સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર પુલ સાથે અથડાઇ, પાંચના મોત

0
16

જુનાગઢ,તા.૨૯
જૂનાગઢના ગાંઠીલા પાસેથી પસાર થતી કારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર પુલ સાથે અથડાઇને ધડાકાભેર અકસ્માત થયો હતો. આ ઘટનામાં ૭ લોકોમાંથી ૫ લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે. જ્યારે ૨ લોકોને ગંભીર ઈજા થતાં તેઓને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા.
સમગ્ર ઘટનાનાં પગલે કારને તોડીને પાંચેયનાં મૃતદેહને બહાર કાઢવામાં આવ્યાં હતા. પાંચેય મૃતકનાં મૃતદેહોને પીએમ માટે સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે અને પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે.
આ ઘટનામાં જે કાર દુર્ઘટનાનો શિકાર બની છે તે ફોર્ડ એન્ડેવર કાર હતી. ફોર્ડ એન્ડેવર કારના (જીજે-૧૧-સીડી-૦૦૦૧) ચાલક ઇશાન્ત ચંદાણીએ સ્ટીરિંગ પર કાબુ ગુમાવતા કારમાં સવાર ૭ વ્યક્તિઓ પૈકી પાંચનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. ગાડી એટલી ઝડપે અથડાઈ કે તેનો કચ્ચરઘાણ નીકળી ગયો છે. અકસ્માતના પગલે સ્થાનિકો એકઠાં થઈ ગયા હતા. કારમાં ચગદાઈ ગયેલાં લોકોને કાચ તોડીને બહાર કઢાયાં છે.
આ ઘટનામાં મોતને ભેટનાર વ્યક્તિઓમાં ઇશાંત સલીમભાઈ ચંદાણી (ઉંમર-૧૯), એઝાઝ ફિરોઝભાઈ ચંદાણી (ઉંમર-૨૫), ભાવિક કાળુભાઇ મકવાણા (ઉંમર-૨૪), પાયલબેન વિનોદભાઈ લાઠીયા (ઉંમર-૨૦) અને કુંજનબેન પ્રદીપગીરી અપારનાથી (ઉંમર-૨૦)નો સમાવેશ થાય છે. જ્યારે ઘાયલ લોકોની યાદીમાં સુનિલ સોલંકી (ઉંમર-૨૪) અને સમન સલીમભાઈ મીર (ઉંમર- ૧૫)નો સમાવેશ થાય છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY