મોરબી,તા.૧૬
મોરબીનાં પીપળીયા ગામનાં કાંતિલાલ મુછડિયાનો સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. પીપળીયાના મુછડીયા કાંતિલાલ નામના વ્યક્તિએ જીવતાજીવ ૨૮ નવેમ્બરનાં રોજ સમાધિ લેવાનો દાવો કર્યો છે. કાંતિલાલે જણાવ્યું કે, નવઘણ દાદાએ સપનામાં આવીને જીવતા સમાધિ લેવાનું કહ્યું છે. તેમની સામે વિજ્ઞાનજાથાનાં જયંત પંડયાએ દાવાને ફગાવી દીધો છે. જયંત પંડયાએ કહ્યું છે કે, ‘બે દિવસમાં કાંતિલાલનું સત્ય અમે ઉજાગર કરીશું.’
આ સમાધિનાં દાવા અંગે વિજ્ઞાનજાથાનાં જયંત પંડયાએ કહ્યું કે, ‘ભૂતકાળમાં કાંતિલાલ હીરા ઘસતો હતો. કાંતિલાલની માનસિક સ્થિતિ સારી નથી. અમને ગ્રામજનોની કાંતિલાલ વિરુદ્ધ અરજી મળી છે. મોરબી પોલીસને સાથે રાખી આગામી બે દિવસમાં કાંતિલાલનું સત્ય ઉજાગર કરીશું. વિજ્ઞાન જાથા લોકોને વિનંતી કરે છે કે આ પ્રકારનાં પાખંડથી દૂર રહે. તેમણે આગળ જણાવ્યું કે, કાંતિલાલની આર્થિક પરિસ્થિતિ પણ નબળી છે. પરિવારની આર્થિક પરિસ્થિતિ સુધારવા કાંતિલાલ આ પ્રકારનું પાંખડ રચતો હશે.’
પીપળીયા ગામનાં રહેવાસી મુછડીયા કાંતિલાલ અરજણભાઈએ જીવતા સમાધિ લેવાની ઈચ્છા વ્યક્ત કરી છે અને તેઓ આગામી તારીખ ૨૮ના રોજ જીવતા સમાધી લેવાના હોવા અંગેનો પત્ર પણ તેમને લખ્યો છે. જીવતા સમાધિ લેવાનો દાવો કરનાર મુછડિયા કાંતિલાલ દ્વારા લખાયેલા પત્રમાં જણાવ્યું છે કે, જામદુધઈ (આમરણ) ગામે ૪૫૦ વર્ષ પૂર્વે નવઘણદાદા થઇ ગયા, જે હડકવા મટાડતા હોવાની માન્યતા છે. નવઘણ દાદાએ તેમના સપનામાં આવીને કહ્યું હતું કે, મારા ધર્મના રસ્તે ચાલીશ તો જ તને જીવાડીશ નહીતર તને મારી નાખીશ એવું કહ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


