-ન્યાયની લડત માટે પાટીદારો દ્વારા હવે કમિટિ બનાવાશે
હત્યાના વિરોધમાં બીજા દિવસે પણ બજારો બંધ કરાવી દેવાયાં
ગાંધીનગર જિલ્લાના છત્રાલમાં કોમી અથડામણની અદાવતમાં આધેડની હત્યા બાદ હજુ મુખ્ય આરોપી નહીં પકડાતાં સ્થિતિ તંગ થઈ ગઈ છે. મૃતકના પુત્રએ આત્મવિલોપનની ચિમકી આપતાં વહીવટી તંત્ર અને પોલીસ દોડતું થઈ ગઈ હતી. ત્યારે મંગળવારે સિવિલ હોસ્પિટલ પાસે ટાવરચોકમાં બે કોમના ટોળા સામસામે આવી ગયા હતા અને પથ્થરમારો થતાં પરિસ્થિતિ વધુ વણસી હતી.
જેને લઈ પોલીસ કાફલાએ સ્થળ ઉપર પહોંચી સ્થિતિ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. કલોલમાં ધીરેધીરે વણસી રહેલી સ્થિતિને પગલે પોલીસની વધુ કુમક ખડકી દેવામાં આવી છે તો ફરાર આરોપીને પકડવા માટે પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી છે.
છત્રાલમાં અગાઉ થયેલી કોમી અથડામણની અદાવતમાં ગત રવિવારની રાત્રે કેટલાક તત્ત્વોએ અશોક રણછોડભાઈ પટેલની તિક્ષ્ણ હથિયારોના ઘા મારી ઘાતકી હત્યા કરતાં પાટીદાર સમાજમાં ભારોભાર રોષ ફાટી નીકળ્યો છે. મૃતકના પુત્રએ કરેલી ફરિયાદમાં આરોપી તરીકે સાત શકમંદ મુસ્લિમ યુવકોનો ઉલ્લેખ કર્યો છે. ત્યારે આરોપીઓની ધરપકડ નહીં કરવામાં આવતાં છેલ્લા બે દિવસથી પાટીદાર સમાજ સિવિલ સંકુલમાં ધરણાં કરી રહયા છે. પોલીસે છ આરોપીઓને પકડયા હોવાનો દાવો કર્યો છે.
પરંતુ પાટીદારો આ વાત માનવા તૈયાર નથી. તેમજ આ ઘટનાના મુખ્ય આરોપીની ધરપકડ નહીં થાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારાય તેવી ચીમકી પાટીદારોએ ઉચ્ચારી છે. મૃતકના પુત્ર અંકિત પટેલે આત્મવિલોપનની ચીમકી આપી હતી. જેથી ફાયર અને સરકારી તંત્ર સ્થળ ઉપર તૈનાત કરી દેવાયું હતું.
અંકિત જેવો સ્થળ ઉપરથી ઉભો થયો તે વખતે જ પોલીસે તેને પકડી લઈ આત્મવિલોપનનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો અને થોડા સમય માટે તેને આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાતા બહાર રહેલા પાટીદારોએ ભારે હલ્લાબોલ મચાવી મુકયો હતો. ભારે ભાગદોડ પણ મચી ગઈ હતી. પાટીદાર આગેવાનો દિનેશ બાંભણીયા અને ચિરાગ પટેલ પણ સિવિલ સંકુલમાં આવ્યા હતા. મૃતકના પરિવારને સાંત્વના આપી હતી ત્યારે ટાવર પાસે બે કોમના ટોળાઓ સામસામે આવી ગયા હતા અને પથ્થરમારો થતા એક મીડીયાકર્મી ઘાયલ થયો હતો.
જો કે પોલીસે દોડી આવી પરિસ્થિતિ કાબુમાં લઈ લીધી હતી. આજે મોટી સંખ્યામાં પાટીદાર મહિલાઓએ પણ સિવીલ સંકુલમાં ધરણાં કર્યા હતા. મુખ્ય આરોપીની ધરપકડ નહીં થઈ હોવાથી પાટીદારોએ સતત બીજા દિવસે ધરણાં યથાવત્ રાખી રામધૂન બોલાવી મૃતદેહ સ્વીકાર્યો નહોતો. ત્યારે ટાવરચોકમાં થયેલા પથ્થરમારા બાદ પરિસ્થિતિ વધુ તંગ બની ગઈ હતી.
ન્યાયની લડત માટે પાટીદારો દ્વારા હવે કમિટિ બનાવાશે
છેલ્લા બે દિવસથી પાટીદારો દ્વારા સિવિલ સંકુલમાં ધરણાં કરવામાં આવી રહયા છે. આધેડની હત્યાનો મુખ્ય આરોપી નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાની પાટીદારોએ ઈન્કાર કરી દીધો છે. આજે પણ પાટીદાર સમાજના સંખ્યાબંધ લોકોએ સિવિલમાં ધરણાં કર્યા હતા. મહિલાઓ પણ આજે ધરણાંમાં જોડાઈ હતી. પાટીદાર સમાજના આગેવાનોએ આ મુદ્દે બેઠક પણ યોજી હતી. જેમાં ન્યાયની લડત માટે કમિટિ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ કમિટિના સભ્યો યોગ્ય નિર્ણય લઈ લડતને આગળ વધારશે તેમ પાટીદાર આગેવાનોએ જણાવ્યું હતું.
છત્રાલમાં આધેડની ઘાતકી હત્યા બાદ કલોલમાં પણ ભારોભાર રોષ ફાટી નીકળ્યો છે. ગઈકાલે પાટીદારોના ટોળાએ બજારો સજ્જડ બંધ કરાવી દીધા હતા. ત્યારે આજે પણ આ સ્થિતિ યથાવત્ રહી હતી. આજે બપોરે પણ પાટીદાર સમાજના ટોળાએ વિવિધ બજારોમાં જઈ દુકાનો બંધ કરાવી દીધી હતી. વેપારી જીન, સ્ટેશન રોડ અને નવજીવન શોપીંગ સેન્ટર સહિતના બજારો પાટીદારોએ બંધ કરાવી દીધા હતા. જેથી આજે પણ બંધનું એલાન અને કરફયુ જેવું વાતાવરણ સર્જાયું હતું. પાટીદાર આધેડની આ ઘટનાના પડઘા કડીમાં પણ પડયા છે.
મુખ્ય આરોપીને પકડવા અમદાવાદ ક્રાઈમ બ્રાંચની પણ મદદ લેવાઈ
ગાંધીનગર જિલ્લાના છત્રાલમાં કોમી અથડામણની અદાવતમાં રવિવારની રાત્રે પાટીદાર આધેડની હત્યા થઈ જતાં સ્થિતિ વણસી છે ત્યારે જ્યાં સુધી આરોપીઓ નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરી દેવામાં આવતાં વહીવટી તંત્ર અને પોલીસ મુશ્કેલીમાં મુકાયા છે. ગઈકાલે સાંજે છ આરોપીઓને પકડી પાડવાનો દાવો પોલીસ દ્વારા કરવામાં આવ્યો હતો પરંતુ જ્યાં સુધી મુખ્ય આરોપી નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારાય તેવી ચીમકીના પગલે જિલ્લા પોલીસની વિવિધ ટીમો મુખ્ય આરોપીને પકડવા માટે દોડધામ કરી રહી છે. જો કે બીજા દિવસે પણ આ આરોપી નહીં પકડાતાં સ્થિતિ વધુ વણસે તેમ છે ત્યારે ગાંધીનગર પોલીસે અમદાવાદ ક્રાઈમ બ્રાંચની પણ મદદ માંગી છે અને આરોપીને પકડવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાંચ પણ કામે લાગ્યું છે.
આરોપીના ઘરમાંથી હથિયારો પણ મળ્યા
છત્રાલમાં આધેડની હત્યા પ્રકરણમાં મુખ્ય આરોપીના ઘરે પોલીસ દ્વારા સર્ચ કરવામાં આવ્યું હતું જેમાં તેના ઘરમાંથી ઘાતક હથિયારો પણ મળી આવ્યા હોવાનું જાણવા મળી રહયું છે. પોલીસે તેને કબ્જે કર્યા હતા. આ આરોપીનો પરિવાર પણ તેની સાથે ગાયબ થઈ ગયો છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


