બનાસકાંઠા,તા.૧૧
ગુજરાત સહિત રાજસ્થાનમાં પણ ઉનાળો તેના આકરા મિજાજનો પરિચય આપી રહ્યો છે. કચ્છ અને રાજસ્થાનમાં વસતા માલધારીઓને પોતાનાં માલઢોર સાથે જીવવું વસમું બન્યું છે. પાણી અને ઘાસ ચારાની તંગીનાં કારણે હવે હિજરત કરવાની ફરજ પડી છે. હાલમાં આવા માલધારીઓ તેમના પશુઓ સાથે હિજરત કરી આમ તેમ ભટકી તેમનું અને પશુઓનું જીવન ગુજારી રહ્યા છે.
ગયા ચોમાસામાં વરસેલા અપુરતા વરસાદે સમગ્ર ગુજરાત સહિત રાજસ્થાનના પશુપાલકોને ભારે મુશ્કેલીમાં મૂકી દીધાં છે. ચોમાસા બાદ શિયાળાનાં દિવસો તો જેમ તેમ પસાર થયાં પરંતુ હવે ઉનાળામાં આ માલધારીઓને પોતાનાં માલઢોર સાથે જીવવું દુષ્કર બની રહ્યું છે. કચ્છ અને રાજસ્થાનમાં હાલના ઉનાળામાં ક્યાંય લીલું તો ઠીક સૂકાં ઘાસનું તણખલું પણ જોવાં મળતું નથી. આ સ્થિતિમાં માલધારીઓમાં પશુઓ માટે ઘાસચારાની અને પાણીની ચિંતા પેઠી છે. ત્યારે ઘાસચારો અને પાણીની શોધમાં ૪૦ જેટલાં માલધારી પરિવારો પોતાનાં ૫૦૦૦ જેટલા માલઢોર સાથે બનાસકાંઠામાં આવી પહોંચ્યા છે.
રાજસ્થાનથી પોતાના પશુઓ સાથે માલધારીઓ હિજરત કરી બનાસકાંઠામાં વસવાટ કરી રહ્યા છે. માલધારીઓ હવે માંડ-માંડ પોતાનું અસ્તિત્વ ટકાવી ટકાવી રહ્યાં છે. એક તરફ અપુરતો વરસાદ અને ઘાસચારો અને બીજી તરફ પાલતું માલઢોરનાં ભુખ-તરસનાં નિસાસા. આ બધાં વચ્ચે કેટલા પશુઓ સાથે તેઓ પોતાના પરત ફરશે તે પણ તેઓને ખબર નથી. બનાસકાંઠાના ડીસા આજુબાજુમાં હિજરત કરી આવેલા માલધારીઓ તેમના પરિવાર સાથે ખુલા આકાશ અને નીચે ધરતી વચ્ચે દિવસો પસાર કરી રહ્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



