વલસાડ,તા.૮
આગામી લોકસભાની ચૂંટણી માટે વલસાડ જિલ્લાનું ધરમપુર ચૂંટણી પ્રચારનું રણમેદાન બનશે. વેલેન્ટાઇનના દિવસે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ધરમપુરમાં એક સભા કરવા જઈ રહ્યા છે. વલસાડ બેઠક માટે એવું કહેવામાં આવે છે કે આ બેઠક પર જે પક્ષ વિજેતા બને છે, કેન્દ્રમાં તેની સરકાર બને છે. રાહુલ ગાંધી અહીંથી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે. જોકે, ચૂંટણી પ્રચારમાં ભાજપ પણ પાછું રહેવા માંગતું નથી. સમાચાર મળ્યા છે કે રાહુલ ગાંધીના વલસાડ પ્રવાસના એક દિવસ પહેલા જ મહારાષ્ટÙના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ વલસાડ પહોંચીને ચૂંટણી પ્રચાર શરૂ કરી દેશે!
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ૧૪મીએ ધરમપુરના લાલ ડુંગરી મેદાનમાં એક જાહેર સભાને સંબોધન કરશે. જંગી સભાની સાથે જ રાહુલ ગાંધી ચૂંટણી પ્રચારનું રણશિંગું ફૂંકશે. હવે એવી માહિતી મળી છે કે રાહુલની સભાના એક દિવસ પહેલા જ મહારાષ્ટÙના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ ધરમપુર આવી પહોંચશે. ૧૩મી તારીખના રોજ ધરમપુર ખાતે ભાજપનું કાર્યકર્તા ક્લસ્ટર સંમેલન યોજાશે. રાહુલ ગાંધી લાલ ડુંગરી મેદાનમાં સભા કરશે તો ફડવણીસ મોહનગઢમાં ભાજપ માટે પ્રચાર કરશે. આ રીતે વલસાડનું ધરમપુર હવે ચૂંટણી પ્રચાર માટે રણમેદાન બનવા જઈ રહ્યું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




