અમરેલી,તા.૩૦
૩૧ ડીસેમ્બરને હવે એક દિવસ બાકી છે. આવતીકાલે વર્ષનો અંતિમ દિવસ છે અને નવા વર્ષની શરૂઆત થશે ત્યારે દીવથી પાર્ટી કરી અન પરત આવી રહેલા ૨૬ શખ્સોને પોલીસે નશો કરેલી હાલતમાં ઝડપી લીધા છે. આમ ફકત કેન્દ્ર શાસિત પ્રદેશમાં દારૂ પીવાની છૂટ હોવાથી નશો કરી પરત આવવું ભારે પડી શકે છે.
અમરેલી જિલ્લાની રાજુલા પોલીસે રાજુલાના હિંડોરણા ચોકડી, ચારનાળા વિસ્તારમાં પોલીસ ચેકીંગ રાખ્યુ હતું ત્યારે અમદાવાદ અને વડોદરાના નશાખોરો પાર્ટી કરી પરત આવી રહ્યા હતા. સંઘ પ્રદેશ દીવ ગીર સોમનાથ જિલ્લાના સીમાડે આવેલું છે. દીવમાં કેન્દ્રનું શાસન હોવાથી આલ્કોહોલ વેચવાની અને પીવાની છૂટ છે પરંતુ દીવથી દારૂપીને પરત આવતા શખ્સોને ઝડપવા પોલીસે ખાસ તૈયારી કરી હોય તેવું જણાઈ રહ્યું છે.
પોલીસના ચેકીંગમાં એક સાથે ૨૬ નબીરા જુદા જુદા વાહનોમાંથી પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. પોલીસ તમામને ઝડપી અને રાજુલા પોલીસ સ્ટેશને લઈ જવાની કાર્યાવાહી કરી હતી. આવતીકાલે જ્યારે ૩૧ ડીસેમ્બરના રોજ રાજ્યના અનેક યુવાનો દીવમાં પાર્ટી કરવા માટે જશે ત્યારે પરત આવતા સમયે પોલીસ પકડી શકે છે. પોલીસે દીવના સરહદી જિલ્લાઓમાં ચોકી ગોઠવી અને વાહનોનું ચેકિંગ કરવાની કવાયત કરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





