ભર ઉનાળે અમદાવાદમાં નર્મદાના જળથી સાબરમતી બે કાંઠે અને ભરૂચમાં નર્મદા નદી સૂકી ભઠ !

0
18

સરદાર ડેમની ઊંચાઈ વધારી ગણતરીના સમયમાં કામપૂર્ણ કરી આપણે છાતી ફુલાવી ગૌરવ લઈએ છીએ પણ તેની ઘાતક અસરો સામે આંખ આડા કાન કરીએ છીએ. સરદાર ડેમની ઊંચાઈ વધારી નર્મદા નદીને આપણે ગળે ટુંપો દઈ રીતસર હત્યા કરી છે. એક રણ પ્રદેશને હરિયાળો બનાવવા અને અમદાવાદીઓ નદી કિનારે મોજ માણી શકે એટલા માટે નર્મદાના જળ ત્યાં લઈ ગયા એમાં એક આખો હરિયાળો પ્રદેશ આજે રણ બની રહ્યો છે. ભર ઉનાળે અમદાવાદમાં સાબરમતી નર્મદાના જળથી બે કાંઠે લહેરાય છે. રોજ સાંજ પડે અમદાવાદીઓ રિવરફ્રન્ટ પર ફરવા જાય છે. ઉજાણી કરે છે. આનંદથી છલકાય છે. પરંતુ સાબરમતીને બે કાંઠે કરવામાં અને સૂકા પ્રદેશને હરિયાળા બનાવવાની લ્હાયમાં મૂળ નર્મદા નદીને મૃતઃપાય બનાવી છે. એક સમયે જ્યાં નર્મદા બે કાંઠે વહેતી હતી. બન્ને કાંઠે હરિયાળી હતી માનવી સહિત પશુ પક્ષીઓ કિલ્લોલ કરતા હતા. જ્યાં વૃક્ષો વૃધ્ધિ પામતા, જેના કિનારે ખેતરો પાકથી લહેરાતા હતા, જેના વહેતા જળમાં સ્નાન કરી કિનારે આવેલ શિવાલયોમાં દર્શન કરી શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવતા, જેની પવિત્રતા અને વૈભવ જોઈ સ્ત્રોત, ભજન, કાવ્યો અને ગાથાઓ લખાઈ , જેને બે કાંઠે વહેતી જોઈ મન શ્રદ્ધા અને ઉત્સાહથી છલોછલ થઈ જતું, હૃદયમાંથી શાંતિનું ઝરણું વહેતુ થઈ જતું ત્યાં પવિત્ર સલીલ નર્મદાની આજની દયનીય હાલત જોઈને ગુજરાતી અને તેમાં પણ ખાસ કરીને નર્મદા અને ભરૂચ જિલ્લાના શ્રદ્ધાળુઓનું હૃદય ફાટી જાય છે. એક હરિયાળો પ્રદેશ રણ બની રહ્યો છે. બે કાંઠે વહેતી નર્મદા સૂકીભઠ બની છે. માનવ સહિત પશુ–પક્ષી પાણી માટે વલખાં મારે છે. વૃક્ષો અકાળે અવસાન પામી રહ્યા છે. હરિયાળો પ્રદેશ વેરાન બની રહ્યો છે. એક સમયે જ્યાં નાવ અને બોટ સિવાય એક કાંઠે થી સામા કાંઠે જવાતું જ ના હતું ત્યાં નર્મદા નદીમાં પાણીના અભાવે લોકો ચાલતા આવ–જા કરે છે. એક માત્ર અમદાવાદીઓને ખુશ રાખવા અને સૂકા પ્રદેશને હરિયાળો બનાવ નર્મદા કિનારે પ્રકૃતિના મોતનું જાણે તાંડવ થઈ રહ્યું છે અને છતાં નર્મદા કિનારે વસનારાઓ નર્મદા નદીને જીવંત રાખવામાં ઉણા ઉતરી રહ્યા છે. નર્મદા નદીના ચીર (નીર ) હરણ કરનારાઓનું પાપ છાપરે ચડીને પોકારશે ત્યારે કુદરતની કોઈ શક્તિ તેમની અવદશાને અટકાવી શકશે નહીં.

એક તરફ સોશિયલ મિડિયા પર દેશભક્તિની વાતો કરી પોતાને રાષ્ટ્રભક્ત માનનારા આપણે સૌ ભારતની ધાર્મિક, આર્થિક, સામાજીક, ભૌગોલિક અને પર્યાવરણીય સંસ્કૃતિ ગણાતી પવિત્ર સલિલ નર્મદા નદીની સરેઆમ હત્યા થાય અને આપણે અવાજ પણ ના ઉઠાવી શકીએ ! નજર સામે જ નર્મદા નદીને દિન–પ્રતિદિન મરતા જોઈએ, નજર સામે જ હરિયાળા પ્રદેશને રણ બનતો જોઈએ, નજર સામે જ જીવ સૃષ્ટિનો નાશ થતો જોઈએ અને સોશ્યલ મીડિયા પર રાષ્ટ્રભક્તિના બણગા ફૂંકી ખોખલી બની ગયેલી છાતીને પ૬’’ ની બતાવી દેશભક્ત ગણાવનારા આપણે બધા જ નમાલા છે.
ભારતની સરહદ પર ફટાકડા ફૂટે તો પણ પાકિસ્તાનને ભરપેટ ગાળો આપી દેશભક્તિની ડિંગો હાંકનારાઓ બધા નર્મદાની અવદશા પર હરફ ઉચ્ચારતા નથી. આપણે આપણા કુદરતી સંસાધનો પણ બચાવી શકતા નથી, અથવા બચાવવાની ઈચ્છા શક્તિ ધરાવતા નથી. આ સૌથી મોટો રાષ્ટ્રદ્રોહ છે.

તાજેતરમાં જ ભરૂચમાં વિવિધ સંસ્થાઓએ એકઠા થઈ નર્મદા નદીને જીવંત રાખવા માટે સરકારમાં રજૂઆતો કરવા સાથે સુપ્રિમકોર્ટ સુધી જવાનો હુંકાર કર્યો હતો. પરંતુ આ બધામાં સૌથી વયોવૃધ્ધ એવા બદ્રીભાઈ જોષીએ જ હણહણતા નૌજવાન જેવો હુંકાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘નર્મદાને જીવંત રાખવા માટે પત્રો લખવા… માંગણીઓ કરવી… આ બધું તો ઠીક પરંતુ જો નર્મદાને જીવંત રાખવી હશે તો આપણે જાતે જ ત્યાં દોડી જઈ સરદાર ડેમના દરવાજા ખોલી નાંખવા પડશે. નર્મદાને જીવંત રાખવા આવી ખુમારી નર્મદા કાંઠે વસનારઓમાં ક્યારે આવશે તે જોવું રહ્યુ. બીજી બાજુ લોકસભાની ચૂંટણી લડતા ભાજપના ઉમેદવાર મનસુખભાઈ વસાવા પ્રજાના હિત માટે પક્ષ સામે પણ બાખડતા અચકાતા નથી. તેમણે પણ પ્રચાર દરમ્યાન હુંકાર કર્યો છે કે ચૂંટાયા પછી પહેલું જ કામ નર્મદા નદીને જીવંત કરાવવા માટેનું કરીશ. મનસુખભાઈ વસાવા ચૂંટાયા પછી તેમના વચનને વળગી રહી પ્રજાના સહયોગમાં નર્મદા નદીને જીવંત રાખવા મેદાનમાં ઉતરશે તો કદાચ આ દેશભક્તિનું સૌથી મોટું કાર્ય હશે.

જગદીશ પરમાર
94271 16916

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY