હિંમતનગર,તા.૨
ખેડૂતોના હાલ દિવસે દિવસે બેહાલ થતા જાય છે. ત્યારે સાબરાંઠાના એક ખેડૂતની દ્વિધા જ કંઈક અલગ છે. હાલ તો ઓછા વરસાદના કારણે આ ખેડૂત એક તરફ દ્વિધામાં છે. તો બીજી તરફ ખેડૂતના તૈયાર પાક વીજ કંપનીએ જમીન દોસ્ત કરી દેતા ખેડૂતની મુશ્કેલીમાં વધારો થયો છે. આખરે ખેડૂતે નુકશાની ભરપાઈ થાય તેને લઈને વીજ કંપની સામે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં અરજ કરી છે.
હિંમતનગરના કાટવાડ ગામમાં હિતેશ પટેલ નામના ખેડૂતે ગત વર્ષે અઢી એકર જમીનમાં ૩૦૦૦ જેટલા કેળાના છોડની વાવણી કરી બાગાયતી ખેતી કરી હતી. ત્યાર બાદ એક વર્ષ સુધી માવજત કરી કેળાના ઝાડ તૈયાર કર્યા હતા. વાવણીથી લઇ અત્યાર સુધી ખેડૂતે ૨ લાખ રૂપિયા જેટલો ખર્ચ કરી ચૂક્યા છે અને આખરે હવે ઉત્પાદન મેળવવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યાં તો તૈયાર થયેલ કેળાના ઝાડ વીજ કંપનીએ કાપી નાંખ્યા છે. વીજ કંપનીએ અંદાજે ૨૬૦ જેટલા તૈયાર ઝાડ જમીન દોસ્ત કરી દેતા મોટું નુકશાન થયું છે, તો ખેડૂતને જાણ કર્યા સિવાય ઝાડ કાપી નાંખ્યા બાદ આજુબાજુના ૧૦૦ જેટલા તૈયાર ઝાડને સીધા સુર્યપ્રકાશની ગરમીથી પણ નુકશાન થવા પામ્યું છે. કેળાની લૂમો પણ કાળી પડવા લાગી છે. જેથી ખેડૂતે નુકશાનીની ભરપાઈ માટે હવે પોલીસના દ્વારા ખખડાવ્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




