કેન્દ્રની ૧૯ ટીમોએ દવા છંટકાવ શરૂ કર્યું : ખેતૂરોમાં તીડોના ઢગલા

0
10

પાલનપુર,તા.૨૬
પાકિસ્તાન અને રાજસ્થાનથી પ્રવેશેલા તીડોએ બનાસકાંઠાના થરાદના ગામોમાં તરખાટ મચાવ્યો છે. ત્યારે તીડોને નિયંત્રણમાં લેવા માટે કેન્દ્ર સરકારના તીડ નિયંત્રણ વિભાગની ૧૯ ટીમો બનાસકાંઠામાં દોડી આવી છે. તમામ ટીમો દ્વારા જંતુનાશક દવાનો છંટકાવ કરીને તીડોનો સફાયો કરવામાં આવી રહ્યો છે. જેને પગલે ઠેરઠેર તીડોના ઢગલાં થયેલા જોવા મળી રહ્યા છે.
ખેડૂતોના સહકારથી ૨૫થી વધુ ટ્રેક્ટરો દ્વારા માઉન્ટેડ સ્પ્રેયરથી પણ તીડ નિયંત્રણની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ખેતીવાડી અને બાગાયત વિભાગની ૨૭ ટીમો તીડ સર્વેલન્સની કામગીરી કરી રહી છે. બનાસકાંઠા જિલ્લા કલેકટર સંદીપ સાગલે સમગ્ર પરિસ્થિતિ પર ઝીણવટભરી નજર રાખી જરૂરી સુચના અને માર્ગદર્શન આપી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે તીડ નિયંત્રણ માટે દવાનો છંટકાવ સવારે સાડા છ વાગ્યાથી સાડા દસ વાગ્યા સુધી કરી શકાય છે.
થરાદ અને વાવ તાલુકાની બોર્ડરે તીડનું મોટું ઝૂંડ પ્રવેશ્યાના પગલે તીડ સર્વેલન્સની કામગીરી અને તીડ કન્ટ્રોલની કામગીરી ચાલી રહી છે. તેના જાત નિરીક્ષણ અને સમીક્ષા માટે ગાંધીનગરથી ગુજરાત રાજ્યના ખેતી નિયામક બી. એમ. મોદી, બનાસકાંઠાના કલેક્ટર સંદિપ સાગલે, જિલ્લા વિકાસ અધિકારી અજય દહીયા, દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર આર. કે પટેલ, સંયુક્ત ખેતી નિયામક મહેસાણા પી ડી રાઠોડ, ભારત સરકારના સંયુક્ત નિયામક, ફરીદાબાદ જે.પી.સીંગ વગેરેએ થરાદ તાલુકાના તીડ પ્રભાવિત ગામ રડકા ખાતે વહેલી સવારે મુલાકાત લઇ તીડ નિયંત્રણની કામગીરીનું જાત નિરીક્ષણ કરી ટીમોને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.
આત્મા દ્વારા ખેડૂતોમાં જાણકારી માટે પ્રચાર પ્રસારની કામગીરી ચાલુ છે. ખેતીવાડી, બાગાયત અને તીડ નિયંત્રણ વિભાગના અધિકારીઓ સ્થળ ઉપર હાજર રહી કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપી રહ્યા છે. જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા સાથ સહકાર આપનાર ખેડૂતોનો આભાર માની ખેડૂતોને આહવાન કરાયું છે કે આપણે સૌ સાથે મળી તીડ નિયંત્રણની કામગીરી કરીએ.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY