દાહોદ,તા.૧૩
રાજ્યમાં ચોમાસું અંતિમ તબક્કામાં પહોંચ્યું હોવા છતાં વરસાદ વિરામ લેવાનું નામ નથી લેતો. આજે વહેલી સવારથી રાજ્યમાં વરસાદી માહોલ યથાવત જોવા મળ્યો છે. રાજ્યના મધ્ય ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં સવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારે ૬.૦૦ વાગ્યાથી ૮.૦૦ વાગ્યા સુધીમાં રાજ્યનાં દાહોદ જિલ્લામાં અનરાધાર ૪ ઇંચ વરસાદ વરસ્યો છે. દાહોદ શહેરમાં બે કલાકમાં ૪ ઇંચ તો જિલ્લાના સંજેલીમાં ૨ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.
દાહોદ ઉપરાંત મધ્ય ગુજરાતના પંચમહાલ અને મહિસાગર જિલ્લામાં પણ વરસાદ વરસ્યો છે. પંચમહાલના મોરવા હડફમાં બે કલાકમાં ૧.૨ ઇંચ વરસાદ વરસ્યો છે જ્યારે મહિસાગારના કડાણામાં બે કલાકમાં ૧.૫ ઇંચ વરસાદ વરસ્યો છે. ઉપરાંત દાહોદ જિલ્લાના સિંગવડમાં એક, ગરબાડામાં એક ઝાલોદમાં પોણો ઇંચ વરસાદ વરસ્યો છે. રાજ્યનાં ૬ તાલુકામાં સવારે ૬.૦૦થી ૮.૦૦ વાગ્યા સુધીમાં એકથી ચાર ઇંચ વરસાદ વરસ્યો છે.
ભારે વરસાદના કારણે ગઈકાલે રાત્રે દાહોદ એસ.ટી. મથકની બહાર ખૂબ પાણી ભરાયું હતું જ્યારે આજે સવારે રેલવે ટ્રેક પર પણ પાણી ભરાયું છે. રાજ્યનાં ૧૦ તાલુકામાં સવારે બે કલાકમાં ૧૦ મિ.મીથી ૪ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આવર્ષે રાજ્યનો એક પણ તાલુકો કોરો રહ્યો નથી. ઉત્તર ગુજરાતને બાદ કરતાં રાજ્યના તમામ ખૂણે ૧૦૦ ટકા કરતાં વધારે વરસાદ વરસ્યો છે.૦
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



