દ્વારકા,તા.૨૫
રાજ્યભરમાં આઠમનું પર્વ ભારે આનંદો ઉલ્લાસથી ઉજવવામાં આવ્યું હતું. સુપ્રસિદ્ધ દ્વારકાધીશનું મંદિર, ડાકોરનું રણછોડરાયનું મંદિર, શામળાજીનું મંદિર, રાજકોટ તેમજ સમગ્ર સૌરાષ્ટ્ર સહિત અમદાવાદ શહેરના ઈસ્કોન મંદિરો, સોલા ભાગવત તેમજ હવેલીઓને રંગબેરંગી રોસનીઓ કરીને શણગારવામાં આવી હતી. તમામ મંદિરો નંદઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કીના જય ઘોસ સાથે ગુજી ઉઠયા હતા. સૌરાષ્ટ્રમાં આઠમનું વિશેષ મહાત્મ્ય છે. સૌરાષ્ટ્ર આખું કૃષ્ણમય બની ગયું હતું અને લોકો આઠમની મજા અને રજા માણવા લાગ્યા હતા.
રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ, પોરબંદર, સુરેન્દ્રનગર, મોરબી, ઉપલેટા, જસદણ, વાંકાનેર, સહિતના ગુજરાતભરના શહેરમાં કૃષ્ણજન્મોત્સવ ઉજવવા લોકોમાં થનગનાટ જોવા મળી રહ્યો હતો. સોમનાથ (પાટણ) અને દ્વારકા ઘેલા સોમનાથ જડેશ્ર્વર, રફાળેશ્ર્વરના ધાર્મિક સ્થળોએ લોકોની ભીડ જોવા મળી રહી હતી. જામનગર, રાજકોટ સહિત અનેક શહેરોમાં લોકમેળાઓ યોજાય છે. રાજકોટમાં વિશ્ર્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા છેલ્લાં ૩૩ વર્ષથી પરંપરાગત યાત્રાનું આયોજન કરવામાં આવે છે. એકાદ મહિનાથી વિવિધ સમિતિના સભ્યો, હોદ્દેદારો, કાર્યકરો કાર્ય કરી રહ્યા છે. વિવિધ સમાજ દ્વારા ઠેર ઠેર રથયાત્રાનું સ્વાગત ઉમળકાભેર કરવામાં આવ્યું હતું. અનેક મંડળો, સંસ્થા, ગૃપ દ્વારા શરબત પાણી પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
દેવભૂમિ દ્વારકામાં શનિવારે જન્માષ્ટમીના ૫૨૪૬મા કૃષ્ણજન્મોત્સવના વધામણાં કરવા દોઢ લાખ ભાવિકો દ્વારકામાં ઊમટી પડયા હતા. સર્વત્ર કૃષ્ણમય માહોલ છવાયો હતો. હજારો ભાવિકો પવિત્ર ગોમતી સ્નાન કરી ધન્યતા અનુભવી હતી.
દ્વારકામાં કૃષ્ણજન્મોત્સવના પવિત્ર દિવસે દર્શનના સમયમાં વધારો કરાતાં મોટી સંખ્યામાં ભાવિકોઓએ દર્શનનો લાભ લીધો હતો. દ્વારકામાં સમગ્ર દિવસ દરમિયાન ચાર વખત આરતી કરવામાં આવે છે. જેમાં ભગવાન દ્વારકાધીશની પ્રથમ મંગળા આરતીનું અનેરું મહત્ત્વ છે, અહીં પૂજારી પરિવાર દ્વારા જે રાત્રીના શયન વખતે દર્શન હોય છે એ જ સવારે કરાવવામાં આવે છે અને આ દર્શનને વિશ્ર્વરૂપ દર્શન ગણવામાં આવે છે. આ દર્શનથી ભક્તની સર્વ મનોકામના પૂર્ણ થાય છે. જેથી મોટી સંખ્યામાં ભાવિકોએ વહેલી સવારથી મંદિરમાં ભારે ભીડ જમાવી હતી. લોકો ગોમતી નદીમાં સ્નાન કરવા જાય છે, અહીં જેટલું ગંગા, યમુના, સરસ્વતી નદીનું મહત્ત્વ છે એટલું જ મહત્ત્વ ગોમતી નદીનું છે. ભારે ભીડના કારણે દ્વારકામાં જન્માષ્ટમીના બંદોબસ્તમાં એસપી સહિત ૯૫૫ જવાન બંદોબસ્ત અર્થે ખડેપગે તહેનાત કરાયા હતા અને વાહનોને મંદિરને જોડતા માર્ગો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો તથા કેમેરાથી રાઉન્ડ ધી ક્લોક મોનિટરિંગ તથા જગત મંદિરની અંદર સાદા ડ્રેસમાં મહિલા પોલીસ તથા પુરુષ જવાનો તહેનાત કરવામાં આવ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


