્લા પુરવઠા અધિકારી શ્રીમતી રસિલાબેન રાયકા, જિલ્લા શિક્ષણાધિકારી એ.એચ.પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જે.એમ.પટેલ, જીલ્લા આયોજન અધિકારી પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતિ એન.પી.પાટડિયા, જિલ્લાના અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY