બે વિભાગો વચ્ચે ધક્કા ખવડાવાતા ચાર દિવસની બાળકીનું મૃત્યુ નીપજ્યું

0
4

બરેલી,તા.૨૦
પશ્ચિમ ઉત્તર પ્રદેશના બરેલીની સરકારી હોસ્પિટલના બે વિભાગોમાં ત્રણ કલાક કરતા પણ વધારે સમય સુધી ધક્કા ખાધા પછી આખરે ચાર દિવસની બાળકીએ અંતિમ શ્વાસ ભર્યા હતા. ઉર્વશી નામની બાળકીનો જન્મ ૧૫ જૂન, શનિવારના રોજ એક પ્રાઈવેટ હોસ્પિટલમાં થયો હતો. બુધવારે તેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. ત્યારબાદ પરિવાર તેને સારવાર કરવા માટે બરેલી શહેરની સરકારી હોસ્પિટલમાં લઈ ગયો હતો.
પરિવાર બાળકીને સરકારી હોસ્પિટલમાં પુરુષ વિંગમાં લઈને ગયો હતો જ્યાં ફરજ પર હાજર ડોક્ટર્સે બાળકીની તપાસ કરાવવાનો ઈનકાર કર્યો હતો અને તેને મહિલા વિંગમાં લઈ જવા માટે કહ્યું હતું. જેથી પરિવાર તેને મહિલા વિંગમાં લઈ ગયો હતો. મહિલા વિંગમાં પહોંચતા ત્યાં હાજર ડોક્ટર્સે કહ્યું કે અહીં બેડની અછત હોવાના કારણે તમે બાળકીને પુરુષ વિંગમાં જ લઈ જાઓ. લાચાર પરિવાર ડોક્ટર્સના કહ્યા પ્રમાણે તેને ફરીથી પુરુષ વિંગમાં લઈ ગયા. પરંતુ ત્યાં પણ ડોક્ટર્સે બાળકીને દાખલ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી.
બાળકીની દાદી કુસમા દેવીએ જણાવ્યું કે, ‘અમે લોકો ત્રણ કલાક સુધી એક વિભાગમાંથી બીજા વિભાગમાં ફરતા રહ્યા કારણકે ડોક્ટર્સે અમારી દીકરીને દાખલ કરવાની ના પાડી દીધી હતી. આખરે કંટાળીને અમે તેને ઘરે પાછી લઈ જવાનો નિર્ણય કરી લીધો હતો. અમને ખબર હતી કે અમારી દીકરી ખૂબ જ બીમાર છે પરંતુ ડોક્ટર્સના આવા ખરાબ વ્યવહાર સામે અમે લાચાર હતા જેથી કંટાળીને અમે અમારી દીકરીને ઘરે લઈ જઈ રહ્યા હતા પરંતુ હોસ્પિટલની સીડીઓમાં જ તેણે અંતિમ શ્વાસ ભર્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY