અમદાવાદ,તા.૨૦
અમદાવાદ શહેરના છેવાડાના બોપલ-ઘુમા વિસ્તારમાં આવેલ ડમ્પિંગ સાઈટમાં કચરા-સાફસફાઈ કોન્ટ્રાક્ટર દ્વારા કિશોરો પાસે બાળમજૂરી કરાવાતી હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. ચોંકાવનારી વાત તો એ છે કે ડમ્પિંગ સાઈટમાં કચરો ખસેડવા માટે જે ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે તે પણ કિશોરો ચલાવી રહ્યા છે. આ અંગે બોપલ-ઘુમા નગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ જાણતા હોવા છતાં આંખ આડા કાન કરે છે.
બાળમજૂરી કરાવવી એ સજાને પાત્ર ગુનો છે તો પણ ખાનગી સંસ્થાઓમાં તેમ જ નાનાં-મોટાં કારખાનાંઓમાં નાનાં બાળકો પાસે મજૂરી કરાવવામાં આવતી હોય છે, જાકે કોઈ સરકારી જગ્યામાં બાળમજૂરી કરાવવામાં આવતી હોય તો તેને કોણ અટકાવશે તે પ્રશ્ન છે ત્યારે બોપલ-ઘુમા વિસ્તારમાં આવેલા પલોડિયા રોડ પાસેના ખુલ્લા પ્લોટની ડમ્પિંગ સાઈટની કે જ્યાં શહેરભરમાંથી કચરો આવતો હોય છે તેમાંથી પ્લાસ્ટિક અલગ કરવા અને કચરાને ખસેડવા માટેની કામગીરી કિશોરો પાસે કરાવવામાં આવે છે. જેના બોલતા પુરાવા સમાન વીડિયો હાલ વાઈરલ થઇ રહ્યો છે, જેમાં બાળમજૂરીનો પર્દાફાશ થયો છે.
ડમ્પિંગ સાઈટમાં મજૂર ન હોય કે પછી ઓછા હોય તો કિશોરો કામે રાખીને પણ પ્લાસ્ટિત અને કચરો કાઢવાની કામગીરીને ચાલુ રાખવામાં આવે છે. સાઈટમાં કામ કરતા કિશોર કે પછી મજૂરને પૂરી મજૂરી પણ આપવામાં આવતી નથી તેમને રોજના ૧૭૦ રૂપિયા જેટલી મજૂરી આપવામાં આવેલ છે કોન્ટ્રાક્ટર દ્વારા કિશોરો પાસે મજૂરી તેમજ ભારે વાહનો દ્વારા કચરો હટાવવાની કામગીરી કરાવાય છે તે બોપલ વિસ્તારના સ્થાનિકો અધિકારીઓને અવારનવાર રજૂઆત કરી છે તેમ છતાં નગરપાલિકાના અધિકારીઓને જાણ હોવા છતાં આંખ આડા કાન કરી રહ્યા છે, જોકે હવે કોન્ટ્રાક્ટર સામે પોલીસ ફરિયાદ થાય છે કેમ તે જોવાનું રહ્યું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


