બનાસકાંઠા,તા.૬
રાજસ્થાનના જેસલમેરના કેટલાક ગામોમાં તીડના આક્રમણ બાદ હવે બનાસકાંઠાના રણકાંઠામાં તીડનું આક્રમણ થતાં ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે. સરહદી પંથક વાવ અને સુઈગામમાં તીડના આક્રમણથી તીડ નિયંત્રણ વિભાગ હરકતમાં આવી દવાનો છંટકાવ કરવા લાગ્યું છે. ૨૬ વર્ષ બાદ બનાસકાંઠામાં તીડનું આક્રમણ જોવા મળતા તંત્ર નિયંત્રણ માટે પ્રયાસો હાથ ધર્યો છે.
છેલ્લા કેટલાક દિવસથી ભારત પાકિસ્તાન સરહદ પરના ખારા રણના જેસલમેરથી બનાસકાંઠા સુધીના અફાટ રણ વચ્ચે પાકિસ્તાનથી આવેલા તીડના આક્રમણની દહેશત સેવાઈ છે. થોડા દિવસ અગાઉ જેસલમેર નજીકના ૯૦થી વધુ ગામોમાં તીડની અસર જોવા મળતા ત્યાં તંત્ર યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે.
ત્યારબાદ અઠવાડિયા અગાઉ વાવ તાલુકાના લોદ્રાણી અને અસારા ગામના રણવિસ્તારમાં છુટા છવાયા તીડ જોવા મળ્યા બાદ હવે સુઈગામમાં તીડ આવતા ખેતીવાડી વિભાગ દ્વારા લોકેશન મેળવી લેવાયાં બાદ તીડ નિયંત્રણ વિભાગ દ્વારા દવા છંટકાવ કામગીરી કરી નાશ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
રણકાંઠાના ગામોમાં જ્યાં પણ તીડ જેવી જીવાત દેખાય કે તરત તલાટી, સરપંચ, મામલતદાર, ગ્રામસેવક કે ખેતીવાડી વિભાગને જાણ કરવા ખેડૂતોને સૂચના અપાઈ છે. બીજી બાજુ જો વરસાદ થાય તો તીડ નાશ પામે છે. તીડના સંભવિત આક્રમણથી ખેડૂતોને કોઈ નુકસાન નથી પરંતુ તીડ નિયંત્રણ વિભાગ દ્વારા હાલમાં ૨ ટીમ બનાવી અસરગ્રસ્ત વિસ્તારોમાં દવાનો છંટકાવ શરૂ કરી ખેડૂતોને નુકશાન માંથી બચાવવા પ્રયાસો હાથ ધર્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



