રાજકોટ,તા.૧૭
રાજકોટ-અમદાવાદ હાઈવે ઉપર આવેલ વાંકાનેર બાઉન્ડ્રી પાસે દેવાબાપાની જગ્યા નજીક બપોરે ફાયરિંગની ઘટના બની હતી. જમીન બાબતે ૧૦થી વધુના ટોળાએ આધેડ પર હુમલો કર્યો હતો અને ફાયરિંગ પણ કર્યું હતું. ફાયરિંગની જાણ થતાં વાંકાનેર પીએસઆઈ રામાનુજ અને રાયટર રવિભાઈ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. આ ફાયરિંગમાં એક વ્યકિતને ઈજાગ્રસ્ત હાલતમાં પ્રથમ ચોટીલા અને ત્યાર બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે. હુમલા અને ફાયરિંગ અંગે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ચોટીલાના રાજપરાના રહેવાસી ધનજીભાઈ હમીરભાઈ કોળી (ઉંમર- ૪૦ વર્ષ) પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, વીરજી ભગત સાથે જમીનના કબ્જા બાબતે મનદુઃખ હોય અને ફરિયાદી અન્ય સાથે તેને લીધેલ જમીન માપણી કરતા આવતા આરોપી વીરજી ભગતના કહેવાથી આરોપી દલસુખ વીરજી, નારણભાઈ અને અન્ય સાતથી આઠ અજાણ્યા શખ્સોએ જીવલેણ હુમલો કરી ફાયરીંગ કરી ઈજા કરી હતી. તેમજ પગમાં ફેકચર જેવી ઈજા કરી ગાડીમાં ધોકા અને પાઈપ વડે તોડફોડ કરી નુકશાન કર્યું છે. પોલીસે ૩ આરોપીના નામ જોગ સહિત ૧૦થી વધુ લોકો સામે ગુનો નોંધી તપાસ કાર્યવાહી હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


