જુનાગઢ,તા.૨૭
જૂનાગઢ નજીકના જામકા ગીર ગામની આફ્રિકાના ગીની દેશના એનજીઓએ મુલાકાત લીધી હતી. તેઓ જામકામાં થતી જળક્રાંતિ, પશુપાલન, ગાય આધારિત ખેતીથી પ્રભાવિત થયા છે અને તેમના દેશમાં જામકાનું મોડેલ અપનાવવા તૈયાર થયા છે. ગુજરાત આખામાં જામકાગીરનું મોડલ અપવાનના ગીની દેશના એનજીઓએ પસંદગી કરી છે.
આ અંગે જામકાના જળક્રાંતિ ટ્રસ્ટના પરસોતમભાઇ સિદપરાએ જણાવ્યું હતું કે, આફ્રિકાના ગીની દેશમાં એનજીઓ તરીકે કામ કરતા સારાન કતા અને દાન એપોલીનીયર ડ્રામુએ જામકાગીર ગામની મુલાકાત લીધી હતી. તેઓ ખાસ કરીને ચેકડેમ દ્વારા કરાતું જળ સંગ્રહ, ગાય આધારિત ખેતી અને પશુપાલનની કામગીરીથી પ્રભાવિત થયા હતા. તેમણે જણાવ્યું હતું કે, ગીની દેશની સમસ્યા દૂર કરવા તેઓ ત્યાં જામકાનું મોડેલ અપનાવશે. જેમાં ખાસ કરીને સારી ટેકનીક દ્વારા ત્યાં રોજગારી ઉભી કરાશે.
ખેતરમાં ગાય આધારિત ખેતીથી પપૈયા, કેળા, સીતાફળ, શેરડી, બાજરી, તરબુચ, લસણ, ઘઉં જેવા વિવિધ પાકોનું ઉત્પાદન કરશે. જેથી રોજગારી વધશે અને પ્રકૃત્તિનું જતન થશે. તેમની સાથે કૃષિ યુનિવર્સિટીના આર.ડી. પટેલ, રતિલાલ સોની, અશોક વાસવાણી વગેરેની ઉપસ્થિતી રહી હતી.
ગીનીમાં પાણીની ખૂબ સમસ્યા છે. વરસાદી પાણી વહી જાય છે. ત્યારે જામકામાં ચેકડેમ દ્વારા પાણી સંગ્રહની કામગીરીથી પ્રભાવિત થયેલા સારાન કતા અને દાન એપોલીનીયર ડ્રામુ જામકાની જળક્રાંતિ ટ્રસ્ટની ટીમને ચેકડેમથી જળક્રાંતિ કરવા ગીની બોલાવશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



