ગાંધીનગર,તા.૨૨
રાજ્ય વિધાનસભાની છ ખાલી બેઠકોની પેટાચૂંટણીમાં અમદાવાદની અમરાઈવાડી બેઠક પર થયેલા સૌથી ઓછા મતદાને ભાજપની ચિંતા વધારી છે. પેટા ચૂંટણીમાં તમામ છ બેઠકોની જીતનો દાવો કરનાર ભાજપના નેતાઓ આંબાવાડી બેઠક પર થયેલા ઓછા મતદાનથી માથું ખંજવાળતા થયા છે અને તેની તપાસમાં પડી ગયા છે તે ઓછું મતદાન થવા પાછળ ભાજપના જ કયા પરિબળોએ ભાગ ભજવ્યો છે.
ભાજપના કોર ગૃપના સભ્યો ચૂંટણીમાં થયેલા મતદાનની સમીક્ષા કરશે અને લોકસભાની ચૂંટણી કરતાં વિધાનસભાની પેટાચૂંટણીમાં સંગઠનની વધુ તાકાત કામે લાગી હોવા છતાં અમરાઈવાડીમાં કેમ ઓછું મતદાન થયું તેના નિષ્કર્ષ પર આવવા જુદા જુદા મુદ્દાઓને લઇ ઝીણું કાંતવાનો પ્રયાસ કરશે દોષનો ટોપલો સ્થાનિક કાર્યકરો પર નાખી બે-ચારને પક્ષમાંથી સસ્પેન્ડ કરવા સુધીના પણ પગલા ભરાય તો નવાઇ પામવા જેવું નહી હોય તેમ પણ સૂત્રો જણાવી રહ્યા છે.
ભાજપના આંતરિક સૂત્રોના જણાવ્યા મુજબ આજે સવારના ૧૧થી સાંજના પાંચ સુધી ચાલનારી આ બેઠકમાં પ્રદેશ સમિતિના સભ્યો ઉપરાંત જે તે જિલ્લાના તાલુકા સમિતિના હોદ્દેદારો પણ હાજર રહેશે. આ બેઠકમાં ભાજપના સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા સ્થાનિક સમિતિઓની રચનામાં વિધાનસભાની પેટાચૂંટણીઓને કારણે થયેલા વિલંબ બાદ હવે સંગઠન પર્વની સંરચના પ્રક્રિયાને ઝડપભેર આગળ ધપાવવા પ્રદેશ બેઠકમાં સુચના આપી માર્ગદર્શન આપશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


