ગાંધીનગર,તા.૧૬
નર્મદા ડેમની ઊંચાઈ વધાર્યા બાદ અને મેઘમહેરથી સરદાર સરોવર ડેમ તેની મહત્તમ ઉંચાઈ પર આંબી ગયો છે. તેથી રાજ્ય સરકાર નમામિ દેવી નર્મદે મહાઉત્સવની ઉજવણી કરશે. આજે પીએમ મોદીનો જન્મદિવસ છે. જેને લઈને કેવડિયા કોલીની ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં નમામિ દેવી નર્મદે મહાઉત્સવની ઉજવણી કરવામાં આવશે. રાજ્યસરકાર સમગ્ર કાર્યક્રમને લઈ તડામાર તૈયારીઓ કરી રહી છે.
વહેલી સવારે માતા હીરાબાના આર્શીવાદ લીધા બાદ સવારે ૮ વાગ્યે પીએમ મોદી કેવડિયા પહોંચશે. જ્યાં તેઓ સરદાર સરોવર ડેમ જઈને નર્મદા મૈયાના વધામણાં કરશે. પીએમ મોદીના કાર્યક્રમને લઈને કેવડીયામાં તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. પીએમ મોદી એક જાહેર સભાને સંબોધન કરવાના છે. ત્યારે નર્મદા ડેમની સામે જ સભાનું આયોજન કરાયું છે. પીએમના આગમન પહેલા સમગ્ર ડેમ વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો છે.
આજે યોજાનાર *નમામિ દેવિ નર્મદે મહોત્સવ* કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રીઓ, બોર્ડ નિગમોના અધ્યક્ષો અને જાણીતા કલાકારો ઉપસ્થિત રહેશે. ગુજરાતાના લોકગાયકો પણ આ કાર્યક્રમમાં મહેમાન બનશે. રાજ્યના મંત્રી મંડળના મંત્રીઓ અને પદાધિકારીઓને મહોત્સવ અંતર્ગત જુદા જુદા જિલ્લામાં યોજાનાર કાર્યક્રમમાં હાજરી આપશે. અલગ અલગ જિલ્લાના કાર્યક્રમોમાં ગુજરાતના જાણીતા લોકગાયકો પણ હાજરી આપશે.
૧૭ સપ્ટેમ્બર મંગળવારે પ્રધાનમંત્રી મોદીનો જન્મદિવસ છે ત્યારે સુરતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત એક એક્ઝિબિશન શરૂ કરાયુ છે. જેમાં પ્રધાનમંત્રીના આજ સુધીના જીવનકાળને તસવીરોમાં આવરી લેવાઈ છે. સાયન્સ સેન્ટર ખાતે એક્ઝિબિશન શરૂ થતાં મોટીસંખ્યામાં લોકોએ એક્ઝિબિશન પર પહોંચી પ્રધાનમંત્રીના જીવનની અવનવી વાતો જાણી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



