રોહિત પાસે ૪૦૦ સિક્સ મારનાર પ્રથમ ભારતીય બનવાની તક
નાગપુર,તા.૯
ભારત અને બાંગ્લાદેશ ત્રણ ટી-૨૦ સીરિઝની નિર્ણાયક મેચમાં રવિવારે નાગપુર ખાતે ટકરાશે. બંને ટીમ ૧-૧ની બરોબરી પર છે. રાજકોટમાં રંગ જમાવ્યા પછી ભારત સીરિઝ જીતવા માટે ફેવરિટ છે. વિરાટ કોહલીની ગેરહાજરીમાં ભારતનો લક્ષ્ય શ્રેણીમાં નવી પ્રતિભા શોધવાનો હતો, જોકે ટીમ તેવું કરવામાં નિષ્ફ્ળ રહી છે. લેગ સ્પિનર યૂઝવેન્દ્ર ચહલે શાનદાર વાપસી કરી છે. પરંતુ શિવમ દુબે અને ખલીલ અહેમદ જેવા ખેલાડીઓ તકનો પૂરેપૂરો ફાયદો ઉઠાવી શક્યા નથી. ઓપનર શિખર ધવન અને વિકેટકીપર ઋષભ પંતનું ફોર્મ પણ ચિંતાનો વિષય છે અને નાના ફોર્મેટમાં આ મેચ તે બંને માટે મહત્ત્વની સાબિત થઇ શકે છે.
રોહિત શર્માએ વનડેમાં ૨૩૨, ટી-૨૦માં ૧૧૫ અને ટેસ્ટમાં ૫૧ સિક્સ મારી છે. ૩૨ વર્ષીય ઓપનર નાગપુરમાં ૨ સિક્સ મારે તો ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ૪૦૦ સિક્સ મારનાર વર્લ્ડનો ત્રીજો બેટ્સમેન બનશે. અગાઉ પાકિસ્તાનના શાહિદ આફ્રિદી અને વેસ્ટ ઇન્ડિઝના ક્રિસ ગેલે ૪૦૦ સિક્સનો આંક વટાવ્યો છે. ગેલે ૫૩૪ અને આફ્રિદીએ ૪૭૬ સિક્સ મારી છે.
નાગપુરમાં ૨૦૧૭માં ઇંગ્લેન્ડ વિરુદ્ધ ૧૪૪ રન ડિફેન્ડ કરતા ભારત ૫ રને મેચ જીત્યું હતું. તેની પહેલા ૨૦૧૬માં વર્લ્ડ ટી-૨૦માં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ૧૨૬ રન કરતાં ટીમ ૭૯ રનમાં ઓલઆઉટ થઇ હતી. જયારે ૨૦૦૯માં ગ્રાઉન્ડ પર રમાયેલી પ્રથમ ટી-૨૦માં શ્રીલંકા વિરુદ્ધ ૨૧૬ રન ચેઝ કરતાં ટીમ ૧૮૬ રન જ કરી શકી હતી. આમ ટીમે ત્રણમાંથી બે ટી-૨૦ ગુમાવી છે. ગ્રાઉન્ડ પર રમાયેલી ત્રણેય મેચ પ્રથમ બેટિંગ કરનાર ટીમ જ જીતી છે. જોકે બે મેચ લો-સ્કોરિંગ રહી હતી અને એક મેચ હાઈ-સ્કોરિંગ રહી હતી. નોંધ લેવા જેવી બાબત એ છે કે લો-સ્કોરિંગ મેચો તે જ રહી હતી જેમાં સ્પિનર્સને પિચમાંથી ફાયદો મળ્યો હતો, આ સમયે પિચ સૂકી હોય તેવી સંભાવના છે. રવિવારે ચાહકોને વધુ એક રનફેસ્ટ જોવા મળી શકે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


