લંડનની કંપનીને મંજૂરી મળી
ભાવનગર,તા.૧૦
ભાવનગર માટે સતત નકારાત્મક અહેવાલો વચ્ચે એક આશાનું કિરણ જન્મ્યું છે. સમગ્ર વિશ્વનું સૌપ્રથમ કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (સીએનજી) ટર્મિનલ ભાવનગર પોર્ટ નજીક રૂપિયા ૧૯૦૦ કરોડના ખર્ચે યુનાઇટેડ કિંગડમ (યુ.કે.)ની એક કંપની દ્વારા બનાવવાની યોજનાને ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલોપમેન્ટ બોર્ડ (જીઆઇડીબી) દ્વારા મંજૂરી પણ આપવામાં આવી છે. આ અંગે લંડનની કંપનીએ મંજૂરી પણ આપી દીધી છે.
યુ.કે.માં હેડક્વાર્ટર ધરાવતી કંપની ફોરસાઇટ ગ્રુપ સર્વિસીઝ લિમિટેડ અને અમદાવાદની પદમનાભ મફતલાલ ગ્રુપ દ્વારા ભાવનગર પોર્ટ નજીક નવું પોર્ટ ટર્મિનલ બનાવવામાં આવશે. લંડન સ્થિત કંપનીએ ગુજરાત મેરિટાઇમ બોર્ડ (જીએમબી) સાથે વાયબ્રન્ટ ગુજરાતની ૨૦૧૯ની આવૃત્તિ દરમિયાન ગુજરાતના દરિયાકાંઠે સીએનજી ટર્મિનલ બનાવવા માટેના કરાર કર્યા હતા. પ્રસ્તાવિત પોર્ટ ટર્મિનલથી વાર્ષિક ૬૦ લાખ મેટ્રિક ટન કાર્ગો હેન્ડલિંગ કરવામાં આવશે. ભાવનગર પોર્ટ દ્વારા ગત વર્ષે ૩૧ લાખ ટન કાર્ગોનું હેન્ડલિંગ કરવામાં આવ્યું હતું. જે ઇતિહાસમાં સૌથી વધુ હતું. નવું ટર્મિનલ બનવાથી ભાવનગર બંદરનો વિકાસ રોકેટ ગતિએ થશે.
ભાવનગર બંદરની નોર્થ ક્વે જેટી પર નવો પ્રોજેક્ટ આકાર લેશે, જ્યારે દક્ષિણ દિશામાં આવેલી કોંક્રિટ જેટી પર વર્તમાન વ્યવસ્થાથી કાર્ગો હેન્ડલિંગ ચાલુ રહેશે.
જીએમબીના ગાંધીનગર સ્થિત સૂત્રોના જણાવ્યા પ્રમાણે કુલ ૧૯૦૦ કરોડના પ્રોજેક્ટ પૈકી પ્રથમ ચરણમાં રૂપિયા ૧૩૦૦ કરોડ અને દ્વિતિય ચરણમાં ૬૦૦ કરોડનો ખર્ચ કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા પ્રોજેક્ટને મંજૂરી આપી દેવામાં આવી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



