જુનાગઢ,તા.૨૭
માળિયા હાટીનામાં લાઠોદ્રા રોડ પર આવેલા ઉધારીયા ગણેશ મંદિરનાં પૂજારીએ ૫ વર્ષ પહેલાં એક સગીર પર સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કર્યું હતું. આ અંગેનો કેસ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે આરોપીને ૧૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. માળિયા હાટીનાનાં લાઠોદ્રા રોડ પર આવેલા ઉધારીયા ગણેશના પૂજારી કરશનગિરી ઉર્ફે ભીખુબાપુ મોહનગીરી ગોસ્વામી (ઉ. ૬૨) એ તા. ૧૩ ઓક્ટો. ૨૦૧૪ નાં રોજ બપોરે ૧ઃ૩૦ વાગ્યાના અરસામાં એક ૧૪ વર્ષના બાળકને દવા બનાવવાના કામમાં મદદનું કહી રૂમમાં બોલાવ્યા બાદ તેના પર બળજબરીથી સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કર્યું હતું.
ભોગ બનનાર સગીરના નાના ભાઇએ દોડીને ઘેર જઇ પિતાને વાત કરતાં તેના પિતા જગ્યાએ આવ્યા હતા. અને પુત્રને સાથે લઇ જઇ પૂછતાં તેણે વિતક કહી હતી. આથી સગીરના પિતાએ માળિયા પોલીસમાં ભીખુબાપુ સામે ફરિયાદ નોંધાવી હતી. આ અંગેનો કેસ જૂનાગઢની ત્રીજી એડી. સેશન્સ કોર્ટમાં ચાલી જતાં સ્પે. પોક્સો જજ ટી. ડી. પડીઆએ કરશનગિરી ઉર્ફે ભીખુબાપુને જુદી જુદી કલમો હેઠળ કુલ ૧૦ વર્ષની સખત કેદની સજા અને કુલ રૂ. ૨૦,૫૦૦ નો દંડ ફટકાર્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


