થોડા દિવસ પહેલા મારે હસમુખ પટેલને મળવાનું થયું. આમ તો તેમનો અને મારો પરિચય બહુ જુનો છે પણ તેમને જ્યારે પણ કોઈ વ્યક્તિ લાંબા સમય પછી ફોન કરે અને પુછે કે હસમુખભાઈ કેમ છો? એટલે તેઓ કેમ છોનો જવાબ આપવાને બદલે તરત સામો સવાલ કરે તમે મને જ ફોન કર્યો છે કે પછી પૂર્વ શિક્ષણમંત્રી હસમુખ પટેલને ફોન કર્યો છે અને પછી ખડખડાટ હસી પડે. ગુજરાતના રાજકારણને નજીકથી ઓળખનારા બંને હસમુખ પટેલના નામથી પરિચીત છે. હું જે હસમુખ પટેલની વાત કરી રહ્યો છુ તે હસમુખ પટેલ દાંતા પાસેના એક નાનકડા ગામમાં પોતાની હેસીયત અને મિત્રોની મદદથી એક સેવા યજ્ઞ ચલાવે છે તે ત્યાં ગરીબ માણસો, વિદ્યાર્થીઓ અને હવે ઉનાળો હોવાને કારણે પશુઓની પણ ચિંતા કરે છે.
મુળ સર્વોદય પ્રવૃત્તી સાથે જોડાયેલા હસમુખભાઇ ખાદીધારી છે પણ આપણે જોયેલા ખાદીધારીઓ કરતા સાવ જુદા માણસ છે. આજે તેમને સરકાર અને સરકાર સાથે સંકાળાયેલા લોકો પસંદ કરતા નથી કારણ તેઓ કાયમ વંચીતો માટે લડે અને તેમના માટે જે કંઈ થાય તેના પ્રયત્નો કરતા રહે. ઘણા તેમને ભાજપ વિરોધી પણ માને છે. આવું જ કંઈક પ્રકાશ ન. શાહના કિસ્સામાં પણ છે, પ્રકાશ ન. શાહ પણ જાહેરમાં સરકાર વિરૂધ્ધ બોલો અને લખે, અહિયા મેં એક ખાસ શબ્દનો પ્રયોગ કર્યો જેમાં મેં સરકાર શબ્દનો પ્રયોગ કર્યો છે. ભાજપ નહીં, પણ છેલ્લા વીસ વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર હોવાને કારણે લોકોના મનમાં એક વાત ઘર કરી ગઈ છે કે તમે સરકાર સામે બોલો એટલે ભાજપ સામે જ બોલો છે. હસમુખ પટેલ અને પ્રકાશ ન. શાહ જેવા માણસો સરકાર એટલે વ્યવસ્થા સામે લડે છે.
આશ્ચર્ય તે વાતનું છે કે ઈન્દિરા ગાંધીએ દેશમાં કટોકટી નાખી ત્યારે હસમુખ પટેલ અને પ્રકાશ ન. શાહ જેવા તે વખતના અનેક યુવાનો જેમને આજે ભાજપ વિરોધી સમજવામાં આવે છે તે બધા ઈન્દિરા ગાંધીની કટોકટીનો વિરોધ કરવાને કારણે મહિનાઓ સુધી જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા, ત્યારે ભાજપનું અસ્તીત્વ ન્હોતુ નહીંતર કોંગ્રેસવાળા ત્યારે તેમને ભાજપવાળા જ માની લેતા. ખેર કોણ શુ માને છે તે મહત્વનું ક્યારેય હોતુ નથી, વાત અહિયા થોડીક જુદી છે. દાંતા જેવા આદિવાસી વિસ્તારમાં ગરીબો અને વંચિતો માટે કામ કરતા હસમુખ પટેલને જાઉ ત્યારે હ્રદયને ટાઢક પહોંચે છે. હું ક્રમશઃ માનવા લાગ્યો છું કે વ્યવસ્થા સામે લડવુ જોઈએ બોલવુ જોઈએ પણ વ્યવસ્થા સામે લડતાં લડતાં જિંદગી ખર્ચી નાખવાને બદલે આપણે સમાંતર કઈ રીતે બીજી વ્યવસ્થા ઉભી કરીએ અને લોકોની મદદથી કઈ રીતે બદલી શકાય અથવા તેમા સુધારો કઈ રીતે થઈ શકે તે દિશામાં પણ વિચારવુ જોઈએ.
આપણે ત્યાં વ્યવસ્થા (અહિયા ભાજપ-કોંગ્રેસની વાત નથી) સામે લડનાર અનેક લોકો છે. આપણે તેમને સલામ કરીએ છીએ, પણ મારો અનુભવ કહે છે, વ્યવસ્થા સામેની લડાઈ બહુ લાંબી હોય છે, પરિણામની શક્યતા બહુ ઓછી હોય છે. આ ઉપરાંત સરકારના ભરોસે બેસી શકાય તેવી સ્થિતિ પણ સારી નથી, આપણે ત્યાં અનેક સેવા યજ્ઞ કરનારા લોકો એવા છે જેઓ રાજ્યનાં કોઈ એક ખુણામાં સરકારની મદદ મળે તો પણ ઠીક અને ના મળે તો પણ ઠીક પોતાની ધુણી ધખાવી બેઠા છે. પછી તે અમદાવાદની મિત્તલ પટેલ નામની યુવતી જે ઘણા વર્ષોથી દેહ વ્યાપાર કરતી મહિલાઓ અને વિચરતી જાતિના લોકો માટે લડી ઝઘડી અને શ્રેષ્ઠીઓની મદદ લઈ પોતાનું કામ કરે છે. આ જ પ્રકારે મહારાષ્ટ્રમાં ડૉ પ્રકાશ આમટે( બાબા આમટેના પુત્ર) વર્ષોથી પિતાના પગલે જંગલ વિસ્તારમાં આદિવાસીઓની સેવા કરી રહ્યા છે. આ યાદી તો બહુ લાંબી છે.
આ તમામ લોકોએ સરકાર કંઈક કરશે અથવા સરકાર કંઈ જ કરતી નથી તેવુ માની વ્યવસ્થા સામે લડવાને બદલે જરૂર પડે ત્યાં વ્યવસ્થાનું ધ્યાન દોર્યુ, જરૂર પડે ત્યાં વ્યવસ્થા સામે આકરા પણ થયા પણ માત્ર વ્યવસ્થા સામે બંદુકો તાકી ઉભા રહેવાને બદલે એક નવી વ્યવસ્થા ઉભી કરી અને નાની નાની ઘટનાઓ દ્વારા તેમણે લોકોની જિંદગીમાં નોંધપાત્ર બદલાવ જાયો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


