ભૂજ,તા.૨૨
કચ્છ જિલ્લામાં વર્ષે ચાર-પાંચ લોકોનાં મોત થતાં હોય તેવા ગંભીર દુર્ઘટનાઓના બનાવો સમયાંતરે બની રહ્યા છે. જેમાં તંત્રની લાપરવાહી, ઓવરલોડ વાહનો, માર્ગનાં અધૂરાં કામો, આરટીઓ નિયમોનો ખુલ્લેઆમ ભંગ સહિતના કારણે પણ ગંભીર અકસ્માતો સર્જાય છે. તેમ છતાં તંત્રના પેટનું પાણી હલી રહ્યું નથી. વર્ષ ૨૦૧૮માં તો કચ્છના માર્ગો પર ત્રણ મોટા અકસ્માતો થયા હતા. જે સિલસિલો ચાલુ વર્ષે પણ જારી રહ્યો હતો. દોઢ વર્ષમાં કચ્છના માર્ગો પર મોટા અકસ્માતોમાં ૭૦થી વધુ લોકોનાં મોત થયાં હતાં. ૧૪ જાન્યુઆરી ૨૦૧૮થી ૧૫ જુલાઈ ૨૦૧૯ સુધીમાં કચ્છમાં ગોઝારા અકસ્માતોમાં ધોરાજીના ૯ યુવકોનાં મોત, ગાંધીધામના ૪ લોકોનાં મોત, શિકરા પાસે ૧૦ લોકોનાં મોત, કનૈયા નજીક ૩ લોકોનાં મોત, દેશલપર વાંઢાય નજીક ૬ ખેતમજૂરોનાં મોત, ભચાઉના ૪ લોકોનાં મોત, પ્લાંસવા અને માખેલ હાઈવે પર ૪નાં મોત, મંગવાણા-ગઢશીશા રોડ પર ૩નાં મોત, ભુજના ૧૦ લોકોનાં મોત, ભુજના ધાણેટી પાસે ત્રણનાં મોત, અંજારના સીનુગ્રા પાસે ત્રણનાં મોત, અરલનાની ગામ પાસે ત્રણનાં મોત અને માનકૂવા પાસે અકસ્માતમાં ૧૧ લોકોમાં મોત થયાં હતાં.
કચ્છમાં સર્જાતા અકસ્માતો પાછળનુ એક કારણ માર્ગોના અધુરા કામો છે. અનેક મહત્વપૂર્ણ માર્ગોના કામ વર્ષોથી અટકેલા છે. તેમ છતાં સરકાર કોઇ અસરકારક કામગીરી કરી રહી નથી. ભુજ-ભચાઉ માર્ગ, ગાંધીધામ-મુન્દ્રા માર્ગનું વર્ષોથી કામ અધૂરું છે. ભૂજોડી ઓવરબ્રીજના અધૂરાં કામમાં તો સરકારના તમામ દાવા ખોટા સાબિત થયા છે. કચ્છના માર્ગો પર સુરક્ષાનો અભાવ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


