ન્યુ દિલ્હી,તા.૧૬
પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બનેલી નવી સરકારનું પહેલું સંસદીય સત્ર આજે એટલે કે સોમવારથી શરૂ થઈ રહ્યુ છે. આ બજેટ સત્રમાં સામાન્ય બજેટ અને રેલવે બજેટ રજૂ થશે. આ સત્ર ૨૬ જુલાઈ ૨૦૧૯ સુધી ચાલશે. રાજ્યસભાનું સત્ર ૨૦ જુનથી શરૂ થઈ ૨૬ જુલાઈ સુધી ચાલશે. આ સત્ર ૪૦ દિવસ ચાલશે અને ૩૦ બેઠકો યોજાશે. પ્રથમ બે દિવસ દરમિયાન નવા સભ્યોને શપથ લેવડાવવામાં આવશે. રાષ્ટ્રપતિ કોવિંદ ૨૦ જૂને લોકસભા અને રાજ્યસભાના સંયુકત અધિવેશનને સંબોધીત કરશે.
નાણાં મંત્રી તરીકે સીતારામનનું આ પહેલું બજેટ હશે.નાણામંત્રી સીતારામન ૫મીએ ૨૦૧૯-૨૦નું પૂર્ણ બજેટ રજુ કરશે. આર્થિક સર્વેક્ષણ સંસદમાં ૪થી જુલાઈએ રજુ થશે. મોદી સરકાર આ સત્રમાં ટ્રિપલ તલાક ઉપરાંત શૈક્ષેણિક સંસ્થા ખરડો-૨૦૧૯ અને આધાર તેમજ અન્ય કાયદા સંશોધન ખરડા ૨૦૧૯ રજૂ કરી શકે છે. જો કે બજેટ સત્રમાં વિપક્ષ જુદા મુડમાં જણાય છે. ટોચના સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસ સહિત તમામ વિપક્ષો ઈવીએમના મુદ્દાના સંસદમાં ઉઠાવવાની તૈયારી કરી રહ્યા છે.
વિપક્ષોને આશંકા છે કે ભાજપની લોકસભાની ચૂંટણીમાં ભાજપની જોરદાર જીત ઇવીએમમાં ગરબડીને કારણે થઈ છે.ચૂંટણી પંચ અને ઈવીએમએ મહત્વની ભૂમિકા ભજવી છે. આ સવાલ એટલા માટે ઉઠી રહ્યો છે કે ચૂંટણી પંચના આંકડા સાથે વિપક્ષો સંમત નથી.
કાંગ્રેસ પક્ષના સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિપક્ષ સંસદમા ઇવીએમના મુદ્દાને ચૂંટણી પંચ અને રાષ્ટ્રપતિ પાસે લઈ જવાની તૈયારીમાં છે. તેઓની માંગણી છે કે હવે પછીની ચૂંટણી બેલેટ પેપરથી થવી જોઈએ.આ મુદ્દે કોંગ્રેસ જ નહી પરંતુ મમતા, માયાવતી, અખિલેષ, ચંદ્રાબાબુ સહિતના નેતાઓએ વિરોધ નોંધાવ્યો છે.
૫ જુલાઇના રોજ કેન્દ્રીય બજેટ રજૂ થવાનું છે ત્યારે સરકારે બજેટને અંતિમ ઓપ આપવાની તૈયારી શરૂ કરી દીધી છે. નાણા પ્રધાન નિર્મલા સીતારમન અને રાજ્યકક્ષાના નાણાપ્રધાન અનુરાગ ઠાકુરે ટ્રેડ યુનિયનોની સાથે પ્રિ-બજેટ મિટિંગ યોજી રહ્યા છે. આ દરમિયાન જુદા જુદા ટ્રેડ યુનિયનો પાસેથી સૂચનો લેવામાં આવી રહ્યા છે. યુનિયનો દ્વારા પણ બજેટને લઇને પોતાની માંગણી સરકાર સમક્ષ રજૂ કરવામાં આવી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



