મોરબી,તા.૭
મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના સાવડી ગામે દારૂની દોસ્તીએ એક વૃદ્ધનો જીવ લીધો છે. જી હા, જેમની સાથે દારૂ પીવાની આદત હતી, એ જ દારૂ પિધાલા મિત્રોએ વૃદ્ધનું ગળું દબાવીને તેમની કરપીણ હત્યા નીપજાવી દીધી હતી. વૃદ્ધની વાડીમાં ગત તારીખ ૨૭ નવેમ્બરના રોજ બનેલી આ ઘટનામાં પોલીસે મૃતકની સાથે પાર્ટી કરી હત્યા નીપજાવનાર પાડોશી ખેતમજૂર અને એક સગીરને દબોચી લીધા છે.
હત્યાના બનાવ બાદ મોરબી જિલ્લા પોલીસ વડાએ પાંચ જેટલી ટીમોને આ હત્યાનો ભેદ ઉકેલવા માટે કામે લગાડી હતી અને ઘટનાસ્થળની આસપાસમાં આવેલ વાડીઓમાં કામ કરતા ખેતમજુરોની ઉલટ તપાસ કરતા આ હત્યાની આસપાસની વાડીમાં કામ કરતા મૂળ એમપીના એવા ભૂદર તડવી નામના શખ્શે કરી હોવાનું પોલીસની સામે આવ્યું હતું. આ હત્યામાં એક કાયદાના સંઘર્ષમાં આવેલ સગીર પણ સામેલ હોવાનું સ્પષ્ટ થયું હતું. હવે આ હત્યા પાછળના કારણને સવા લાખની રોકડ ક્યાં છે એ સવાલ ના જવાબ મેળવવા આ બંને સુધી પહોચવાના કામે લાગી હતી અને બંનેને ઝડપી લેવામાં સફળ પણ થઇ હતી.
ઝડપાયેલ ભૂદરની પોલીસે આકરી પુછતાછ કરતા તેણે એક સગીર સાથે મળીને આ હત્યા કર્યાની કબુલાત આપી હતી. ગુમ થયેલ સવા લાખની રોકડ તો પોલીસને વાડીમાંથી જ મળી આવી હતી. મૃતક વૃદ્ધની હત્યા તેમના દારુ મિત્રોએ કરી હોવાનું બહાર આવ્યું હતું. ઘટનાની રાત્રે બંને આરોપી અને મૃતક વૃદ્ધએ સાથે દારુની પાર્ટી કરી હતી અને બાદમાં કોઈ માથાકૂટ થતા બંને આરોપીઓએ મળીને વૃદ્ધની ગળું દબાવીને હત્યા કરી નાખી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


