મોરબી,તા.૬
મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી દ્વારા ૯૮ જેટલી શાળાઓની અચાનક વિઝીટ લેવામાં આવી હતી, જે દરમિયાન તપાસમાં ગેરરિતી સામે આવતા ૧૯૩ જેટલા શિક્ષકોને નોટિસ આપવામાં આવી છે. તમામ શિક્ષકોને ૧૦ દિવસની નોટીસ પણ ફટકારવામાં આવી છે.
મોરબીની તમામ પ્રાથમિક શાળાઓમાં પ્રથમ સત્રની પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષામાં શિક્ષકોએ વિવિધ નિયમોનું પાલન કરવાનું રહે છે. લેશન ડાયરી નિભાવવી, એકમ કસોટી સમયસર તપાસીને વિદ્યાર્થીના વાલી પાસે સહી કરાવીને તેને પરત મેળવવી, પરીક્ષા દરમિયાન ગેરરીતિ ન થાય તેની તકેદારી રાખવા સહીતની કામગીરી શિક્ષકોએ કરવાની હોય છે.
આ પરીક્ષા દરમિયાન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીના અધિકારીઓએ ૯૮ જેટલી શાળાઓની સરપ્રાઈઝ વિઝીટ લીધી હતી. જે દરમિયાન અમુક શિક્ષકો તો જાતે જ વિદ્યાર્થીઓને જવાબો લખાવતા નજરે પડયા હતા. આ ઉપરાંત અન્ય ગેરરીતિ પણ જોવા મળી હતી. જે બદલ જિલ્લા પ્રાથમીક શિક્ષણાધિકારી દ્વારા ૧૯૩ જેટલા શિક્ષકોને નોટિસો પાઠવવામાં આવી છે. તેમજ આ નોટિસમાં શિક્ષકોને ૧૦ દિવસમાં ખુલાસો રજૂ કરવા જણાવાયું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


