સુરત,તા.૨૨
પાંડેસરા વિસ્તારમાં કુદરતી હાજતે બેસેલા યુવાનને ચપ્પુના ઘા મારી મોબાઈલ લૂંટવાનો પ્રયાસ કરાયો હતો. શુક્રવારની વહેલી સવારે બનેલી આ ઘટના બાદ પોતાના જીવ બચાવવા યુવકે હુમલાખોરનું ચપ્પુ પકડી લેતા ત્રણેય આંગળી કપાઈ ગઈ હતી. જોકે ઘટનાની જાણ થતાં જ દોડી આવેલા લોકોએ તાત્કાલિક ઇજાગ્રસ્ત યુવાનને ૧૦૮ની મદદથી સારવાર માટે સિવિલ લઈ આવતા નાની સર્જરી બાદ યુવાનને રજા આપી દેવાઈ હતી.
મહેશ પારસનાથ પાંડે (ઉ.વ. ૨૮ રહે પાંડેસરા રિદ્ધિ-સિદ્ધિ એપાર્ટમેન્ટ) એ જણાવ્યું હતું કે, તેઓ મૂળ યુપીના રહેવાસી છે અને પાંડેસરામાં સંચા કારીગર તરીકે કામ કરે છે. સવારે લગભગ ૫ઃ૪૫ ના સુમારે તેઓ ઘરથી થોડે દુર મિલન પોઇન્ટ નજીક રોજિંદી રીત ખુલ્લામાં કુદરતી હાજતે ગયો હતો. જ્યાં અચાનક જ બે અજાણ્યા ઈસમો એ તેમને ચપ્પુ બતાવી ખીસ્સામાંથી મોબાઈલ આપી દેવા જણાવ્યું હતું. મોબાઈલ લૂંટારુઓને ના પાડતા જ બે પૈકી એકે ચપ્પુ વડે તેમના પેટ પર હુમલો કર્યો હતો. જોકે હુમલાની જાણ થઈ જતા તેમણે તાત્કાલિક હુમલાખોરનું ચપ્પુ પકડી બુમાબુમ કરી નાંખી હતી. જેને લઈ હુમલાખોર લૂંટારૂઓ લોકોને આવતા જોઈ ભાગી ગયાં હતાં. આ ઘટનામાં તેમને જમણા હાથની છેલ્લી ત્રણ આંગળી હુમલાખોરના ચપ્પુથી કપાઈ ગઈ હતી. દોડી આવેલા લોકોએ ૧૦૮ને બોલાવતા તેમને સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ લવાયા હતા. હાલ તેમની તબિયત સાધારણ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



