છોટાઉદેપુર,તા.૧૫
ગાંધીના ગુજરાતમાં દારૂબંધીને લઇ વિવાદ વકરી રહ્યો છે ત્યારે પોલીસ પણ એક્સન મોડમાં આવી ગઇ છે અને ઠેરઠેર દરોડા પાડી રહી છે. જેમા રાજ્યના ગણા વિસ્તારોમાંથી પુષ્કળ પ્રમાણમાં દારૂનું વેચાણ થતુ હોય તેવું પણ પુરવાર થઇ રહ્યું છે. રાજ્યમાં દારૂબંઘીનો કડક પણે અમલ થાય તે માટે ગુજરાત પોલીસે કડક વલણ અપનાવ્યું છે. પરંતુ આવી સ્થિતિ વચ્ચે છોટાઉદેપુર એક શાળામાં શિક્ષક પોતે દારુ પીને નશામાં ધૂત ક્લાસ રૂમમાં સુઇ ગયો હતો. છોટાઉદેપુ જિલ્લાના બોડેલી તાલુકાના કઠમાંગવા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક દારુ ઢીંચીને નશામાં ધૂત બની શાળામાં જ સુઇ ગયો હતો. નવાઇની વાત તો એ છે કે દરમિયાન શાળામાં પરીક્ષા ચાલી રહી હતી. એક બાજુમાં નાના ભુલકાઓ પરીક્ષા આપી રહ્યા હતા અને બીજી બાજુ શિક્ષક નશો કરીને સુઇ ગયો હતો.
શિક્ષક એટલો નશામાં હતો કે તે ઊભો થવાની હાલતમાં નહતો. ગ્રામજનોએ શિક્ષકને ઉઠાડવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે ભારે નશામાં હોવાથી ગામલોકોના પ્રશ્નોના જવાબ આપવા અસમર્થ હતો. જોકે તેણે બાદમાં ગ્રામજનોને કહ્યું કે, તે બીમાર છે જેથી તે સૂઇ ગયો છે. પરંતુ શાળાના કેમ્પસમાં પણ ક્લાસરૂમની બહાર દેશી દારૂની કોથળીઓ મળી આવી હતી. માત્ર આટલું જ નહીં શિક્ષકે પોતે દારૂ પીધો હોવાની પણ કબૂલી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો હતો.
હવે આ મામલે છોટાઉદેપુરની કઠ માંડવાની શાળાના શિક્ષકને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. પ્રાથમિક શિક્ષણ નિયામકે આરોપી શિક્ષકને સસ્પેન્ડ કર્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



